ચીનના પડકારને પહોંચી વળવા ભારતની મોટી યોજના, 5 હજાર કરોડના સુરક્ષા પ્રસ્તાવને મંજૂરી
હિંદ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવને પહોંચી વળવા ભારતે નવી યોજના બનાવી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે ભારતે હિંદ મહાસાગરમાં ચીનના પ્રભાવને ઓછો કરવા માટે અંદમાન નિકોબાર ટાપુમાં આગામી 10 વર્ષમાં 5,650 કરોડની યોજનાઓની શરૂઆત કરવાનું નક્કી કર્યું છે. આ તમામ પ્રોજેક્ટ સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગેના છે, જેને સરકારે મંજૂરી આપી દીધી છે. આ યોજનાનું કામ પુરુ થતાં જ ભારતીય નેવીની હિંદ મહાસાગરમાં તાકાત વધી જશે.

મજબૂત થશે નેવીની સ્થિતિ
ભારત સરકારે સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના જે પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે, તે પ્રોજેક્ટ અંતર્ગત વધારે યુદ્ધ જહાજ, ફાઈટર જેટ, ડ્રોન, મિસાઈલ બેટરી અને સૈનિકોને ટાપુ પર તૈનાત કરવામાં આવી શકે છે. આ પ્રોજેક્ટને લાંબા સમય સુધી ચાલેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં મંજૂરી અપાઈ છે. આ યોજના ખાસ કરીને અંદમાન-નિકોબાર કમાન્ડ માટે તૈયાર કરાઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે અજિત ડોભાલના અધ્યક્ષતા વાળી ડિફેન્સ કમિટિએ પણ આ યોજનાની સમીક્ષા કરી છે. આ કમિટીમાં સૈન્યની ત્રણેય પાંખના પ્રમુખો સામેલ છે.

બજેટને મંજૂરી
શરૂઆતી યોજના પ્રમાણે આ પ્રોજેક્ટ માટે 10,000 કરોડનું બજેટ પાસ થવાનું હતું. પરંતુ આ યોજનાને મૂળભૂત રીતે જમીન સુધારણા માટે મર્યાદિત રખાઈ છે. આ માટે કેટલીક જગ્યાએ પહેલેથી જ જમીન છે, તો કેટલીક જગ્યાએ જમીન સંપાદિત થઈ ચૂકી છે. ભારતીય સશસ્ત્ર દળોની તાકાત વધારવા માટે પણ વ્યાપક યોજના બનાવાઈ છે. આ આખા પ્રોજેક્ટ માટે 5370 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે.

થશે અપગ્રેડ
આ યોજના અંતર્ગત 109 માઉન્ટેન બ્રિગેટને અપગ્રેડ કરવામાં આવશે. સાથે જ વાયુ રક્ષા ટેક્નોલોજી, સિગ્નલ્સ, એન્જિનિયર, પુરવઠા ઉપરાંત 2 નૌસૈનિક અને એક પ્રાદેશિક સેનાની બટાલિયનને તૈનાત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અંદમાન નિકોમાર કમાન્ડ દેશનો એક માત્ર એવો કમાન્ડ છે, જેની પાસે આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટગાર્ડ તમામનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ ભારતીય નેવીએ અંદમાન નિકોબારમાં INS કોહાસા એરબેઝ શરૂ કર્યો છે.

બનશે રન વે
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી અને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે 572 ટાપુની મુલાકાત લીધી છે, જે પરથી સ્પષ્ટ થાય છે કે અહીં પાછલા 30 દિવસથી કામ શરૂ થઈ ચૂક્યુ છે. પોર્ટ બ્લેર અને કાર નિકોબારમાં મુખ્ય એરપોર્ટ છે. આ ઉપરાંત શિબપુર, કેમ્પબેલ ખાડીમાં પણ રન વે તૈયાર કરવામાં આવશે. જેના પરથી મોટા વિમાન ટેક ઓફ થઈ શકે. આ પરાંત કમોરતામાં 10 હજાર ફૂટનો રનવે આગામી 10 વર્ષમાં તૈયાર કરાશે, જેથી નેવીની તાકાત વધુ વધઆરી શકાય.

મહત્વના પગલાં
ઉલ્લેખનીય છે કે ભારતે પહેલા ફેઝમાં જ અહીં સુખોઈ 30 MKIને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત પેટ્રોલિંગ માટે ડોર્નિયર 228 એરક્રાફ્ટ અને MI17 વી હેલિકોપ્ટરને પણ અહીં તૈનાત કરાશે. હાલ સરકાર અંદમાનમાં ચીનના વધતા પ્રભાવને પહોંચી વળવા દેશની તાકાત વધારવા પ્રયત્ન કરી રહી છે. આ તમામ યોજનાઓ પૂરી થયા બાદ ભારત અહીં ભવિષ્યના પડકારોને પહોંચી વળવા સારી સ્થિતિમાં આવી જશે.