ઇસરો રચશે ઇતિહાસ, અંતરિક્ષ મિશનમાં લોન્ચ કરશે સેટેલાઇટ
ભારતનું 8મું નેવિગેશન સેટેલાઇટ IRNSS-1H દેશના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરવા જઇ રહ્યું છે. ગુરૂવારે થનાર આ સેટેલાઇટ લોન્ચ થકી ભારત અંતરિક્ષ અભિયાનમાં નવી ઊંચાઇએ પહોંચશે. આ પહેલી ઘટના છે, જ્યારે સેટેલાઇટ લોન્ચની પ્રક્રિયામાં કોઇ પ્રાઇવેટ સેક્ટરનો સક્રિય ફાળો છે, આ પહેલાં અંતરિક્ષ અભિયાનમાં પ્રાઇવેટ સેક્ટરની ભૂમિકા માત્ર નામ પૂરતી જ રહેતી હતી.
શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે 1425 કિલોગ્રામના સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે, ઇસરોના સૌથી વિશ્વાસપાત્ર લોન્ચ વેહિકલ PSLV-XL દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ અભિયાનમાં પહેલીવાર બેંગલુરુની એક પ્રાઇવેટ કંપની પણ ભાગ લેશે. બેંગલુરુ સ્થિત અલ્ફા ડિઝાઇન ટેક્નોલૉજીએ સફળતાપૂર્વક ઇસરોના વૈજ્ઞાનિકોના નિર્દેશ અનુસાર, IRNSS-1Hનું 25 ટકા કામ પૂર્ણ કર્યું છે, આ જ ઉપગ્રહને ગુરૂવારે ઇસરો લોન્ચ કરવા જઇ રહ્યું છે.
ઇસરોના પ્રમુખ એ.એસ.કિરણ કુમારે જણાવ્યું કે, પહેલી વાર પ્રાઇવેટ કંપની કોઇ ઉપગ્રહના અભિયાનમાં જોડાઇ છે, આવનારા સમયમાં અમે હજુ વધારે કંપનીઓ સાથે ઉપગ્રહના અભિયાન થકી જોડાઇશું. આ પહેલા અમે પેલોડના લોન્ચમાં પ્રાઇવેટ કંપનીની મદદ લેતા હતા, પરંતુ આવનારા સમયમાં ઉપગ્રહના વિકાસ માટે પણ પ્રાઇવેટ કંપનીઓની મદદ લેવામાં આવશે. તો અલ્ફા ડિઝાઇનના સીએમડી એચ.એસ.શંકરે કહ્યું કે, અમને IRNSS-1Iના નિર્માણનો પણ કરાર મળી ગયો છે. IRNSS-1I આવતા વર્ષે એપ્રિલમાં લોન્ચ કરવામાં આવશે.