જય ભીમ ફેમ અભિનેતા સૂર્યાને મળી રહી છે ધમકી, ઘર બહાર પોલીસ તૈનાત કરાઈ!
ચેન્નઈ, 17 નવેમ્બર : દક્ષિણ સિનેમાના પ્રખ્યાત અને પીઢ અભિનેતા સુર્યા તેની તાજેતરની ફિલ્મ જય ભીમ માટે મુશ્કેલીમાં મુકાયા છે. ફિલ્મના સીન્સને લઈને શરૂ થયેલો વિવાદ ખતમ થઈ રહ્યો નથી. વાણિયાર સંગમના પ્રદેશ અધ્યક્ષે અભિનેતા સુર્યા, એમેઝોન પ્રાઇમ અને ફિલ્મના નિર્દેશક ટીજે જ્ઞાનવેલને કાનૂની નોટિસ મોકલી છે. આ સાથે સૂર્યાને ફોન પર ધમકી આપવામાં આવી રહી છે. તેને જોતા ચેન્નઈમાં તેના નિવાસસ્થાને સુરક્ષા વધારી દેવામાં આવી છે.
પીએમકેના જિલ્લા સચિવ પલાનીસામીએ અભિનેતા પર હુમલો કરનારને 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યા પછી ચેન્નઈના કેટી નગરમાં અભિનેતા સુર્યાના નિવાસસ્થાને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. પોલીસે પલાનીસામી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ સાથે અભિનેતાના ઘરની બહાર પાંચ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને તેમના સમર્થનમાં સોશિયલ મીડિયા પર એક અભિયાન પણ ચાલી રહ્યું છે.
સુર્યાને જાતિ સમુદાય તરફથી સતત ચેતવણીઓ મળી રહી છે અને અભિનેતાને ભૂલ માટે માફી માંગવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ સૂર્યાએ માફી માંગવાની ના પાડી. કાનૂની નોટિસ મોકલવાની સાથે વાણિયાર સંગમે કહ્યું છે કે ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકોએ માફી માંગવી જોઈએ અને એક સપ્તાહની અંદર વળતર તરીકે 5 કરોડ રૂપિયાની માંગણી પણ કરી છે. લોકોએ ફિલ્મના કેટલાક દ્રશ્યો સામે વાંધો ઉઠાવ્યો છે.
નોટિસમાં એક દ્રશ્યનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં કેલેન્ડર પર અગ્નિ કુંડમ દેખાય છે. તમને જણાવી દઈએ કે, અગ્નિ કુંડમ વાણિયારોનું પ્રતિક છે. નોટિસમાં દાવો કરવામાં આવ્યો છે કે મેકર્સે જાણીજોઈને કેલેન્ડર રાખ્યું છે. એવું પણ કહેવાયું છે કે રાજકન્નુને હેરાન કરનાર પોલીસકર્મીનું પાત્ર જાણી જોઈને વાણિયાર જાતિનું બતાવવામાં આવ્યું છે. આ દરમિયાન ટ્વિટર પર #WeStandwithSuriya હેશટેગ સાથે સોશિયલ મીડિયા પર ઘણા સેલિબ્રિટી અને ચાહકો સુર્યાને તેમનો ટેકો આપી રહ્યા છે.