• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL 2021 : કોરોનાની બીજી લહેર વચ્ચે આ વખતની સિઝન 'ટાઇમ બૉમ્બ' સાબિત થશે?

By BBC News ગુજરાતી
|

ભારતમાં કોરોનાની બીજી લહેર ચરમસીમા પર છે અને દરમિયાન ક્રિકેટની દુનિયાની સૌથી વધુ રંગારગ ટુર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ-2021નું શિડ્યૂલ તૈયાર છે.

શુક્રવારથી આઈપીએલની શરૂઆત થશે. તેમાં આઠ ટીમો દેશનાં અલગ-અલગ સ્ટેડિયમોમાં 60 મૅચ રમશે. ફાઇનલ 30 મેના રોજ રમાશે.

આ મૅચો દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, અમદાવાદ અને કોલકાતામાં રમાશે. આ પાંચેય શહેર એવાં છે, જ્યાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા ઝડપભેર વધી રહી છે.

ભારતમાં અત્યાર સુધીમાં 1,65,000થી વધુ લોકો કોરોના સંક્રમણને કારણે મૃત્યુ પામ્યાં છે અને 1 કરોડ, 2 લાખથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.

એપ્રિલમાં રોજ સરેરાશ 90,000 નવા કેસ બહાર આવી રહ્યા છે. તો તાજેતરમાં દિવસોમાં પ્રતિદિન કેસની સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે. કોરોનાની આ બીજી લહેરના મોટા વ્યાપનું સૌથી મોટું કારણ આકરા નિયમોમાં અપાયેલી છૂટછાટ છે, એવું માનવામાં આવે છે.

આઈપીએલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આઈપીએલની 14મી આવૃત્તિ 'કોઈ સમસ્યા વિના' પાર પડશે તેવી આશા છે.

બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે તમામ ખેલાડીઓ તથા ટુર્નામેન્ટ સાથે જોડાયેલા બધા લોકો માટે એક સલામત બાયો-બબલ તૈયાર કરવામાં આવ્યો છે. આ બધાના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે.

રાજીવ શુક્લાએ કહ્યું હતું કે, "સલામતીના તમામ માપદંડોને ધ્યાનમાં લેતાં આ ટુર્નામેન્ટ કોઈ સમસ્યા વિના પૂર્ણ થશે."

જોકે, આ બાબતે બધાને સંપૂર્ણ ખાતરી નથી.


ટુર્નામેન્ટ પહેલાં ખેલાડીઓને લાગ્યો ચેપ

આઈપીએલની શરૂઆત પહેલાં જ ચાર ક્રિકેટરો અને એક ટીમના કન્સલ્ટન્ટને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું સાબિત થયું છે. તેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

બેંગલુરુની ટીમના ઓપનિંગ બૅટ્સમૅન દેવદત્ત પડિક્કલ હાલ તેમના દિલ્હીસ્થિત ઘરમાં ક્વૉરેન્ટીન છે. દિલ્હી કૅપિટલના સ્પિનર અક્ષર પટેલ અને કોલકાતા નાઇટ રાઇડર્સના ખેલાડી નીતિશ રાણા પણ કોરોના પૉઝિટિવ આવ્યા હતા.

એ ઉપરાંત ભૂતપૂર્વ વિકેટકીપર તથા મુંબઈ ઇન્ડિયન્સના કન્સલ્ટન્ટ કિરણ મોરેને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. ધ હિન્દુ દૈનિકના એક અહેવાલ મુજબ, "કિરણને બાયો-બબલમાં ચેપ લાગ્યો છે, જે આ પ્રકારની પહેલી ઘટના હોવાનું જણાવવામાં આવ્યું છે."

બુધવારે ચેન્નાઈ પહોંચેલા બેંગલુરુ ચેલેન્જર્સના ખેલાડી તથા ઑસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ડેનિયલ સેમ્સ કોરોના પૉઝિટિવ હોવાનું સાબિત થયું છે. કોરોનાનો ચેપ લાગ્યો હોય એવા તેઓ પહેલા ખેલાડી છે.

મુંબઈસ્થિત વાનખેડે સ્ટેડિયમમાં આ ટુર્નામેન્ટની 10 મૅચો રમાવાની છે અને અહીંના ગ્રાઉન્ડ સ્ટાફના 10 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.


આઈપીએલ ટાઇમ બૉમ્બ સાબિત થશે?

આઠ ટીમો પૈકીની પાંચ ટીમો હાલ મુંબઈનાં અલગ-અલગ મેદાનોમાં રહીને પ્રૅક્ટિસ કરી રહી છે, પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે ભારતમાં કોરોના લહેરની બીજી લહેરની સૌથી માઠી અસર મુંબઈને થઈ છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા દૈનિકે "આઈપીએલ પર તોળાઈ રહેલાં કોવિડનાં કાળાં વાદળાં" શીર્ષક હેઠળ એક અહેવાલ પ્રકાશિત કર્યો છે અને કેટલાક ગંભીર સવાલ ઉઠાવ્યા છે.

અખબારે સવાલ કર્યો છે કે સ્ટેડિયમમાં દર્શકોને જવાની મનાઈ છે તો પછી મૅચો છ શહેરોમાં શા માટે રમાવાની છે?

બીસીસીઆઈએ ગયા વર્ષની માફક આ વર્ષે પણ ટુર્નામેન્ટનું આયોજન સંયુક્ત આરબ અમિરાતમાં શા માટે કર્યું નહીં?

https://www.youtube.com/watch?v=ztMXyJBsrNU

શું આ વખતની આઈપીએલ એક ટાઈમ બૉમ્બ સાબિત થશે?

ટીમો સલામતીના માહોલમાં રહે છે અને તેઓ તેમના માટે તૈયાર કરવામાં આવેલી સલામતી ક્વચની બહારના લોકો સાથે સંપર્કમાં નથી, એવું કહેવામાં આવે છે.

બીબીસીઆઈએ 'બબલ ઇન્ટિગ્રિટી મૅનેજર' એટલે કે આ પ્રકારના બબલ બનાવવાના નિષ્ણાતોની નિમણૂક દરેક ટીમ માટે કરી છે. મુંબઈમાં દરેક 'સ્ટેડિયમ સ્ટાફનું પ્રત્યેક બીજા દિવસ પછી કોવિડ-19 પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.'

અલબત્ત, આવા બબલની સજ્જડ સલામતી જાળવી રાખવાનું આસાન નહીં હોય, એવું ઘણા લોકો માને છે.


બાયો-બબલની સજ્જડ સલામતીનો પડકાર કેટલો મોટો?

હિન્દુસ્તાન ટાઇમ્સ દૈનિકના એક અહેવાલ મુજબ, 8 ટીમોના 200 ખેલાડીઓ આ બબલમાં હાલ રહે છે. એમના ઉપરાંત સપોર્ટિંગ સ્ટાફ, મૅનેજમૅન્ટ સ્ટાફ, કૉમેન્ટેટર્સ માટેની ટીમ, ગ્રાઉન્ડ સહાયક સ્ટાફ અને કેટરિંગ સ્ટાફના સંખ્યાબંધ લોકો પણ આ બબલનો હિસ્સો છે.

આઈપીએલનું પ્રસારણ કરનાર ટીવી ચેનલના 700 કર્મચારી છે. 100 કૉમેન્ટેટર્સ છે. આ બધા આઠ અલગ-અલગ બબલમાં રહે છે.

આઈપીએલના એક અધિકારીએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે બીબીસીને કહ્યું હતું કે "અધિકારીઓએ મોટું જોખમ લીધું છે. એકાદું સલામતી કવચ તૂટશે તો પણ આખી ટુર્નામેન્ટને મોટું નુકસાન થશે."

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના વર્તમાન પ્રમુખ સૌરવ ગાંગુલી કહી ચૂક્યા છે કે "બબલમાં બધું સારી રીતે સચવાય તો પરિસ્થિતિ કાબૂમાં રહે છે એ વાત સંયુક્ત આરબ અમિરાતમાં યોજાયેલી આઈપીએલમાં સાબિત થઈ ગઈ છે."

જોકે, ભારતમાં ક્રિકેટ ખેલાડીઓ સાથે સેલિબ્રિટી જેવો વ્યવહાર કરવામાં આવે છે ત્યારે અહીં બબલની સલામતી જાળવવાનું આસાન નહીં હોય.

https://www.youtube.com/watch?v=yUa6YAwB5o8

ગત વર્ષે ઉનાળામાં સંયુક્ત આરબ અમિરાતમાં આઈપીએલનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ભારતમાં કોરોના વાઇરસનું સંક્રમણ અત્યારની સરખામણીએ ઘણું ઓછું હતું.

દુબઈ, અબુ ધાબી અને શારજાહ એમ ત્રણ શહેરોમાં જ મૅચો રમાઈ હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે એ વખતે કોઈએ વિમાન પ્રવાસ કર્યો ન હતો, પણ આ વખતે ટીમો વિમાન પ્રવાસ કરવાની છે.

ટુર્નામેન્ટને રદ્દ કરવામાં આવે તો બીસીસીઆઈને મોટું નુકસાન થાય એ વાત સાચી છે. એક અનુમાન મુજબ, ગયા વર્ષે દેશમાં આઈપીએલનું આયોજન ન થવાને કારણે માત્ર મીડિયા કૉન્ટ્રેક્ટ્સમાં જ બોર્ડને 500 મિલિયન ડૉલરનું નુકસાન થયું હતું.

જાણીતા સ્પૉર્ટ્સ પત્રકાર સુરેશ મેનને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે "આવી ટુર્નામેન્ટમાં ઘણા પૈસા દાવ પર લાગે હોય છે એ સાચું છે અને આઈપીએલ સ્થાનિક ક્રિકેટ માટે પણ ઘણા પૈસા લાવે છે, પરંતુ હું વ્યક્તિગત રીતે માનું છું કે આ વખતે ટુર્નામેન્ટ યોજવી જરૂરી ન હતી."

તેમણે ઉમેર્યું હતું કે "બબલમાં મોટા પાયે સંક્રમણ થયાનું બહાર આવશે તો ટુર્નામેન્ટ આમ પણ રદ્દ જ કરવી પડશે. ભારતીય ક્રિકેટ ટીમનું કેલેન્ડર ખીચોખીચ ભરેલું છે."

"અત્યારથી માંડીને 2022ની આઈપીએલ સુધીમાં ભારતીય ટીમ 14 ટેસ્ટ મૅચ, 12 વન-ડે અને 22 ટી-20 મૅચો રમવાની છે. હું ઑક્ટોબરમાં રમાનારી વર્લ્ડ ટી-20 કપની મૅચો ઉપરાંતની મૅચોની વાત કરી રહ્યો છું."

મેનનના જણાવ્યા મુજબ, "ચુસ્ત બબલ, ખેલાડીઓની શિસ્ત અને તકદીરના તાલમેલથી ભારતે 2020માં કોઈ નુકસાન વિના મૅચો રમી છે. કોઈ નિરાશ થયું હોય કે માનસિક રીતે હેરાન થયું હોય તેવી વાત બહાર આવી નથી, પણ આવી પરિસ્થિતિમાં રમતા રહેવાનું દબાણ ખેલાડીઓ પર વધવું ન જોઈએ. ગયા વર્ષે આપણે નસીબદાર હતા."https://www.youtube.com/watch?v=Uw_oe4-QTb8

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
IPL 2021: Will this season prove to be a 'time bomb' amid the second wave of Corona?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X