ચંદ્રયાન-2ના ઑર્બિટરે મોકલ્યો ચંદ્રનો નવો ફોટો, ISROએ કર્યો શેર
ઈસરોએ ચંદ્રયાન-2ના ઑર્બિટરના કેમેરાથી પાડેલો ચંદ્રનો ફોટો જાહેર કર્યો છે. ઑર્બિટર હાઈ રિઝોલ્યુશન કેમેરાએ ચંદ્રની સપાટીનો ફોટો લીધો છે. આ ફોટોમાં ચંદ્રની સપાટી પર મોટા અને નાના ખાડા જોવા મળી રહ્યા છે. 2,379 કિલોગ્રામના ચંદ્રયાન-2નુ ઑર્બિટર ચંદ્રમાની ચારે તરફ ચક્કર લગાવી રહ્યુ છે જેનાથી આ ફોટો લેવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા જ ઑર્બિટરથી પાડેલા ફોટા દ્વારા ઈસરોએ વિક્રમ લેંડરનુ લોકેશન મળવાની માહિતી પણ આપી હતી.

એક મહિના બાદ ઑર્બટરે આ ફોટો મોકલ્યો છે
ભારતના મિશન ચંદ્રયાન-2ના લેંડર વિક્રમથી સંપર્ક તૂટ્યાના લગભગ એક મહિના બાદ આ ફોટા મોકલ્યા છે. ચંદ્રન કક્ષામાં ચંદ્રયાન-2નો ઑર્બટર હાજર છે જે 7.5 વર્ષ સુધી પોતાનુ કામ કરતો રહેશે. આ ઑર્બિટર હાઈ રિઝોલ્યુશન કેમેરાથી લેવામાં આવેલા ચંદ્રના નવા ફોટાને ઈસરોએ શેર કર્યા છે. થોડા દિવસ પહેલા જ ચંદ્રની સપાટી પર લેંડર વિક્રમનુ સટીક લોકેશન માલુમ પડ્યુ હતુ. ઑર્બિટરે વિક્રમ લેંડરની એક થર્મલ ઈમેજ પણ ક્લિક કરી હતી. જો કે બાદમાં ચંદ્ર પર રાત થયા બાદ ઈસરોની વિક્રમ સાથે સંપર્ક કરવાની આશા ખતમ થઈ ગઈ હતી.
|
ઑર્બિટરની ઉંમર સાડા 7 વર્ષથી વધુ છે
ઈસરો ચીફ કે સિવને કહ્યુ હતુ, ઑર્બિટરની ઉંમર સાડા 7 વર્ષથી વધુ છે નહિ કે 1 વર્ષ જેવુ કે પહેલા જણાવવામાં આવ્યુ હતુ. આનુ કારણ છે કે તેની પાસે ઘણુ ઈંધણ બચ્યુ છે. ઑર્બિટર પર લગાવેલા ઉપકરણો દ્વારા લેંડર વિક્રમના મળવાની સંભાવના છે. થોડા દિવસો અગાઉ ઈસરો ચીફ ડૉ. કે સિવને એ પણ સ્પષ્ટ કર્યુ કે ચંદ્રયાન-2 મિશનની 98 ટકા સફળતાની ઘોષણા તેમણે નહોતી કરી. આ ઘોષણા એનઆરસીએ જ પોતાની શરૂઆતની તપાસ બાદ કરી હતી.

લેંડિંગ પહેલા લેંડરનો તૂટ્યો હતો સંપર્ક
તમને જણાવી દઈએ કે 22 જુલાઈના રોજ લૉન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન-2માં લેંડર અને રોવરને ચંદ્ર પર ઉતરવાનુ હતુ જ્યારે ઑર્બિટરના ભાગમાં ચંદ્રની પરિક્રમા કરીને માહિતી મેળવવાની જવાબદારી હતી. 7 સપ્ટેમ્બરે લેંડર ચંદ્રની સપાટીને સ્પર્શવાની બરાબર પહેલા લગભગ 2.1 કિમી ઉપર ઈસરોના રડારથી ગાયબ થઈ ગયુ અને અત્યાર સુધી તેનાથી સંપર્ક થઈ શક્યો નથી.