India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું યુવા ડૉક્ટરોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર દર 1000 વ્યક્તિએ એક ડૉક્ટર હોવા જોઈએ. પરંતુ ભારતમાં 10,189 લોકો દીઠ એક સરકારી ડૉક્ટર છે.

ભારતમાં એક ડૉક્ટર પર સરેરાશ 1511 વ્યક્તિની કાળજી રાખવાનો ભાર છે. હવે કોરોનાકાળમાં આ ભાર વધુ વધી ગયો છે.

અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ ડાયનેમિક્સ, ઇકૉનૉમિક્સ ઍન્ડ પૉલિસીના રિપોર્ટ અનુસાર ભારતમાં 6 લાખ ડૉક્ટરોની અછત છે.

એક તરફ જ્યાં દેશમાં આરોગ્યવ્યવસ્થા પર અત્યાર સુધીનું સૌથી ગંભીર દબાણ સર્જાયું છે અને તબીબોની દેશમાં ગંભીર અછત છે, તેવા સમયે ગુજરાતમાં તાજેતરમાં જ બે ડૉક્ટરોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી નાખ્યું.

સુરત શહેરની જાણીતી હૉસ્પિટલ 'સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ' (SMIMER)માં તાજેતરમાં જીગીશા પટેલ નામનાં રેસિડન્ટ ડૉક્ટરે આત્મહત્યા કરી લીધી.

બીજી તરફ બીબીસીના સહયોગી બિપિન ટંકારિયાના જણાવ્યા મુજબ રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં ઇન્ટર્ન તબીબ અમરીતકુમાર ચૌધરીએ પણ આત્મહત્યા કરી હતી.

ગણતરીના દિવસોમાં રાજ્યમાં મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં બે આશાસ્પદ ડૉક્ટરોની આત્મહત્યાની ઘટનાએ તબીબી આલમમાં પણ એક શોકની લાગણી સર્જી દીધી છે.


શું છે મામલો?

સુરતની સ્મિમેર હૉસ્પિટલમાં જુનિયર રેસિડન્ટ ડૉક્ટર જીગીશા પટેલ ગાયનૅક વિભાગમાં રેસિડન્સી કરી રહ્યાં હતાં.

જીગીશા પટેલના પિતા કનુભાઈ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મારી દીકરી સ્કૂલ સમયથી જ અભ્યાસમાં હોશિયાર હતી આથી તબીબીસેવામાં આગળ વધી. પરંતુ અચાનક તેના મોતથી આખો પરિવાર અને હું સ્તબ્ધ છીએ. અમને સમજાતું નથી કે કેમ આવું થયું."

"મારી દીકરી મહેનતુ હતી. જોકે તેને કામનું સતત ભારણ હતું અને હૉસ્પિટલમાં તેને આ મામલે કેટલાક સાથે તકરાર પણ થઈ હોવાની ચર્ચા સાંભળવા મળી હતી. તે આ વર્ષના માર્ચમાં આવી જ કોઈ તકરારના કારણે ઘરે આવી ગઈ હતી. પછી તેની મિત્રોએ તેને સમજાવી અને તે ત્યાં પરત ગઈ હતી."

"અમે શિડ્યૂલ ટ્રાઈબ (એસટી) કૅટેગરીમાંથી આવીએ છીએ એટલે ફ્રી સીટ પર એડમિશન હતું. મેં તેને કહ્યું હતું કે જો તેને ત્યાં ન ફાવતું હોય તો પૅનલ્ટી ભરી દઈશું, એ કામકાજ-અભ્યાસ છોડી દે, કેમ કે એવો કોઈક નિયમ છે કે જો અધવચ્ચેથી એમ.ડી. છોડી દો તો ફ્રી સીટવાળાને પૅનલ્ટી લાગતી હોય છે. હું અને મારી પત્ની શિક્ષક રહ્યાં છીએ. એટલે અમે કહ્યું કે કંઈ વાંધો નહીં આપણે પૈસા ભરી દઈશું. પણ તેણે કહ્યું કે તે અભ્યાસ ચાલુ જ રાખશે અને ફરી તે ત્યાં (સ્મિમેર - સુરત) ગઈ."

અત્રે ઉલ્લેખનીય છે કે કનુભાઈ અને તેમનાં પત્ની બારડોલી વસવાટ કરે છે.

તેમણે કહ્યું, "છેલ્લે શનિવારે વાત થઈ હતી. પછી વાત ન થઈ. તેને કોઈ સિનિયર્સ સાથે બોલાચાલી થઈ હોવાનું પાછળથી જાણવા મળેલ છે. પણ હવે મેં મારી દીકરી ગુમાવી દીધી છે. મારી ત્રણ દીકરીઓમાંથી એક દીકરી મેં ગુમાવી દીધી. મેં ત્રણેયને ઉચ્ચ અભ્યાસ માટે સપૉર્ટ કર્યો પણ આજે આવું થઈ ગયું."

પ્રતીકાત્મક તસવીર

પ્રાપ્ત જાણકારી અનુસાર જીગીશા પટેલે એમબીબીએસ પણ સફળતાપૂર્વક પાસ કર્યું હતું.

વરાછા પોલીસ સ્ટેશનના અધિકારી પી. એ. આર્યાએ બીબીસી સાથેની વાતચીતમાં આ કેસ વિશે જણાવતાં કહ્યું, "અમે આ કેસમાં એડી (અકસ્માત મૃત્યુ) ફાઇલ કરી છે અને તપાસ ચાલુ છે. તેમની પાસેથી સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હતી."

બીબીસીએ આ તમામ બાબતે સ્મીમેર હૉસ્પિટલના સત્તાધિશોનો સંપર્ક કરી વાતચીત કરવાની કોશિશ કરી પરંતુ યોગ્ય પ્રત્યુત્તર મળી શક્યા નથી. ઘટનાની પુષ્ટિ સિવાય વધુ વાતચીત નથી થઈ શકી. તથા આ મામલે ઇન્સ્ટિટ્યૂટ વર્તુળમાં મૌન સેવી લેવાયું હોવાનું પણ જોવા મળ્યું છે, કારણે કે આ મામલે મોટા ભાગના તબીબો-વિદ્યાર્થીઓ વાત કરવામાં ખચકાટ અનુભવી રહ્યા હતા.

અત્રે નોંધવું કે, આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.

https://www.youtube.com/watch?v=kxsJKiSd7CU

બીજી તરફ રાજકોટ સિવિલમાં ઇન્ટર્ન તબીબે આત્મહત્યા કરી લીધી તે મામલે પણ ચર્ચા ઊઠી છે.

દુર્ભાગ્યપૂર્ણ હકીકત એ છે કે જીગીશાના પિતાએ રાજકોટમાં બનેલી ઘટના વિશે જીગીશા સાથે ફોન પર સામાન્ય વાતચીત સમયે ચર્ચા પણ કરી હતી. જેમાં જીગીશા પટેલે પિતા કનુભાઈને કહ્યું હતું, "આ ઘટના વિશે મને વધુ જાણકારી નથી. અને તે ખુદ માનસિક રીતે મજૂબત વ્યક્તિ છે આથી હું આવી ઘટનાઓ પર વધુ ધ્યાન નથી આપતી."

આ વાતચીતના ગણતરીના દિવસ બાદ જીગીશાએ ખુદ આત્મહત્યા કરી લીધી હતી.

દરમિયાન આત્મહત્યાની સ્યૂસાઇડ નોટના વિષયે સુરતના વરિષ્ઠ ક્રાઇમ રિપોર્ટર નીલકંઠ શાસ્ત્રીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "સ્યૂસાઇડ નોટ નોંધપાત્ર હોય છે અને તેને ગ્રાહ્ય પણ રાખવામાં આવે છે. ભૂતકાળમાં એવા કેટલાક કિસ્સામાં બન્યા છે, જેમાં તેના આધારે તપાસ થઈ હોય અને આરોપીએ જેલમાં જવું પડ્યું હોય. કેમ કે તેના આધારે આઈપીસી કલમ 306, 305 લાગી શકે છે. જેમાં આત્મહત્યાના માટે દુષ્પ્રેરણાનો ગુનો લાગે છે."

"તેમાં જો કોઈએ ત્રાસ આપવાની વાત લખેલી હોય તો પોલીસ એ દિશામાં આગળ તપાસ કરી કાર્યવાહી કરતી હોય છે. જોકે (જીગીશા પટેલ) કેસમાં કોઈનું નામ આવ્યું હોય તેવું જાણવા નથી મળ્યું. છતાં સંસ્થામાં કોઈ સાથે બોલાચાલી કે તકરારની ચર્ચા હોય તેના પર તપાસ અધિકારી તપાસ હેઠળ વિચારણા કરી શકે છે."

"ભૂતકાળમાં સુરતમાં જ એક કિસ્સો બન્યો હતો, જેમાં સ્યૂસાઇડ નોટના આધારે એક પરિવારને જેલમાં રહેવું પડ્યું હતું."


જ્યારે મહિલા તબીબે પરિવાર સાથે સામૂહિક હત્યાનો પ્રયાસ કર્યો...

સુરતમાં કેટલાક મહિનાઓ પૂર્વે એક અન્ય મહિલા તબીબે ખુદ આત્મહત્યાની કોશિશ કરી હતી. તેમણે માતા અને બહેન સાથે સામૂહિક રીતે મરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ પોતે જીવી ગયાં હતાં, પણ માતા-બહેનનાં મોત થઈ ગયાં હતાં.

તેમની સામે હત્યાનો ગુનો દાખલ થયો હતો અને તેમણે જેલમાં પણ જવું પડ્યું હતું. તેમણે કબૂલ્યું હતું કે તેઓ માનસિક હતાશામાં હતા આથી આવું પગલું ભર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે તબીબોએ જીવન ટૂંકાવી લીધું હોવાના બનાવ નોંધાયા હોય એવું અખબારોમાં ઘણી વાર આવતું હોય છે.

કેટલાક આરોગ્ય નિષ્ણાતો માને છે કે કોરોનાકાળમાં કામકાજના ભારણના લીધે અને કેટલીક અનિયમિત નીતિઓ તથા કામકાજના સ્થળે યોગ્ય ધારાધોરણો જાળવવામાં નહીં આવતા હોવાથી તબીબો અત્યંત માનસિક તણાવ અનુભવે છે. તેઓ ડિપ્રેશન, ઍંગ્ઝાયટી, સ્ટ્રેસનો શિકાર બનતા હોય છે.

કોરોનાકાળની જ વાત લઈએ તો ઍઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિઝ) દિલ્હીમાં પણ કેટલાક તબીબોએ તણાવ અને અન્ય કારણસર આત્મહત્યા કરી હોવાના બનાવ નોંધાયા હતા.

બીજી તરફ કેટલાક નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે દેશમાં તબીબોની આત્મહત્યાના બનાવો 'અન્ડર રિપોર્ટ’ થાય છે. એટલે કે પૂરતા પ્રમાણમાં યોગ્ય રીતે રિપોર્ટ નથી થતા. માત્ર મોટી સંસ્થાઓના કિસ્સા જ પ્રકાશમાં આવે છે અને અન્ય નાની સંસ્થાઓમાં થતા બનાવ દબાઈ જાય છે, જેને પગલે દેશમાં તબીબોની આત્મહત્યાની સમસ્યાનું સંકટ હાઇલાઇટ નથી થઈ શકતું અને તે સમસ્યા અંદરને અંદર વધતી જાય છે.

સંસ્થાઓમાં તબીબોના માનસિક તણાવની સમસ્યાને વાચા આપવા માટે એક અલાયદો વિભાગ અને તબીબની વ્યવસ્થાઓ પણ કરવામાં આવતી હોય છે. જેમાં મેડિકલના વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન ડૉક્ટરો, ફૅકલ્ટી, રેસિડન્ટ તબીબો સહિતનો સ્ટાફ તેની સેવા લઈ શકે છે.

છતાં આત્મહત્યાના બનાવ બને છે અને આરોગ્ય ક્ષેત્રના મોટા ભાગના લોકો માને છે કે આત્મહત્યા વગરનો કોઈ બેચ નીકળવી કોઈ પણ સંસ્થા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેતું હોય છે. અને જો કોઈ બેચ એવી નીકળે જેમાં બેચ પૂર્ણ થતાં એક પણ આત્મહત્યા ન થાય તો સંસ્થાના સત્તાધીશો રાહતનો શ્વાસ લેતા હોય છે.


માત્ર બે મહિનામાં 10 તબીબોનાં મોત

ગત વર્ષે 2020માં જુન-જુલાઈ મહિનામાં દેશમાં વિવિધ સંસ્થાઓ-હૉસ્પિટલમાં 10 તબીબોએ આત્મહત્યા કરી લીધી હતી. તેમાંથી મોટા ભાગનાની ઉમંર 30થી ઓછી હતી.

ગત વર્ષે ઍઇમ્સ (દિલ્હી)માં ડૉ. મોહિત સિંઘલાએ (જેઓ પિડિયાટ્રિક વિભાગમાં હતા) પણ આત્મહત્યા કરી લીધી હતી.

ડૉક્ટરોમાં આત્મહત્યાનો મામલો જટિલ છે. તેના વિવિધ પાસાં છે. દાયકાઓથી આ મામલો દેશમાં પ્રવર્તમાન છે.

વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)ના વર્ષ 2019ના હેલ્થ સ્ટેટેસ્ટિક્સ અનુસાર દર વર્ષે દર 1 લાખ લોકો દીઠ આત્મહત્યાનો દર 10.6 છે. જોકે ભારતમાં આ દર 16.3 છે.

વર્ષ 2018માં ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને એક અખબારને કહ્યું હતું કે, "તબીબોમાં આત્મહત્યાનું પ્રમાણ એક જાહેર આરોગ્ય સંકટ છે."

વર્ષ 2017માં ઍઇમ્સ (દિલ્હી)ના રેસિડન્ટ ડૉક્ટર્સ ઍસોસિયેશને વહીવટીતંત્ર સમક્ષ લેખિતમાં માગણી કરી હતી કે તેમને કાઉન્સિલર પૂરા પાડવામાં આવે અને મેડિકલ પ્રોફેશનલ માટે એક સ્વતંત્ર હેલ્પલાઇન પણ રાખવામાં આવે.


'મૅન્ટલ હેલ્થ' અને તબીબો

'મૅન્ટલ હેલ્થ' તબીબોમાં પણ હજુ એક 'ટેબૂ' છે. નિષ્ણાતો કહે છે કે તબીબો માટે એ સરળ નથી હોતું કે તેઓ મૅન્ટલ હેલ્થ મામલે મદદ માગે. તબીબો સાઇકિયાટ્રિસ્ટનો સંપર્ક કરવામાં ખચકાટ અનુભવતા હોય છે.

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન સમયાંતરે નિવેદનમાં કહેતું આવ્યું છે કે, કામકાજના લાંબા કલાકો, તબીબો સામેની હિંસા, દર્દીના જીવ બચાવવાનો તણાવ-દબાણ, કામકાજની જગ્યાઓ સંબંધિત કેટલીક સમસ્યાઓ, હૉસ્પિટલમાં રહેવા સંબંધિત સુવિધાઓની સમસ્યાઓ અને કરિયર મામલેની સ્પર્ધા સહિતના પરિબળો તબીબોને ડિપ્રેશન, સ્ટ્રેસમાં ધકેલી દે છે.

વળી એવું નથી કે માત્ર તબીબો જ આ મામલે સંઘર્ષ કરે છે, પરંતુ તેમની સાથે સાથે પેરામેડિકલ સ્ટાફ, ખાસ કરીને નર્સ સમૂહ પણ માનસિક સમસ્યાઓથી પીડાવા લાગે છે.

ચંદીગઢની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ ના વર્ષ 2018ના રિપોર્ટ મુજબ એક સરવેમાં ભાગ લેનારા 445 તબીબોમાંથી 30 ટકા તબીબો ડિપ્રેશનમાં હતા અને તેમાંથી 17 ટકા તબીબો તેમનું જીવન ટૂંકાવી દેવાના વિચારોથી પીડાઈ રહ્યાં હતા.

નિષ્ણાતો અનુસાર તબીબો વિવિધ તબક્કામાં વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરે છે. મેડિકલના વિદ્યાર્થીઓ અને ઇન્ટર્ન તબીબોને પરીક્ષા સંબંધિત તણાવ, પૂરતી ઊંઘ ન મળવી, રહેવા માટેની સારી જગ્યાનો અભાવ, સ્પર્ધા સહિતની બાબતો અસર કરે છે. તથા પરીક્ષાના સમયમાં આત્મહત્યાની સંભાવનાઓ વધી જતી હોવાનું પણ તેમનું માનવું છે.


આદિવાસી અને દલિત તબીબોની મુશ્કેલી

વળી જાતિગત ભેદભાવ અને પ્રાંતવાદનો ભેદભાવ પણ તેમને નડી જતો હોય છે. વર્ષ 2007માં સુખદેવ થોરાટ કમિટિ રચાઈ હતી. તે હાયર સ્ટડીઝ ઇન્સ્ટિટ્યૂટમાં આ પ્રકારના ભેદભાવ પર નજર રાખવા રચાઈ હતી.

તેના એક રિપોર્ટના તારણ મુજબ 85 ટકા આદિવાસી અને દલિત વિદ્યાર્થીઓને લાગતું હતું કે ઇન્ટર્નલ પરીક્ષક તેમને માર્ક્સ આપતી વખતે તેમની સાથે ભેદભાવ કરે છે.

કામકાજની જગ્યા પર રોજના કંકાસનો પણ તબીબોએ સામનો કરવો પડતો હોય છે. બીબીસીએ જેટલા તબીબો સાથે વાત કરી તેમાંથી મોટા ભાગનાનું કહેવું હતું કે ઇન્ટર્ન અને રેસિડન્ટ ડૉક્ટરોમાં આત્મહત્યાનું પ્રમાણ વધુ જોવા મળે છે.

જ્યારે તબીબોની આત્મહત્યાની વાત થતી હોય ત્યારે મુંબઈની બીવાયએલ નાયર હૉસ્પિટલના રેસિડન્ટ ડૉક્ટર પાયલ તડવીનો કિસ્સો પણ ઉલ્લેખનીય છે.

વર્ષ 2019માં તેમણે આત્મહત્યા કરી લીધી હતી. તેઓ તડવી ભીલ સમુદાયમાંથી આવતા હતા. તે એક એસટી (શિડ્યૂલ ટ્રાઇબ) કૅટેગરી છે.

તેમણે આત્મહત્યા પાછળ ત્રણ સિનિયર તબીબોને જવાબદાર ઠેરવ્યા હતા. અને જાતિગત ભેદભાવની પણ ફરિયાદ રહી હોવાનું આ કેસમાં પ્રકાશમાં આવ્યું હતું.

અત્રે નોંધવું કે જીગીશા પટેલ પણ એસ.ટી. સમુદાયમાંથી આવે છે અને તેમના પિતા કનુભાઈ અનુસાર તેમના પર કામનું અત્યંત ભારણ હતું. તેમને પૂરતી ઊંઘ પણ નહોતી મળતી.

બીબીસીએ જીગીશા પટેલ મામલે તેમના કેટલાક જાણીતા લોકો સાથે વાત કરી તેમાં જાણવા મળ્યું કે તેઓ સ્વભાને નરમ અને શાંતિપ્રિય હતાં તથા મૃદુભાષી પણ હતાં. તેમના કામકાજમાં પણ તેઓ સ્વસ્થ હતાં.

મૃતક જીગીશાનાં માતાપિતા જ્યારે સ્મિમેર હૉસ્પિટલ પહોંચ્યાં ત્યારે હૈયાફાટ રુદનનાં દૃશ્યોથી સૌ કોઈ સ્તબ્ધ રહી ગયા હતા અને ગમગીની છવાઈ ગઈ હતી.

બીબીસીએ સ્મીમેર ઇન્સ્ટિટ્યૂટમાં આ મામલે ડૉ. જીગીશા મામલે વધુ જાણકારી માટે અન્યો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કહેવાય છે કે સંસ્થાના સત્તાધીશો તરફથી આદેશ અપાયો હતો કે આ મામલે કોઈએ પણ મીડિયા સાથે વાતચીત ન કરવી અને તમામ નિવેદનો માત્ર ગણતરીના નિર્ધારિત વ્યક્તિઓ જ જારી કરશે.

અત્રે એ નોંધવું કે સ્મિમેર હૉસ્પિટલનું સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન હેઠળ નિયમન થાય છે.

દરમિયાન ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન – સુરત ચૅપ્ટરના પ્રમુખ ડૉ. અશોક પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "યુવા તબીબોમાં આત્મહત્યાની બાબત ચિંતાજનક છે. તેમના કામકાજના લાંબા કલાકો, કામનું અતિશય ભારણ, રજાઓ મામલેની સમસ્યા એક મુદ્દો છે. જેનો ઉકેલ લાવવો જોઈએ. સંસ્થાના સ્તરે નીતિ બનાવી તેને સુધારી શકાય છે. માનસિક તણાવને ઓળખવા અને દૂર કરવા માટે વર્કશૉપ પણ મદદરૂપ થઈ શકે છે."

વળી વર્ષ 2017માં મૈસૂરની જે. એસ.એસ. મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલના સાઇકિયાટ્રિસ્ટ ડૉ. સુહાસ ચંદ્રન અને કિશોરે એક સંશોધન પ્રકાશિત કર્યું હતું.

આ સંશોધનમાં તબીબો ચુપચાપ ડિપ્રેશન અને તણાવ સહન કરતા હોવાનું અને કામકાજના સ્થળે પૅનલ્ટીના ડરના લીધે માનસિક તણાવ મામલે મદદ માગવાથી ખચકાતા હોવાનું તેમણે કહ્યું હતું.

કેટલાક કેસોમાં તેમના અંગત વ્યક્તિગત જીવન પર પણ કેટલાક ટિપ્પણીઓ કરતાં હોવાની વાત કહેવામાં આવી હતી.

વળી નિષ્ણાતો કહે છે કે કોરોના વાઇરસની મહામારીએ સર્જેલા આરોગ્ય સંકટને પગલે પહેલાથી જ કામના દબાણ તળે દબાયેલા તબીબો માટે એક વધુ પડકાર સર્જાયો છે.

કોરોનાકાળમાં સામાન્ય જનતામાં આત્મહત્યાના કિસ્સા વધ્યા હોવાનું વિવિધ સંશોધનો જણાવે છે, પરંતુ કોરોનાકાળની તબીબોની મૅન્ટલ હૅલ્થ પર કેવી અસર થઈ છે અને આત્મહત્યા માલે વિશે હજુ વધુ સંશોધનો પ્રકાશિત નથી થયા.

જ્યાં સુધી જીગીશા પટેલના કેસની વાત છે, તો તેમાં સ્મિમેર હૉસ્પિટલે ત્રણ તબીબોની તપાસ ટીમ રચી છે. આ કમિટી આત્મહત્યાના મામલાની સંસ્થાકીય સ્તરે તપાસ કરશે.

સમિતિ 10 દિવસમાં તેનો તપાસ રિપોર્ટ સુપરત કરશે. કમિટીમાં ડૉ. પરાગ શાહ (સાઇકિયાટ્રિસ્ટ), ડૉ. મોના શાસ્ત્રી (રેડિયોલૉજી), ડૉ. મનુ જૈન (માઇક્રોબાયૉલૉજી)નો સમાવેશ થાય છે.

https://www.youtube.com/watch?v=XijsHMRAfbM

તદુપરાંત સુરતના મનોચિકિત્સક ડૉ. મુકુલ ચોક્સી બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "તબીબી પ્રોફેશન એક હાઇ રિસ્ક પ્રોફેશન છે. તેમાં ઘણા પડકારો હોય છે. અભ્યાસમાં ઘણાં વર્ષો કાઢવાં પડે છે. જીવનના કેટલાક ઍન્જોયમેન્ટ બાજુ પર મૂકી દેવા પડે છે. પછી પ્રૅક્ટિસ કરવામાં મહેનત કરવી પડે છે. દર્દીની સારવારની જવાબદારી સંવેદનશીલ બાબત હોય છે."

"તબીબો ખુદ પોતાના માટે પૂરતો સમય નથી કાઢી શકતા કે ન તેમનાં બાળકોને પૂરતો સમય આપી શકે છે. તેઓ આરોગ્ય મામલે જાગૃત હોય છે, છતાં તેમાં ધ્યાન આપી શકતા નથી. વળી પોતે મૅન્ટલ હેલ્થ મુદ્દે મદદ માગવાથી ખચકાય છે, કેમ કે સમાજમાં આ મામલે એક ગેરમાન્યતા પ્રવર્તે છે. જો કોઈ સર્જન સાઇકિયાટ્રિસ્ટ પાસે જાય, તો લોકો કહેવા લાગે છે કે આનું મગજ ઠેકાણે નથી. આ બાબતો નકારાત્મકતા સર્જે છે."

ડૉ. મુકુલ ચોક્સી યુવા તબીબોમાં આત્મહત્યાની બાબત વિશે કહે છે, "અમારા સમયે ભાગ્યે જ સાંભળવા કે જોવા મળતું કે કોઈ તબીબે આત્મહત્યા કરી હોય. પણ હવે યુવા તબીબોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું હોય એવું જોવા મળી રહ્યું છે. સાથેસાથે કોરોના પછી સામાન્ય લોકોમાં થતાં આપઘાતનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. અને તબીબોને પણ તેની અસર થઈ છે."

"કોરોનાકાળમાં તેમણે અતિશય કામનું દબાણ સહન કર્યું. બીજી લહેરમાં એવી પણ સ્થિતિ આવી કે જો ડૉક્ટર ખુદ બીમાર પડી જશે તો એને એના જ હૉસ્પિટલમાં બૅડ અને વેન્ટિલેટર મળશે કે નહીં એ સવાલ સર્જાયો હતો."

https://www.youtube.com/watch?v=GtHfX3OcrhI

"જ્યાં સુધી રેસિડન્ટ ડૉક્ટરોની વાત છે તો અમારા સમયે અમે 18 કલાક કામ કરતા હતા. આજે પણ તેમના પર કામનું દબાણ ઘણું હોય છે. ઇન્સ્ટિટ્યૂટ (હૉસ્પિટલ)માં તેમની સંખ્યા પણ મર્યાદિત હોય છે, કેમ કે સરકારી હૉસ્પિટલમાં દર્દીનો ધસારો વધુ હોય છે એટલે સામાન્યપણે કામ વધુ જ રહે છે."

"બીજી તરફ કેટલાક નિયમોને પગલે રેસિડન્ટ ડૉક્ટરોની સંખ્યા મર્યાદિત હોય છે. તેની સામે ટ્યૂટર (ફૅકલ્ટી)નો રેશિયો પણ જાળવવો પડે છે. આથી સરકારે આ મામલે મોટા પાયે નીતિ-નિયમો બદલવા પડે (જો સંખ્યા વધારવી હોય) અને અંતે આ અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ જ હોય છે."

તેઓ વધુમાં કહે છે, "વળી આત્મહત્યા પાછળ એકથી વધુ કારણો જવાબદાર હોય છે. અંગત જીવનની સમસ્યા, આર્થિક સમસ્યા, જિનેટિકની દૃષ્ટિએ આત્મહત્યા માટેનું વલણ હોવું અને અન્ય બાહ્ય પરિબળો."

"તબીબોમાં આત્મહત્યા વધી છે. અને તબીબોમાં મેન્ટલ હેલ્થ ટેબૂ છે. જોકે છતાં કેટલાક તબીબો મદદની જરૂર હોય ત્યારે મેન્ટલ હેલ્થ નિષ્ણાતની સેવા-સલાહ લેતા હોય છે."

"આ મામલે એવા કારણો જેને સુધારી નથી શકાતા તેને ભલે સ્પર્શ ન કરીએ પરંતુ એ કારણો જે સુધારી શકાય છે, તેના પર કામ કરવું જોઈએ."

તેઓ જણાવે છે, "જેમ કે જુનિયર રેસિડન્ટ પર કામનું વધુ ભારણ આવે તો સિનિયર રેસિડન્ટ્સ તેમને મદદ કરે. તેમની પ્રત્યે માનવીય અભિગમ દાખવે. વળી સંસ્થામાં તેમને વધારાના કામનું એક્સ્ટ્રા વળતર મળે. આવાં કેટલાંક પગલાંથી તેમને પ્રોત્સાહન મળી શકે છે. તેમને કોઈ સમસ્યા હોય તો તેઓ કોઈ સાથે વાત કરી શકે જે તેમને મદદરૂપ થાય."

ડૉ. ચોક્સી વધુમાં કહે છે કે આત્મહત્યા નિવારી શકાય છે. તેના માટે સારવાર છે, દવા છે. વ્યક્તિ વાતચીત કરે અને મદદની જરૂર છે એ વાતને સમજે તો તે ચોક્કસથી માનસિક સમસ્યામાંથી બહાર આવી શકે છે."

નોંધ: દવા અને થૅરપીથી માનસિક બીમારીઓનો ઇલાજ થઈ શકે છે. તેના માટે મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ. તમારામાં અથવા તમારા કોઈ પરિચિતમાં કોઈ માનસિક પરેશાનીનાં લક્ષણો દેખાતાં હોય તો નીચે આપેલી હેલ્પલાઇન પર ફોન કરીને મદદ લેવી જોઈએ.

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય - 1800-599-0019

ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્મુમન બિહેવિયર ઍન્ડ એલાઇડ સાયન્સીઝ - 9868396824, 9868396841, 011-22574820

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યૂરોસાયન્સીઝ - 080 - 26995000

વિદ્યાસાગર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ એલાઇડ સાયન્સીઝ - 011 2980 2980https://www.youtube.com/watch?v=XijsHMRAfbM

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Is the rate of suicide among young doctors on the rise?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X