જાણો કેવો રહ્યો છે ભારતનો યુક્રેન સાથેનો સંબંધ, શું પીએમ મોદીએ જવુ જોઈએ રશિયા વિરુદ્ધ?
નવી દિલ્લીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર આખી દુનિયાની નજર છે. જે રીતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને યુક્રેન સામે યુદ્ધનુ એલાન કર્યુ ત્યારબાદ હવે દુનિયાભરના દેશો સામે બંનેમાંથી કોઈ એક દેશનો સાથ આપવાનો પડકાર છે. એક તરફ અમેરિકા, ફ્રાંસ, બ્રિટન સહિત ઘણા યુરોપીય દેશ યુક્રેનનો સાથે આપી રહ્યા છે અને રશિયાના હુમલાની નિંદા કરી રહ્યા છે ત્યાં ભારત સામે મોટા પડકાર છે કે છેવટે આ મુદ્દે શું વલણ અપનાવવુ. વાસ્તવમાં, રશિયા ભારત લાંબા સમયથી મિત્ર દેશ છે અને અમેરિકા ભારતનુ મહત્વનુ રણનીતિક મહત્વનો દેશ છે. માટે ભારત બંનેમાંથી કોઈ પણ દેશ સાથે પોતાના સંબંધ ખરાબ કરવા નહિ માંગે. અહીં બીજી એક વાત ધ્યાન દોરનારી છે કે ભારતના કોઈ પણ પ્રધાનમંત્રી આજ સુધી યુક્રેનના પ્રવાસે નથી ગયા.

યુક્રેન દુનિયાભરના દેશોને મદદની અપીલ કરી રહ્યુ
રશિયાના હુમલા બાદ યુક્રેન દુનિયાભરના દેશોને મદદની પોકાર કરી રહ્યુ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ તમામ દેશોને યુક્રેનની મદદ કરવા માટે કહી રહ્યા છે પરંતુ કોઈ પણ દેશે હજુ સુધી યુક્રેનની સૈન્ય મદદ કરી નથી. જો કે, ઘણા દેશોએ રશિયા પર અલગ-અલગ પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે પરંતુ જ્યારે રશિયાએ સૈન્ય હુમલો કરી દીધો છે ત્યારે તેના જવાબમાં સૈન્ય મદદ થઈ શકે છે કે જે કોઈ પણ દેશે નથી કરી. એવામાં યુક્રેને ભારતને પણ તેની મદદ માટે અપીલ કરી છે. ભારતમાં યુક્રેનના રાજદૂતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મદદની અપીલ કરીને કહ્યુ કે મને તમારાથી ઘણી આશા છે.

મોદીજી પર ભરોસોઃ યુક્રેન
યુક્રેનના રાજદૂતે કહ્યુ કે અમે ભારત પાસે મદદની અપીલ કરી રહ્યા છીએ, તે આ સંકટમાં અમારી મદદ કરે. યુક્રેનના રાજદૂત ડૉક્ટર ઈગોર પોલિખાએ કહ્યુ કે મોદીજી દુનિયામાં શક્તિશાળી અને સમ્માનિત નેતાઓમાંના એક છે. મને ખબર નથી કે દુનિયાના કેટલા નેતાઓની વ્લાદિમિર પુતિન સાંભળશે પરંતુ મોદીજી પાસે મને ઘણી આશા છે. જો તે પોતાનો અવાજ પુતિન સામે ઉઠાવે તો પુતિન કદાચ આ અંગે વિચારશે. મને આશા છે કે મોદીજી પુતિનને કોઈ રીતે પ્રભાવિત કરવાની કોશિશ કરશે.

યુક્રેન સાથે સંબંધનો ઈતિહાસ
શું ભારતે યુક્રેનનુ સમર્થન કરવુ જોઈએ અને રશિયા સાથે આ મુદ્દે યુક્રેનનો પક્ષ લેવો જોઈએ. આ સવાલનો જવાબ આપતા પહેલા આપણે ભારત અને યુક્રેન વચ્ચે છેલ્લા અમુક વર્ષોથી સંબંધ કેવી રહ્યો છે તેના વિશે સમજવુ પડશે. આપણે એ સમજવુ પડશે કે જ્યારે ભારત પર દુનિયાભરનુ દબાણ હતુ ત્યારે યુક્રેને ભારત સાથે કેવુ વર્તન કર્યુ હતુ. કોઈ પણ નિર્ણય પર પહોંચતા પહેલા ભારત અને યુક્રેન વચ્ચે જૂના સંબંધો ઘણુ મહત્વ ધરાવે છે. જ્યારે તમે પોતાના દેશ વિશે સારુ સાંભળો છો ત્યારે જરુર સારુ લાગે છે પરંતુ શું ઈતિહાસ આનુ સમર્થન કરે છે, આ ઘણુ મહત્વનુ છે.

ભારતનો ખુલીને વિરોધ કરી ચૂક્યુ છે યુક્રેન
યુક્રેન સોવિયેત સંઘથી 1991માં અલગ થયુ હતુ. જ્યારે સોવિયેત સંઘનુ વિઘટન થયુ હતુ. એટલે કે યુક્રેનને અલગ દેશ બને લગભગ 31 વર્ષ થઈ ગયા છે. આ દરમિયાન ભારત અને યુક્રેન વચ્ચેના સંબંધો કંઈ ખાસ નથી રહ્યા. ભારત અને યુક્રેન વચ્ચે ટ્રેડની વાત કરીએ તો તે લગભગ નહિવત છે. યુક્રેને કોઈ પણ મહત્વના મુદ્દે ભારતની મદદ કરી નથી. અહીં મહત્વની વાત એ છે કે જ્યારે 1998માં ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યા હતા ત્યારે દુનિયાભરના ઘણા દેશોએ ભારતની ટીકા કરી હતી જેમાં યુક્રેન પણ શામેલ હતુ.

રશિયા ભારતનુ મહત્વનુ સાથી
જ્યારે ભારતે પોખરણમાં પરીક્ષણ કર્યા હતા ત્યારે યુએનમાં આ અંગે ચર્ચા થઈ હતી. યુએનમાં ભારતનો રશિયાએ સંપૂર્ણ સાથ આપ્યો હતો અને યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં ભારતના પક્ષમાં વીટોનો પણ ઉપયોગ કર્યો હતો. એ વખતે ફ્રાંસના પ્રતિનિધિએ ભારત સામે નિંદા શબ્દનો ઉપયોગ નહોતો કર્યો. તેમણે કહ્યુ હતુ કે ભારતને સીટીબીટીમાં શામેલ થવુ જોઈએ, સર્જનાત્મક રીતે કામ કરવુ જોઈએ. જ્યારે યુક્રેને કહ્યુ હતુ કે અમે દુનિયાના ત્રીજા સૌથી મોટા પરમાણુ હથિયારોને જાતે રશિયાને આપી દીધા હતા. એવામાં ભારત પરમાણુ પરીક્ષણ કરી રહ્યુ છે, અમે આની નિંદા કરીએ છીએ. ભારતે આંતરરાષ્ટ્રીય પરમાણુ હથિયારોને ઘટાડવાના અભિયાનનુ પણ ઉલ્લંઘન કર્યુ છે. એવામાં સ્પષ્ટ છે કે યુક્રેને યુએનમાં ભારતની આગળ આવીને નિંદા કરી હતી.

યુક્રેન-પાકિસ્તાન વચ્ચેના સંબંધો
યુક્રેન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોની વાત કરીએ તો તે લગભગ 23 વર્ષ પહેલા યુક્રેન પાસે પાકિસ્તાન તરફથી પ્રસ્તાવ આવ્યો હતો જેમાં પાકિસ્તાને યુક્રેનના 320 ટી-80 ટેંકને ખરીદવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. આ ડીલ 650 મિલિયન ડૉલરની હતી. એ વખતે ભારતે યુક્રેનને કહ્યુ હતુ કે પાકિસ્તાનને આ ટેંક ના વેચો કારણકે પાકિસ્તાન આતંકને પ્રોત્સાહન આપનારો દેશ છે અને આ ટેંકનો ઉપયોગ ભારત સામે કરવામાં આવશે. પાકિસ્તાન ભારતમાં આતંકીઓને મોકલે છે અને આ હથિયારોથી આ આતંકીઓને બચાવવાની કોશિશ કરે છે પરંતુ તેમછતાં યુક્રેને આ 320 ટેંકોને વેચી, જેનો ઉપયોગ પાકિસ્તાન આજે પણ ભારત સામે કરે છે. ગયા વર્ષે જ યુક્રેને પાકિસ્તાન સાથે 85 મિલિયન ડૉલરની ડીલ કરી છે જે હેઠળ આ ટેંકોને ફરીથી અપગ્રેડ કરવામાં આવશે.

ભારતની ઘણી વાર રશિયાએ કરી મદદ
ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની વાત કરીએ તો બંને દેશો વચ્ચે સંબંધો ઘણા મજબૂત રહ્યા છે. ઘણા મહત્વના મુદ્દાઓ પર ભારતનો રશિયાએ સાથ આપ્યો છે. માટે ભારત માટે રશિયા ઘણુ મહત્વનુ સાથી છે. યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં રશિયા સ્થાયી સભ્ય છે. રશિયાએ કાશ્મીર મુદ્દે અનુચ્છેદ 370 પર ભારતનુ સમર્થન કર્યુ હતુ. એટલુ જ નહિ સૌથી મહત્વની વાત એ છે કે ભારતના લગભગ 70 ટકા હથિયાર રશિયાના છે માટે તેના સ્પેર પાર્ટસ માટે આપણે રશિયા પર નિર્ભર છીએ માટે રશિયાના ટીકા કરવી કે તેની વિરુદ્ધ જવુ ભારત માટે ઘણુ ભારે પડી શકે છે અને બેશક ભારત એ નહિ કરવા માંગે.

રશિયા અને ચીન વચ્ચેના સંબંધો
રશિયા અને ચીન વચ્ચે સંબંધો છેલ્લા અમુક સમયમાં સારા થયા છે. વળી, ભારત સાથે જો ચીનના સંબંધોની વાત કરીએ તો તે છેલ્લા અમુક સમયમાં ઘણા પડકારભર્યા રહ્યા છે. છેલ્લા અમુક વર્ષોથી બંને દેશોની સેના એકબીજા સાથે ટકરાવની સ્થિતિમાં છે. રશિયા-યુક્રેનના મુદ્દે પણ ચીને રશિયાનુ એક રીતે સમર્થન કર્યુ છે. રશિયાની યુક્રેનની કાર્યવાહીને ચીને આક્રમણ ગણવાનો ઈનકાર કર્યો છે. ચીને કહ્યુ કે આક્રમણ શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ. એવા સમયમાં જો ભારત રશિયા વિરુદ્ધ જાય તો ભારતની વિદેશ નીતિને નુકશાન પહોંચાડશે. આ સાથે જ ભારત ચીનનના એ નિવેદન સાથે પણ ના રહી શકે કારણકે આની અસર અમેરિકા સાથેના સંબંધો પર પણ પડશે. માટે ભારતે બંને દેશો સાથે પોતાના સંબંધને ઘણા સંયમ સાથે આગળ વધારવા પડશે અને આ મુદ્દે ગંભીર વિચાર બાદ જ કોઈ નિર્ણય લેવો પડશે.

યુક્રેન અલગ પડી ગયુ
અહીં જે સૌથી મહત્વની વાત છે તે એ કે જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે તો એવા સમયમાં યુરોપીય યુનિયન યુક્રેનની મદદ માટે આગળ નથી આવી રહ્યુ. તમામ દેશ નિવેનદ જરુર યુક્રેનના સમર્થનમાં આપી રહ્યા છે પરંતુ કોઈએ પણ યુક્રેનની સૈન્ય મદદ માટે હાથ આગળ લંબાવ્યો નથી. અમેરિકા સહિત યુરોપીય દેશોએ યુક્રેનની કોઈ સૈન્ય મદદ કરી નછી. ત્યાં સુધી કે સ્વિફ્ટ પ્રતિબંધને પણ યુરોપે નથી લગાવ્યા. એવામાં ભારતે એ તથ્યો પર પણ નજર રાખવી જોઈએ. જ્યારે યુક્રેનના પડોશી દેશ અને અમેરિકા સુધી સૈન્ય મદદ માટે આગળ નથી આવી રહ્યા અને માત્ર નિવેદનબાજી અને પ્રતિબંધ લગાવી રહ્યા છે તો શું ભારતે કોઈ પણ એક દેશનો ખુલીને પક્ષ લેવો જોઈએ?