હિરાનંદાની ગ્રુપ પર આયકર વિભાગના દરોડા, 24 જગ્યાઓ પર દરોડા જારી
રિયલ એસ્ટેટ ક્ષેત્રે જાણીતી કંપની હિરાનંદાની ગ્રુપની મુંબઈ અને અન્ય શહેરોમાં ઘણી જગ્યાએ આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. આવકવેરા વિભાગે હિરાનંદાની ગ્રુપના કુલ 24 અલગ-અલગ સ્થળો પર દરોડા પાડ્યા છે, આ સ્થળોમાં હિરાનંદાની ગ્રુપ સાથે સંકળાયેલા લોકોના ઘર અને ઓફિસનો સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું કે આ દરોડો વિદેશી સંપત્તિ સાથે જોડાયેલા એક કેસના સંદર્ભમાં કરવામાં આવ્યો છે.
કંપની પરિસર અને ઓફિસો તેમજ કેટલાક ઉચ્ચ અધિકારીઓના રહેઠાણો પર પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે જ્યાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે તેમાં નિરંજન હિરાનંદાની અને સુરેન્દ્ર હિરાનંદાનીના ઘરો પણ સામેલ છે. આ દરોડા હિરાનંદાની જૂથ સાથે સંબંધિત છે અને તેમની વિદેશી સંપત્તિ અંગે તપાસ ચાલી રહી છે. નિરંજન અને સુરેન્દ્ર હિરાનંદાની પર વિદેશ સ્થિત ટ્રસ્ટમાં તેમના રોકાણની માહિતી રોકવાનો આરોપ છે.
હિરાનંદરી જૂથના પ્રવક્તાએ આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. નિરંજન હિરાનંદાની અને સુરેન્દ્ર હિરાનંદાનીએ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. હિરાનંદાની ગ્રૂપના સ્થાપક નિરંજન હિરાનંદાની અને તેમના પરિવારના અગ્રણી સભ્યોના નામ ઓક્ટોબર 2021માં પેન્ડોરા પેપર્સમાં દેખાયા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે આ લોકો એવા ટ્રસ્ટના લાભાર્થી છે જેની પાસે 6 કરોડ ડોલરથી વધુની સંપત્તિ છે.
તાજેતરમાં હિરાનંદાની ડેવલપર્સના સહ-સ્થાપક અને ભાઈઓ નિરંજન હિરાનંદાની અને સુરેન્દ્ર હિરાનંદાનીએ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં સ્થિત સંયુક્ત રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સનું વિભાજન કર્યું હતું. બે ભાઈઓ વચ્ચેના વિભાજનના ભાગ રૂપે, નિરંજન હિરાનંદરીને પવઈમાં 250 એકરનો ટાઉનશિપ પ્રોજેક્ટ મળ્યો છે, જ્યારે થાણેમાં 350 એકરનો ટાઉનશિપ પ્રોજેક્ટ સુરેન્દ્રનો હિસ્સો આવ્યો છે. હીરાનંદાની ડેવલપર્સની સ્થાપના બંને ભાઈઓએ 1978માં કરી હતી. છેલ્લા બે દાયકામાં તેણે અનેક પ્રોજેક્ટ્સ બનાવ્યા છે.