• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જમ્મુ-કાશ્મીર : ભાજપના કયા કયા નેતાઓની થઈ હત્યા, કોના પર થયા હુમલા

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

જમ્મુ-કાશ્મીરમાં ભાજપના એક કાઉન્સિલર રાકેશ પંડિતાની ઉગ્રવાદીઓએ હત્યા કરી નાખી છે.

કાશ્મીર પોલીસે જણાવ્યું કે પુલવામામાં બુધવારે મોડી સાંજે રાકેશ સોમનાથા પંડિતાનું ગોળી મારીને મૃત્યુ નીપજાવાયું હતું.

સમાચાર એજન્સી PTIએ પોલીસના પ્રવક્તાના હવાલાથી જાણકારી આપી છે કે બુધવારે મોડી સાંજે જમ્મુ-કાશ્મીરથી ભાજપના કાઉન્સિલર રાકેશ પંડિતા પુલવામાના ત્રાલ વિસ્તારમાં પોતાના મિત્રને મળવા પહોંચ્યા હતા.

રાત્રે લગભગ 10.15 વાગ્યે ત્રણ અજ્ઞાત બંદૂકધારીઓએ તેમના પર ગોળીબાર કર્યો. આ હુમલામાં રાકેશ પંડિતા ખરાબ રીતે ઘાયલ થયા. બાદમાં હૉસ્પિટલે લઈ જતી વખતે રસ્તામાં તેમનું મૃત્યુ થયું.

પોલીસના પ્રવક્તા અનુસાર, "પંડિતાને પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. તેમની સાથે હંમેશાં બે ખાનગી સુરક્ષા અધિકારી પણ રહેતા. સાથે જ શ્રીનગરમાં રહેવા માટે તેમને એક સુરક્ષિત નિવાસ પણ આપવામાં આવ્યુો હતો."

કહેવાઈ રહ્યું છે કે ઘટના સમયે પંડિતા સુરક્ષા પ્રકિયાનું ઉલ્લંઘન કરીને પોતાના ખાનગી સુરક્ષા અધિકારી વગર દક્ષિણ કાશ્મીરમાં વસેલા પોતાના પૈતૃક ગામડે ગયા હતા.

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા, પીડીપી નેતા મહબૂબા મુફ્તી અને જમ્મુ-કાશ્મીર પીપલ્સ કૉન્ફરન્સ નેતા સજ્જાદ લોન સહિત ઘણા પક્ષોના નેતાઓએ હુમલાની કઠોર ટીકા કરી છે.

ઉપરાજ્યપાલે કહ્યું., "પુલવામાના ત્રાલમાં કાઉન્સિલર રાકેશ પંડિતા પર થયેલા ઉગ્રવાદી હુમલાના સમાચારથી દુ:ખી છું.આ ઘટના માટે જવાબદાર લોકોને સજા કરવામાં આવશે. ઉગ્રવાદી પોતાના બદઇરાદાઓમાં ક્યારેય કામયાબ નહીં થાય."

રાકેશ પંડિતાની હત્યા બાદ નેતાઓને અપાતી સુરક્ષા વ્યવસ્થાને લઈને ફેરવિચારણા કરાઈ રહી છે. ત્યાં મોટા ભાગના નેતાઓ માટે શ્રીનગરમાં સુરક્ષિત આવાસની વ્યવસ્થા કરાઈ છે.

પાછલાં કેટલાંક વર્ષોમાં ઘણા નેતાઓ, ખાસ કરીને ભાજપના નેતાઓ પર હુમલા થયા છે. સાથે જ સરપંચોની હત્યાના પણ ઘણા મામલા સામે આવ્યા છે.


જુલાઈ -2020 - વસીમ બારીની હત્યા

કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં સંદિગ્ધ ઉગ્રવાદીઓએ 22 જુલાઈ, 2020ના રોજ ભાજપના ભૂતપૂર્વ જિલ્લા અધ્યક્ષ શેખ વસીમ બારી, તેમના પિતા અને ભાઈની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

હુમલો મોડી સાંજે એ સમયે થયો જ્યારે ત્રણેય પોતાના ઘરની નજીક આવેલી પોતાની દુકાનમાં હતા.

કાશ્મીર ઝોનની પોલીસ પ્રમાણે ઉગ્રવાદીઓએ ભાજપના કાર્યકર્તા વસીમ અહમદ બારી પર ગોળી ચલાવી, ઘટનામાં 38 વર્ષના બારી, તેમના 60 વર્ષીય પિતા બશીર અહમદ અને તેમના 30 વર્ષીય ભાઈ ઉમર બશીર ઘાયલ થઈ ગયા હતા. બાદમાં ત્રણેયનાં મૃત્યુ થઈ ગયાં હતાં.

બાંદીપોરાના મુખ્ય ચિકિત્સા અધિકારી બશીર અહમદ પ્રમાણે, ત્રણેને માથાના ભાગે ગોળી મારવામાં આવી હતી.

ભાજપના વસીમ બારીની હત્યાને કાશ્મીરમાં રાષ્ટ્રવાદી અવાજ દબાવવાની કોશિશ ગણાવાઈ.

https://twitter.com/DrJitendraSingh/status/1280903098962067457

ઑક્ટોબર 2020માં ભાજપના ત્રણ કાર્યકર્તા ફિદા હુસૈન યાટૂ, ઉમર સિંહ રાશિદ અને ઉમર રમજાનનાં મૃત્યુ એક ઉગ્રવાદી હુમલામાં થયાં હતાં.

કુલગામના વાઈકે પુરાના વિસ્તારમાં સાંજના સમયે તેમની કાર પર હુમલો થયો હતો, જેમાં ત્રણેયનાં મૃત્યુ નીપજ્યાં હતાં.

ઑગસ્ટ, 2020માં બડગામમાં ભાજપ કાર્યકર્તા અબ્દુલ હામિદ નજર પર અજ્ઞાત લોકોએ ગોળીબાર કર્યો હતો. અબ્દુલ હામિદને ઘાયલ અવસ્થામાં હૉસ્પિટલમાં દાખલ કરાયા પરંતુ બાદમાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

તેમના મોતના અમુક દિવસ પહેલાં સજ્જાદ અહમદ ખાંડે નામના એક સરપંચ અને ભાજપના કાર્યકર્તાનું ગોળી મારીને મૃત્યુ નીપજાવાયું હતું.


મે 2019 - ગુલ મોહમ્મદ મીરની હત્યા

કાશ્મીરમાં કેમ ભાજપના નેતાઓ છે ઉગ્રવાદીઓના નિશાન પર?

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના નૌગામમાં ગુલ મોહમ્મદ મીર ઉર્ફ અટલ જીની હત્યા કરી દેવાઈ હતી. ચાર મેના રોજ મોડી સાંજે વેરિનાગમાં તેમના પર લગભગ દસ વાગ્યે બંદુકધારીઓ નજીકથી ગોળીબાર કર્યો હતો.

60 વર્ષના ગુલ મોહમ્મદ અનંતનાગના ભાજપ જિલ્લાધ્યક્ષ હતા. તેમણે વર્ષ 2008 અને વર્ષ 2014માં ડૂરૂ વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી પણ લડી હતી.

સમાચાર એજન્સી ANI અનુસાર અધિકારીઓએ જણાવ્યું કે તેમને પાંચ ગોળીઓ વાગી હતી. તેમને હૉસ્પિટલમાં લઈ જવાયા પરંતુ તેઓ બચી શક્યા નહોતા.

https://twitter.com/narendramodi/status/1124876395945971712

તેમના મૃત્યુ પર વડા પધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને લખ્યું હતું કે, "જમ્મુ કાશ્મીરમાં ભાજપના નેતા ગુલ મોહમ્મદની હત્યાની હું કડક શબ્દોમાં ટીકા કરું છું. પાર્ટીને મજબૂત બનાવવા માટે તેમનું યોગદાન હંમેશાં યાદ કરવામાં આવશે. દેશમાં હિંસા માટે કોઈ જગ્યા નથી."

ગુલ મોહમ્મદ મીરના બંને દીકરા હજુ પણ પાર્ટી સાથે છે. તેમના નાના દીકરા શકીલ અહમદ શ્રીનગરની પાર્ટી ઑફિસમાં કામ કરે છે.

પિતાના મોત બાદ શકીલે બીબીસીને કહ્યું કે, "જો મારા પિતાને સુરક્ષા પૂરી પાડવામાં આવી હોત, તો તેઓ બચી ગયા હોત. અમે પોલીસ અધિકારીઓ સુધી આ વાત પહોંચાડી હતી, પરંતુ તેમણે અમારી વાત ન સાંભળી, પિતાની હત્યા બાદ પાર્ટીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ કોઈ પરિણામ નહોતું આવ્યું."


ઑગસ્ટ 2018 - શબ્બીર અહમદ બટની હત્યા

પુલવામામાં બંદૂકધારીઓએ ભાજપના નેતા શબ્બીર અહમદ બટની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

શબ્બીર બટને સુરક્ષા મળેલ હતી ને તેઓ પોતાના ગામથી દૂર શ્રીનગરમાં રહેતા હતા. તેમની પર 22 ઑગસ્ટના રોજ હુમલો થયો, ત્યારે તેઓ શ્રીનગરથી પુલવામામાં પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. તેઓ ઈદ મનાવવા માટે ગામડે જઈ રહ્યા હતા.

તેમનું ઉગ્રવાદીઓએ તેમના ઘર પાસેથી જ અપહરણ કરી લીધું, જે બાદ ગોળી મારીને તેમની હત્યા કરી દેવાઈ, તેમનું શબ બાદમાં રખ-એ-લિત્તર ગામ પાસે મળ્યું.

તે સમયે શબ્બીર બટના મોત પર ભાજપના નેતા અમિત શાહે દુ;ખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ પ્રકારની ડરપોક હરકતની કઠોર શબ્દોમાં નિંદા થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે કાશ્મીરના યુવાન પોતાના માટે બહેતર ભવિષ્ય પસંદ કરવા માગે છે અને ઉગ્રવાદીઓ તેમને રોકી નહીં શકે.

https://twitter.com/AmitShah/status/1032126305079320576


નવેમ્બર, 2017 - ગૌહર અહમદ બટની હત્યા

વર્ષ 2017માં ભાજપના શોપિયાં જિલ્લાના અધ્યક્ષ અને ભાજપના યૂથ વિંગના નેતા ગૌહર અહમદ બટની ગળું કાપીને હત્યા કરી દેવાઈ હતી.

30 વર્ષના ગૌહરનું શબ બે નવેમ્બર, 2017ના રોજ કિલૂરાના કે બાગમાં મળ્યું હતું. પોલીસ અનુસાર તેમના ઘરની બહારથી જ તેમનું અપહરણ કરીને તેમની હત્યા કરી દેવાઈ હતી.

શોપિયાં બોનગામના રહેવાાસી ગૌહર બટ ત્રણ વર્ષ પહેલાં જ ભાજપમાં સામેલ થયા હતા.

સમાચાર એજન્સી ANI અનુસાર એક દિવસ બાદ પોલીસે તેમના પર હુમલો કરનારા ચાર લોકોની ઓળખ કરી. પોલીસ અનુસાર હુમલાખોર લશ્કર-એ-તૈયબા અને હિજબુલ મુજાહિદીનના સભ્યો હતા.

ભાજપે ગૌહરની હત્યાની ઘણી નિંદા કરી અને તેને 'કાયરતાપૂર્ણ હુમલો' અને 'અસહનશીલતા' કહ્યું.

https://twitter.com/BJP4JnK/status/926143454429691904


એપ્રિલ, 2021 - અનવર ખાનના ઘર પર થયો હુમલો

ભાજપના નેતા મોહમ્મદ અનવર ખાનના શ્રીનગરના નૌગામસ્થિત ઘરે આ વર્ષે જ એપ્રિલ માસમાં ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. હુમલા સમયે અનવર ખાન ઘટનાસ્થળે મોજૂદ નહોતા તેથી તેઓ બચી ગયા પરંતુ હુમલામાં તેોમના એક સુરક્ષાકર્મીનું મૃત્યુ થઈ ગયું.

અનવર ખાનના ઘરના મેઇન ગેટ અને દીવાલ પર ગોળીના નિશાન આજે પણ છે.

પોલીસે આ હુમલા માટે ઉગ્રવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાને જવાબદાર ઠેરવ્યું.

અનવર ખાન ભાજપના કાર્યકારિણીના સભ્ય હોવાની સાથોસાથ લેહ અને કુપવાડામાં પાર્ટીના ઇન્ચાર્જ પણ છે.

પાછલાં આઠ વર્ષોમાં અનવર ખાન પર થયેલો આ ત્રીજો હુમલો હતો. અનવર ખાન કહે છે કે સુરક્ષાની ચિંતાઓના કારણે તેઓ પાર્ટીના કામથી પ્રવાસે જવાનું ટાળે છે. ખાનની ગાડી અને મકાન પર ભાજપનો કોઈ ઝંડો લાગેલો નથી કે ના પાર્ટીના કોઈ મોટા નેતાની તસવીર લાગેલી છે.


2014- મુશ્તાક નૂરાબાદીના ઘર પર હુમલો

49 વર્ષના મુશ્તાક નૂરાબાદી કાશ્મીરમાં ભાજપના જૂના નેતા છે અને મુસ્લિમ મોરચાના અધ્યક્ષ રહી ચુક્યા છે. મુશ્તાક 22 વર્ષની ઉંમરથી ભાજપમાં સક્રિય છે.

કુલગામ જિલ્લાના નૂરાબાદના નિવાસી મુશ્તાકના ઘર પર વર્ષ 2014માં હુમલો કરાયો હતો. હુમલા બાદ મુશ્તાક પરિવાર સહિત શ્રીનગર રહેવા ચાલ્યા ગયા. હુમલા સમયે મુશ્તાક ઘરે હાજર નહોતા.

ડેલીએક્સેલસાયર નામની ન્યૂઝ વેબસાઇટ અનુસાર વર્ષ 2014માં શોપિયાં ચૂંટણીપ્રચાર સમયે મુશ્તાકના કાફલા પર કેટલાક અજ્ઞાત લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં પાર્ટીના બે કાર્યકર્તાઓને ઈજા થઈ હતી.

મુશ્તાકે બીબીસીને કહ્યું હતું કે કાશ્મીરમાં ભાજપના લોકો પર હુમલા બાદ મસ્જિદ કે અન્ય જગ્યાઓએ જવા માટે પણ ઘણું સાવચેત રહેવું પડે છે.


ભાજપના નેતાઓ પર કેમ વધી રહ્યા છે હુમલા?

ભાજપના નેતા અનવર ખાન બીબીસીના સહયોગી પત્રકાર માજિદ જહાંગીરને જણાવ્યું કે ઘાટીમાં ભાજપની લોકપ્રિયતા વધી રહી છે અને કાશ્મીરમાં ઘણી પંચાયતોમાં પાર્ટીના પંચ છે. ડીડીસી અને બીડીસી ચૂંટણીમાં પણ પાર્ટીના કાર્યકર્તા જિત્યા છે.

તેઓ કહે છે કે, "એવું પણ બની શકે છે કે તે માટેનું કારણ આર્ટિકલ 370 દૂર કરવાનું પગલું હોઈ શકે. ઉગ્રવાદી નથી ઇચ્છતા કે આર્ટિકલ 370 હઠે. આર્ટિકલ હઠ્યા બાદ અમારા લોકો માટે ખતરો વધી ગયો છે."

ભાજપના નેતા મુશ્તાક નૂરાબાદી કહે છે કે પાર્ટીને નિશાન બનાવવાનું કારણે હાલની ચૂંટણીઓમાં તેનો વધતો પ્રભાવ છે. તેઓ કહે છે કે ભાજપની ઇમેજ હિંદુત્વ લાગુ કરનારી પાર્ટીની બની જે સત્ય નથી.

ભાજપના ગ્રીવન્સ સેલના અધ્યક્ષ ડૉક્ટર રફીએ માજિદ જહાંગીરને જણાવ્યું, "ભાજપે જે રીતે જમ્મુ-કાશ્મીમાંથી આર્ટિકલ 370 હઠાવ્યો કે અમુક કાયદા બદલી નાખ્યા, તેને કાશ્મીરના લોકોએ નૅગેટિવ અંદાજમાં લીધા. જોકે પાર્ટીએ આ પગલાં કાશ્મીરની જનતાના સારા ભવિષ્ય માટે જ લીધાં."

ડૉક્ટર રફી આક્ષેપ કરે છે કે ઘાટીમાં ભાજપના ચહેરાઓને પર્યાપ્ત સુરક્ષા નથી મળી રહી.

તેમણે કહ્યું, "કાશ્મીરમાં ભાજપના લગભગ 100-150 લોકો એવા છે, જેઓ કાશ્મીરમાં ભાજપની ઓળખ છે. દુર્ભાગ્યની વાત એ છે કે આ લોકોની સુરક્ષાની વ્યવસ્થા પણ યોગ્ય રીતે નથી કરાઈ રહી."https://youtu.be/gZpVkvX2HHc

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Jammu and Kashmir: Which BJP leaders were killed, who was attacked
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X