
ફરી ખોલાઇ નેશનલ હેરાલ્ડ કેસની ફાઇલ, EDએ સોનિયા અને રાહુલ ગાંધીને સમન પાઠવ્યુ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નેશનલ હેરાલ્ડ કેસની ફાઇલ ફરીથી ખોલી છે. આ સાથે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના સાંસદ રાહુલ ગાંધીને સમન્સ મોકલવામાં આવ્યા છે. આ કેસની તપાસ 2015માં જ બંધ થઈ ગઈ હતી, આવી સ્થિતિમાં 7 વર્ષ પછી ફરી તપાસ બાદ કોંગ્રેસ મોદી સરકાર પર આક્રમક બની છે. સાથે જ તેને વિરોધનો અવાજ દબાવવાનું પગલું ગણાવ્યું હતું.
આ મામલે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે નેશનલ હેરાલ્ડ અખબારની શરૂઆત 1942માં કરવામાં આવી હતી, તે સમયે અંગ્રેજોએ તેને દબાવવાનો પ્રયાસ કર્યો હતો, આજે મોદી સરકાર પણ તે જ કરી રહી છે અને આ માટે EDનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. EDએ અમારા અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ આપી છે. અમે આની સામે ઝૂકવાના નથી, પણ છાતી ઠોકીને લડીશું. બીજી તરફ કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે 8મી જૂને ED બંને નેતાઓની પૂછપરછ કરી શકે છે.
આ કેસમાં અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે 8 જૂને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને EDએ પૂછપરછ માટે બોલાવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ ચોક્કસપણે આ તપાસમાં સામેલ થશે. જ્યારે રાહુલ હજુ વિદેશમાં છે, જો તે પાછા આવશે તો તે પણ જશે, નહીં તો તે ED પાસે વધુ સમય માંગશે.