
ઇસરો પાંચ વર્ષમાં ખાનગી ધોરણે બનેલા પીએસએલવી લોન્ચ કરશે
આ અંગે ઇસરોના ચેરમેન કે રાધાક્રિશ્નને જણાવ્યું કે "અમે આધુનિકીકરણ કરવા માટે એક રાષ્ટ્રીય સમિતિની રચના કરીશું. ઇસરોએ અમદાવાદ ખાતે જાન્યુઆરીમાં યોજાયેલી એક ઔદ્યોગિક ગોષ્ઠીમાં જણાવ્યું હતું કે ઇસરો ખાનગી કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા પીએસએલવી અને કોમ્યુનિકેશન સેટેલાઇટ અંગે પણ વિચારી રહી છે. મને આશા છે કે આગામી પાંચ વર્ષમાં ખાનગી કંપનીઓ પાસેથી પીએસએલવી અને કોમ્યુનિકેશન સેટેલાઇટ મળી રહેશે."
રાધાક્રિશ્નને જણાવ્યું કે "રાષ્ટ્રીય સમિતિ વિવિધ મુદ્દાઓ જેવા કે રેવન્યુ મોડલ, ટેકનોલોજી ટ્રાન્સફર અને તેને સંબંધિત બાબતોને પણ ધ્યાનમાં લેશે. આ સાથે દેશની સ્પેસ એજન્સી યુનિક સાયન્સ પ્રોજેક્ટ્સ, રિમોટ સેન્સિંગ સેટેલાઇટ તૈયાર કરવા અને માત્ર કોમ્યુનિકેશન સેટેલાઇટ અને લોન્ચ વ્હીકલ તૈયાર કરવાને બદલે અન્ય ક્ષેત્રોમાં પણ સંશોધન અને વિકાસ કરવા ધ્યાન આપશે."
તેમણે જણાવ્યું કે આગામી વર્ષેમાં કોમ્યુનિકેશન સેટેલાઇટ તૈયાર કરવામાં સ્પેસ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો 80 ટકા જેટલો રહેશે. જો ખાનગી કંપનીઓ કોમ્યુનિકેશન સેટેલાઇટ તૈયાર કરશે તો ઇસરોના વિજ્ઞાનીઓ રિસર્ચ સંબંધિત પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તરફ વધારે ધ્યાન આપી શકશે.