
IAF chopper crash : વિંગ કમાન્ડર શહીદ પૃથ્વી સિંહના પરિવારને મળ્યા કેશવ મૌર્ય, કહી આ વાત...
IAF chopper crash : ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણના આગ્રા સ્થિત ઘરે પહોંચ્યા હતા. અહીં તેઓ વૃદ્ધ પિતા અને શહીદના પરિવારજનોને મળ્યા અને તેમને સાંત્વના પાઠવી હતી.
નાયબ મુખ્યપ્રધાન કેપી મૌર્યએ પૃથ્વી સિંહ ચૌહાણના સર્વોચ્ચ બલિદાનને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, આવનારી પેઢીઓ હંમેશા તેમની ઋણી રહેશે અને તેમની બહાદુરી અને હિંમતથી પ્રેરણા લેશે.
આ સર્વોચ્ચ બલિદાનથી રાષ્ટ્ર આઘાતમાં છે : કેપી મૌર્ય
તમિલનાડુમાં લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત સહિત 13 લોકોના મૃત્યુ પર બોલતા, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું કે, આ સર્વોચ્ચ બલિદાનથી દેશ આઘાતમાં છે. અમે પરિવારના સભ્યોને મળ્યા છીએ. મેં આજના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા છે.
નાયબ મુખ્યમંત્રીએ એક ટ્વીટમાં લખ્યું, "ઉત્તર પ્રદેશ સરકાર અને પાર્ટી વતી દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વિંગ કમાન્ડર શ્રી પૃથ્વી સિંહ ચૌહાણ તેમના પિતા અને પરિવારના સભ્યોને મળ્યા અને તેમને સાંત્વના આપી હતી. હું તેમના સર્વોચ્ચ બલિદાનને સલામ કરું છું.
આગરાના રહેવાસી હતા શહીદ વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ
તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં આગ્રાના વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણ સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત પણ શહીદ થયા હતા. પૃથ્વી સિંહ ચૌહાણ દયાલબાગના સરન નગરના રહેવાસી હતા. પૃથ્વી સુરેન્દ્ર સિંહનો એકમાત્ર પુત્ર હતો.
પૃથ્વી સિંહ 4 ભાઈ બહેનોમાં સૌથી નાના હતા. તેઓ 42 વર્ષના હતા. તેમણે સૈનિક સ્કૂલ રિવામાં ધોરણ 6માં એડમિશન લીધું, ત્યાર બાદ તેમની પસંદગી NDAમાં થઈ હતી. વર્ષ 2000માં પૃથ્વી સિંહ એરફોર્સમાં જોડાયા હતા.
હાલમાં તેઓ કોઈમ્બતુર નજીકના એરફોર્સ સ્ટેશનમાં પોસ્ટેડ હતા. પૃથ્વીના લગ્ન વૃંદાવનની રહેવાસી કામિની સાથે 2007માં થયા હતા. તેમને 12 વર્ષની દીકરી આરાધ્યા અને 9 વર્ષનો દીકરો છે.