J&K: હંદવાડામાંથી હિજબુલ મુજાહિદ્દીનના 2 આતંકીની ધરપકડ
સોમવારે સવારે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની જોઇન્ટ ટીમે હિજબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. સેના અને જમ્મુ-કાશ્મીરની જોઇન્ટ ટીમે ઉત્તર કાશ્મીરના હંદવાડામાં હિંજબુલના એક મૉડ્યૂલનો ભાંડો ફોડ્યો હતો, તે દરમિયાન જ આ બે આતંકવાદીઓની ધરપકડ થઇ હતી.
ચાર દિવસમાં 14 આતંકીઓ ઠાર
શુક્રવારેની રાત્રે આતંકવાદીઓનું એક જૂથ એલઓસી પર 550 કિમી લાંબી દિવાલમાં ગાબડું પાડી કાશ્મીરમાં દાખલ થયું હતું. આ તમામ આતંકવાદીઓ લશ્કર-એ-તોયબાના હતા. શનિવારે સેનાએ જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં આતંકીઓની ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન સેનાએ એક આંતકીને ઠાર કર્યો હતો, આ આંતકી પાસેથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા હતા. સેના તરફથી આપવામાં આવેલ જાણકારીમાં કહેવામાં આવ્યું હતું કે, આ 96 કલાકની અંદર એલઓસી પર ઘુસણખોરીનો પ્રયાસ કરનારા 14 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.
ઘુસણખોરીના 22 પ્રયાસો
22 જાન્યુઆરીથી લઇને અત્યાર સુધીમાં આતંકીઓ દ્વારા એલઓસી પર ઘુસણખોરીના 22 પ્રયત્નો કરવામાં આવ્યા છે, જેમાં હથિયારબંધ 34 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. એલઓસી પર હાલ સર્વિલાંસના લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. એક અધિકૃત અનુમાન અનુાસર, લગભગ 25થી 35 આતંકીઓ ઉત્તર કાશ્મીરમાં પોતાના બેઝ પર પહોંચવામાં સફળ થયા છે. સેના અનુસાર, પાકિસ્તાન તરફથી સતત કરવામાં આવતા ઘુસણખોરીના પ્રયાસોને કારણે આમ થયું છે.