હૈદરાબાદઃ ડૉક્ટર સાથે દુષ્કર્મના આરોપીઓને ડિનરમાં મળી મટન કરી!
હૈદરાબાદ ગેંગરેપના આરોપીઓને હૈદરાબાદની નજીક આવેલ ચેરાપલ્લીની હાઈ સિક્યોરિટી જેલમાં રાખવામાં આવ્યા છે. ચારેય આરોપીઓને જેલમાં લંચમાં દાળ-ભાત અને ડિનરમાં મટન કરી આપવામાં આવી છે. જેલ મેન્યૂઅલ અંતર્ગત જ તેમને આ ખોરાક પીરસવામાં આવ્યો. જણાવી દઈએ કે હૈદરાબાદની મહિલા ડૉક્ટર સાથે 4 નરાધમોએ રેપ કર્યો હતો અને પછી તેમની હત્યા કરી નાખી હતી. મર્ડર બાદ આરોપીઓએ ડૉક્ટરના મૃતદેહને આગના હવાલે કરી દીધો હતો.

ડૉક્ટર પર રેપ
27 નવેમ્બરની રાત્રે આરોપીઓએ રેપની ઘટનાને અંજામ આપ્યો હતો. સવારે સળગેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે 4 લોકોની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે 27 વર્ષીય પશુ ચિકિત્સક મહિલાની સ્કૂટી પંચર થઈ ગઈ હતી. હૈદરાબાદ પાસે આવેલ શમશાબાદ સ્થિત ટોલ પ્લાઝા પર કેટલાક લોકોએ સ્કૂટીમાં હવા ભરવામાં મદદની ઑફર કરી હતી. જે બાદ તેમણે મહિલાને અલગ જગ્યાએ લઈ જઈ તેનો રેપ કર્યો હતો. બાદમાં માલૂમ પડ્યું હતું કે આરોપીઓએ ષડયંત્ર રચીને સ્કૂટીમાં પંચર પાડ્યું હતું.

લાશ સળગાવી નાખી
રેપ બાદ ડૉક્ટરની હત્યા કરી મૃતદેહને સળગાવી દીધો હતો અને સળગેલી હાલતમાં લાશને શાદનગર શહેરના બાહરી વિસ્તારમાં ફેંકી દીધો હતો. આગલા દિવસે સ્થાનિક લોકોએ પીડિતાની સળગેલી હાલતમાં લાશ જોતાં પોલીસને જાણખારી આપી હતી.

નરાધમોએ ષડયંત્ર ઘડ્યું હતું
પોલીસે આરોપીઓની ઓળખ ટ્રક ચાલક મોહમ્મદ આરિફ, ટ્રક ચાલક ચિંતાકુંતા ચેન્નાકેશાવુલૂ, ક્લીનર જોલુ શિવા અને જોલુ નવીન તરીકે કરી છે. આરિફની ઉંમર 26 વર્ષની છે જ્યારે બાકીના ત્રણેય આરોપીઓ 20 વર્ષના છે. આ મામલે પીડિતાના પરિજનો સહિતના લોકોએ આરોપીઓને આકરામાં આકરી સજા કરવાની માગ કરી છે.