
ઈઝરાયેલના વૈજ્ઞાનિકનો દાવો, ભારતના 10 રાજ્યોમાં કોરોનાનો નવો વેરિઅન્ટ આવ્યો સામે
નવી દિલ્લીઃ ઈઝરાયેલના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ભારતમાં કોરોનાનો એક નવો વેરિઅન્ટ સામે આવ્યો છે. કોરોનાનો નવો વેરિઅન્ટ BA.2.75 ભારતના 10 રાજ્યોમાં છે. સેન્ટ્રલ વાઈરોલૉજી લેબોરેટરીના વૈજ્ઞાનિક શે ફ્લેઈસને ટ્વીટ કર્યુ કે BA.2.75ના 85 સિક્વન્સ અત્યાર સુધીમાં અપલોડ કરવામાં આવ્યા છે કે જે મુખ્યત્વે ભારતના 10 રાજ્યો અને 7 દેશોમાંથી છે. ભારતની બહાર સીક્વન્સના આધારે ટ્રાન્સમિશન હજુ સુધી ટ્રેસ કરી શકાયુ નથી. શેએ જણાવ્યુ કે 2 જુલાઈએ મહારાષ્ટ્રમાં 27, પશ્ચિમ બંગાળમાં 13, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાં 1-1, હરિયાણામાં 6, હિમાચલ પ્રદેશમાં 3, કર્ણાટકમાં 10, મધ્ય પ્રદેશમાં 5, તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે. એકંદરે ભારતમાં BA.2.75ના કેસ નોંધાયા છે.
જીનોમિક ડેટા ભેગી કરતી સંસ્થા નેક્સ્ટસ્ટ્રેનનુ કહેવુ છે કે ભારત સિવાય 7 અન્ય દેશોમાં પણ કોરોનાનો નવો વેરિઅન્ટ જોવા મળ્યુો છે. શેએ લખ્યુ છે કે આ પહેલીવાર છે જ્યારે સેકન્ડ જનરેશનનો વેરિઅન્ટ એક દેશમાં દેખાયો અને બીજા દેશમાં ફેલાયો. જો કે એ કહેવુ ઘણુ વહેલુ છે કે BA.2.75 આવનારા સમયમાં બહુ વધુ અસરકારક રહેશે. તે કેટલો ખતરનાક છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.
વળી, કોરોનાના આ નવા વેરિઅન્ટ પર ભારતનુ કહેવું છે કે અત્યારે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી. ICMRના વૈજ્ઞાનિક ડૉ. સમીરન પાંડાએ કહ્યું કે આ એક સામાન્ય શોધ છે. સંક્રમણ લાંબુ ખેંચાઈ રહ્યુ છે માટે તેના વેરિઅન્ટ તો આવશે જ, તે તેનુ સ્વરૂપ બદલશે. જો કે તેમણે કહ્યુ કે રાહતની વાત છે કે આ સંક્રમણ વધુ ખતરનાક નથી માટે લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી પડી રહી.