ઈશરતના હત્યારાઓને ફાંસીએ ચડાવો : નુસરત જહાં
ઉલ્લેખનીય છે કે મુંબઇ પાસેના મુંબ્રાની રહેવાસી ઈશરત જહાં અને અન્ય ત્રણને વર્ષ 2004માં અમદાવાદ નજીક ગુજરાત પોલીસના અધિકારીઓની ટીમે નકલી એન્કાઉન્ટરમાં મારી નાખ્યા હતા. સીબીઆઈએ તેની ચાર્જશીટમાં આ બાબત જાહેર કર્યા બાદ ઈશરતના પરિવારજનોએ માગણી કરી છે કે તે એન્કાઉન્ટરના કાવતરાખોરોને ફાંસીના માચડે લટકાવી દેવા જોઈએ.
સીબીઆઈએ અમદાવાદમાં સ્પેશિયલ કોર્ટને સુપરત કરેલા પોતાના તપાસ અહેવાલમાં કાવતરાખોરોના નામ નથી આપ્યા તેથી ઈશરતનો પરિવાર નારાજ છે. ઈશરતના કાકા રઉફ લાલાએ જણાવ્યું કે સીબીઆઈએ જણાવ્યું નથી કે ઈશરત ત્રાસવાદી હતી કે નહીં. અમારું માનવું છે કે સીબીઆઈની પૂરક ચાર્જશીટમાં તે સ્પષ્ટ થઈ જશે.
આ બાબતે ઈશરતની બહેન નુસરત જહાંએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, સીબીઆઈના અહેવાલથી અમે ખુશ થયાં છીએ, કારણ કે તેનાથી સાબિત થયું છે કે મારી બહેન નિર્દોષ હતી અને તેને નકલી એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવી હતી. પરંતુ અમે એટલા બધા ખુશ પણ નથી થયા કારણ કે ઈશરતની હત્યા કરનાર કાવતરાખોરોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. તે એન્કાઉન્ટરમાં જેમનો હાથ હતો તે બધાયને ફાંસી આપવી જોઈએ.