IPCC રિપોર્ટ: જળવાયુ પરિવર્તનથી ભારત પર આ 7 મોટા સંકટ
પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તનની વાત આવે ત્યારે દરેકના મનમાં સૌથી પહેલું ગ્લેશિયરનું ધ્યાન આવે. મોઢામાંથી તરત નીકળે કે ગ્લેશિયલ પીગળી રહ્યુ છે! હા, ખરેખર ગ્લેશિયર પીગળી રહ્યુ છે, જેને કારણે ઘીમી ગતિએ આપણે એક મોટા ખતરા તરફ આગળ વઘી રહ્યા છે. જળવાયુ પરિવર્તનને કારણે અનેક મોટા સંકટો માનવજાત સમક્ષ આવી રહ્યા છે. મોનાકોમાં આયોજત જળવાયુ પરિવર્તન પર શિખર સંમેલન દરમિયાન એક રિપોર્ટ જારી કરવામાં કરવામાં આવ્યો, જેમાં ખાસ કરીને દરિયાઈ જળસ્તર પર ફોકસ કરાયુ છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આગામી 50 વર્ષોમાં એશિયા મહાદ્વીપ જળવાયુ પરિવર્તનના અનેક મોટા અભૂતપૂર્વ દબાણોનો સામનો કરશે. જેમાં પીવાના પાણીની સમસ્યા અને ખાદ્ય ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા છે. સાથે જ તટિય વિસ્તારોમાં પૂરના ખતરા સાથે નદીઓના પ્રવાહ પર પણ અસર જોવા મળશે. જે રીતે મોસમનો મિજાજ છે તેને જોતા આ સદીના અંત સુધી એશિયાના પર્વતીય વિસ્તારોમાં સ્થિત ગ્લેશિયલનો આશરે 64 ટકા હિસ્સો ઓગળી જશે. જો આપણે પ્રદૂષણ નિયંત્રણ દ્વારા વૈશ્વિક તાપમાનની વૃદ્ધિને ડોઢ સેલ્સિયસ સુધી સિમિત રાખવામાં સફળ થઈ જઈશું તો આ નુકશાન 36 ટકા જેટલું જ થશે. જો કે અફસોસની વાત તો એ આવે છે કે 36 ટકા ગ્લેશિયર ઓગળવાથી પણ અનેક ઘાતક પરિણામો આવશે.

રિપોર્ટના રોચક તથ્યો
ઓશિયન અને ક્રાયોસ્ફિયર પર તૈયાર કરાયેલ આ રિપોર્ટમાં ભારત સહિત દુનિયાના 36 દેશોના 104 પર્યાવરણ વૈજ્ઞાનિકોએ સાથે મળી અંતિમ રૂપ આપ્યુ છે. 36 દેશોમાં 19 દેશ વિકાસશીલ દેશ છે, જેની અર્થવ્યવસ્થામાં ઝડપથી બદલાવ આવી રહ્યા છે. આ રિપોર્ટમાં 6981 અધ્યયન અને શોધપત્ર શામેલ કરાયા છે. આ રિપોર્ટમાં તમામ મહાસાગરો અને મહાદ્વીપો પર અધ્યયન કરી અનેક મહત્વના તથ્યો રજૂ કરાયા છે. આપણે અહીં વાત કરીશું આઈપીસીસીના આ તાજા રિપોર્ટ અનુસાર ભારત પર તેની શું અસર પડી શકે છે.

1) પીગળી જશે હિંદુ કુશ ગ્લેશિયર નો 2/3 ભાગ
હિંદુ કુશ હિમાલય ક્ષેત્રનું ગ્લેશિયર આ વિસ્તારમાં રહેનારા 24 કરોડ લોકોને પાણીની પૂર્તિ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં 8 કરોડ 60 લાખ ભારતીય શામેલ છે. જે ભારતની વસ્તીના પાંચ સૌથી મોટા શહેરોની વસ્તીને બરાબર છે. હિમાલયના પશ્ચિમી વિસ્તારમાં સ્થિત લાહોર-સ્પીતિ જેવા ગ્લેશિયર 21મી સદીની શરૂઆતથી પીગળી રહ્યા છે અને જો પ્રદૂષણને ઘટાડવામાં નહિં આવે તો હિંદુ કુશ હિમાલયના ગ્લેશિયરનો 2/3 ભાગ પીગળી જશે.

2) 40 લાખ લોકોની રોજગારી પર ખતરો
ભારતીય સમુદ્રોમાં કોર રીફ પ્રણાલીઓ, મન્નારની ખાડી, કચ્છ ખાડી, પાક બે અને અંડમાન તથા લક્ષદ્વીપના દરિયાઈ પાણીના ગરમ થવાથી અને મહાસાગરોના ખારા થવાને કારણે અનેક ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષ 1989થી ભારતના કોરલ રીફને મોટાપાયે બ્લીચિંગની 29 ઘટનાઓનો સામનો કરવો પડ્યો હતો અને 1991-2011 દરમિયાન હિંદ મહાસાગરના પીએચમાં વૈશ્વિક સ્તરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. તેની દરિયાઈ જીવો પર ભારે અસર પડી છે. કારણ કે કોરલ રીફ ભારતમાં કુલ દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં 25 ટકાનું યોગદાન આપે છે. દેશની પોષણ સંબંધિ સુરક્ષા, ઓછામાં ઓછી 40 લાખ લોકોની આવક અને રોજગાર પર સીધી અસર કરે છે. વર્ષ 2030 અને 2040ની વચ્ચે લક્ષદ્વીપ ક્ષેત્રમાં કોરલ બનાવવા વાળી રીફના ગાયબ થવાની શક્યતા છે. ત્યાં જ વર્ષ 2050 અને 2060ની વચ્ચે ભારતના અન્ય દરિયાઈ ક્ષેત્રોમાં પણ આ જ સ્થિતિ સર્જાવાની શક્યતા છે.

3) ભારતના 6 મોટા તટીય શહેરો પર વધુ ખતરો
આશરે 7517 કિલોમીટરનો તટીય વિસ્તાર ધરાવતા ભારતને દરિયાઈ પાણીના સ્તરમાં વઘારો થવાથી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડશે. એક અધ્યયન પ્રમાણે જો દરિયાનું જળસ્તર 50 સેંન્ટીમિટર સુધી વધે છે તો ભારતના છ તટીય શહેરો ચેન્નઈ, કોચ્ચિ, કોલકાતા, મુંબઈ, સૂરત અને વિશાખાપટ્ટનમમાં 2 કરોડ 86 લાખ લોકોએ પૂરનો સામનો કરવો પડી શકે છે. જેનાથી આશરે 4 ટ્રિલિયન ડૉલરની સંપિતને પણ નુકશાન થઈ શકે છે.

4) તટીય વિસ્તારોમાં પૂરનો ખતરો
ભારતમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેનારા લોકોની વસ્તી વર્ષ 2000માં 6 કરોડ 40 લાખથી વધી 2060માં 21 કરોડ 60 લાખ થઈ જશે. ભવિષ્યમાં વસ્તીમાં થતો વધારો અને શહેરી વસવાટના વિસ્તારમાં વધારા થવાથી વસ્તીનું દબાણ વધતા દરિયાના નિચાણવાળા વિસ્તારમાં રહેનારા લોકોએ દરિયાઈ જળસ્તર વધવાથી પૂરનો સામનો કરવો પડશે.

5) કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં બિમારીનો ખતરો
ગયા 1000 વર્ષમાં ગંગા-બ્રહ્મપુત્રા-મેઘના ડેલ્ટામાં વસવાટી વિસ્તારો દર વર્ષે 6થી 9 મિલીમીટરના દરે ડૂબી રહ્યા છે. આવુ સૌથી વધુ કોલકાતામાં થઈ રહ્યુ છે. દરિયાનું જળસ્તર વધવાથી ભૂ-ગર્ભમાં રહેલ પાણીના જથ્થાને અસર થતા પીવાના પાણીની સમસ્યાઓ સર્જાશે. સાથે જ આ વિસ્તારમાં ઝડપથી વિકસતા વિકાસ કાર્યો અને વસ્તીમાં વધારાને કારણે ભૂ-જળ સંસાધનો પર દબાણ વધશે. એવું મનાઈ રહ્યુ છે કે ગંગા ડેલ્ટાના ખારાશમાં પરિવર્તનથી આ વિસ્તારમાં કોલેરા ઉપરાંત અનેક કેટલીક બિમારીઓની વધી જવાની શક્યતા છે.

6) મહાનદી ડેલ્ટામાં પૂરનો ખતરો
જળવાયુ અને ભૂ-ઉપયોગને કારણે ઉપસ્ટ્રીમમાં ફેરફાર થવાથી મહાનદી ડેલ્ટામાં જમા થનારા કાંપમાં ઉલ્લેખનીય ઘટાડો આવવાનું અનુમાન છે. તેનાથી એવું બને કે ડેલ્ટા સમુદ્રના જળસ્તરની સાપેક્ષ પોતાની વર્તમાન ઉંચાઈને મેન્ટેન રાખી ન શકે. તેનાથી ખારા પાણી, કપાત, પૂર, અને અનુકૂલનનો ખતરો વધી જાય.

7) ઘટી શકે છે માછીમારોની આવક
માછલી પકડવામાં ભારત દુનિયામાં છઠ્ઠા સ્થાને છે, જો કે એફઓએના અનુમાન પ્રમાણે આગામી 30 વર્ષોમાં ભારતના મત્સ્ય ઉદ્યોગમાં 7-17 ટકાનો ઘટાડો આવી શકે છે. જો પ્રદૂષણ આ રીતે ચાલુ રહ્યુ તો ભારતમાં માછલી પકડવાની ક્ષમતામાં 27થી 44 ટકા જેટલો ઘટાડો આવી શકે છે.
આ પણ વાંચો: જળવાયુ પરિવર્તનથી થનારા આ 6 ગંભીર પરિણામો, જે દુનિયા જોશે