
જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરમાં મોડી રાતે એન્કાઉન્ટરમાં માર્યા ગયા 3 આતંકી, એક જૈશ-એ-મોહમ્મદનો હતો ખાસ
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં મોડી રાતે સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. આ અથડામણમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા છે. જેમાંથી એક આતંકવાદી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો હતો. તેની ઓળખ સુહેલ અહેમદ રાથર તરીકે થઈ છે. આઈજીપી કાશ્મીરના જણાવ્યા મુજબ આતંકવાદીઓ પાસેથી હથિયાર અને દારુગોળા સહિત ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી છે. આ અથડામણમાં 4 જવાનો પણ ઘાયલ થયા છે.
છેલ્લા 36 કલાકમાં કાશ્મીર ઘાટીમાં ત્રણ અલગ-અલગ અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સ્ખ્યા 9 થઈ ગઈ છે. એક પોલિસ પ્રવકતાએ કહ્યુ, 'શ્રીનગરમાં અથડામણના સ્થળ પર ત્રણ અજ્ઞાત આતંકવાદી માર્યા ગયા છે. હથિયાર અને દારુગોળા સહિત વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી.'
પ્રારંભિક રિપોર્ટોથી જાણવા મળ્યુ છે કે રાતે શ્રીનગરમાં બહારના વિસ્તાર પાઠા ચોક વિસ્તારના આંતરિક વિસ્તારોમાં અથડામણ થઈ. પોલિસે કહ્યુ, 'શરુઆતના ગોળીબારમાં ત્રણ પોલિસકર્મી અને સીઆરપીએફ(કેન્દ્રીય આરક્ષિત પોલિસ બળ)નો એક જવાન ઘાયલ થઈ ગયો અને બાદમાં તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો.' હાલમાં વિસ્તારમાં ઑપરેશન ચાલુ છે.
આ પહેલા દક્ષિણ કાશ્મીરના અનંતનાગ અને કુલગામ જિલ્લામાં બે અલગ-અલગ અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના છ આતંકવાદી માર્યા ગયા હતા. ઘાટીમાં આ મહિને ઘણી અથડામણમાં કમસે કમ 30 આતંકવાદી માર્યા ગયા છે.