
હું રાજ્યપાલ હતો, ત્યારે આતંકવાદીઓ શ્રીનગરથી 50 KMની અંદર પ્રવેશી શકતા ન હતા : સત્યપાલ મલિક
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ઓક્ટોબરની શરૂઆતથી પ્રવાસી મજૂરોને ટાર્ગેટ કરીને હત્યા કરવાની આતંકવાદી ઘટનાઓ વધી રહી છે. આ સમગ્ર મામલે મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે જણાવ્યું છે કે, જ્યારે તેઓ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ હતા, ત્યારે આતંકવાદીઓમાં એટલી હિંમત ન હતી, પરંતુ હવે તેઓ ટાર્ગેટ કરીને હત્યા કરી રહ્યા છે.
વર્તમાન સમયને તેમના કાર્યકાળ સાથે સરખાવતા સત્ય પાલ મલિકે જણાવ્યું હતું કે, જ્યારે હું જમ્મુ કાશ્મીરનો રાજ્યપાલ હતો, ત્યારે આતંકવાદીઓએ શ્રીનગરના 50 KMના દાયરામાં પ્રવેશવાની પણ હિંમત ન કરી હતી, પરંતુ હવે તેઓ શોધી શોધીને તેમની હત્યા કરી રહ્યા છે.
અત્યાર સુધીમાં આતંકવાદીઓ દ્વારા નાગરિકોને નિશાન બનાવીને 11 લોકો માર્યા ગયા
જમ્મુ કાશ્મીરમાં ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં આતંકવાદીઓ દ્વારા નાગરિકોને નિશાન બનાવીને 11 લોકો માર્યા ગયા છે. અન્ય ઘણા લોકો ત્યાં ઘાયલ થયા છે. સત્યપાલ મલિક 23 ઓગસ્ટ, 2018 થી 30 ઓક્ટોબર, 2019 સુધી જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ બન્યા હતા.
સત્યપાલ મલિકના કાર્યકાળ દરમિયાન જ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન કેન્દ્ર સરકારે 35 Aને સંપૂર્ણપણે રદ્દ કરી દીધું હતું.
રવિવારના રોજ આતંકવાદીઓએ ફરી બે પરપ્રાંતિય મજૂરોની હત્યા કરી
17 ઓક્ટોબર એટલે કે રવિવારના રોજ આતંકવાદીઓએ ફરી બે પરપ્રાંતિય મજૂરોની હત્યા કરી હતી. 24 કલાકમાં આતંકવાદીઓ દ્વારા બિન-કાશ્મીરીઓ પર હુમલાની આ ત્રીજી ઘટના છે. બંને પરપ્રાંતિય મજૂરોની ઓળખ બિહારના રાજા રેશી દેવ અને જોગીન્દર રેશી દેવ તરીકે થઈ છે.
કાશ્મીર પોલીસે જણાવ્યું છે કે, રાજા રેશી દેવ અને જોગિંદર રેશી દેવ કુલગામના લરણ ગાંગીપોરા વાનપોહ ખાતે ભાડાના મકાનમાં રહેતા હતા. જ્યારે તે પોતાના ઘરમાં હતો, ત્યારે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં રાજા રેશી દેવ અને જોગીન્દર રેશી દેવનું મૃત્યુ થયું હતું. બંનેને 6-6 ગોળીઓ વાગી હતી. ઘરમાં હાજર ત્રીજા વ્યક્તિની ઓળખ ચુંચુન રેશી દેવ તરીકે થઈ હતી, જે અનંતનાગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ છે.
ઉલ્લેનીય છે કે, રવિવારના રોજ બંદૂકધારીઓએ કુલગામના વાનપોહમાં પ્રવાસી મજૂરોના ઘરમાં ઘૂસીને તેમના પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં 3 પ્રવાસી લોકોને ગોળી વાગી હતી. તેમાંથી 2 ના મોત થયા છે, જ્યારે 1 મજૂરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મૃતકોની ઓળખ રાજા રેશી દેવ, જોગીન્દર રેશી દેવ તરીકે થઈ છે. ઘાયલોનું નામ ચુંચુન રેશી દેવ છે. તમામ બિહારના વતની છે. જે બાદ પોલીસ અને સુરક્ષા દળો દ્વારા આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.
અલગ-અલગ ઘટનાઓમાં આતંકવાદીઓ દ્વારા બે પ્રવાસી લોકોની ગોળી મારીને હત્યા કરાઇ
આ પહેલા શનિવારના રોજ શ્રીનગર અને પુલવામા જિલ્લામાં અલગ-અલગ ઘટનાઓમાં આતંકવાદીઓ દ્વારા બે પ્રવાસી લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આતંકવાદીઓએ શનિવારે સાંજે શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં પાણીપૂરી વેચવાવાળાને ઠાર કર્યો હતો. મૃતક પાણીપૂરી વેચવાવાળો શખ્સ બિહારના બાંકા જિલ્લાના રહેવાસી હોવાનું કહેવાય છે, જેની ઓળખ અરવિંદ કુમાર તરીકે થઈ છે.
અન્ય એક ઘટનામાં આતંકવાદીઓએ પુલવામા જિલ્લામાં મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુથાર તરીકે કામ કરતા સગીર અહમદને ગોળી મારી હતી, જે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ અહેમદનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું. સતત બીજા દિવસે આતંકવાદીઓ દ્વારા બિન-કાશ્મીરી મજૂરોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ બે દિવસમાં કુલ ચાર મજૂરોને આતંકવાદીઓએ ઠાર કર્યા છે.
જમ્મુ -કાશ્મીરમાં નાગરિકોને નિશાન બનાવવાની ઘટનાઓ વચ્ચે, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ રવિવારે સંકલ્પ કર્યો કે, નિર્દોષ નાગરિકોના લોહીના દરેક ટીપાનો બદલો આતંકવાદીઓ અને તેમના સહાનુભૂતિઓ ધરાવતા લોકો પાસેથી લેવામાં આવશે. સિંહાએ કહ્યું કે, રાજ્યમાં શાંતિ અને સામાજિક-આર્થિક પ્રગતિ અને લોકોના વ્યક્તિગત વિકાસને દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કેન્દ્રશાસિત પ્રદેશના ઝડપી વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી છે.