India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ ડ્રોન હુમલો : ભારત યુદ્ધની આ નવી તકનીક સામે કેટલું તૈયાર?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

27 જૂનના રોજ ભારતીય વાયુ સેનાના જમ્મુ ઍરબેઝ પર ડ્રોન વડે થયેલા હુમલાએ ભારતની સુરક્ષા એજન્સીઓ માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે.

આ આવા પ્રકારના હુમલાની પ્રથમ ઘટના હોવાનું મનાઈ રહ્યું છે. જેમાં ડ્રોન પર વિસ્ફોટક લગાવીને ભારતીય સેનાને નિશાન બનાવવાની કોશિશ કરાઈ હતી.

એક તરફ જ્યાં ભારતીય વાયુ સેનાએ આધિકારિકપણે માત્ર એ વાતની જ પુષ્ટિ કરી છે કે વાયુ સેના સ્ટેશનના ટેકનિકલ ક્ષેત્રમાં બે ઓછી તીવ્રતાવાળા વિસ્ફોટ થયા, ત્યાં જ બીજી તરફ એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આ હુમલો ડ્રોનનો ઉપયોગ કરીને કરાયો હતો. સંરક્ષણ નિષ્ણાતો આ હુમલાને ભારત વિરુદ્ધ પાકિસ્તાનના પ્રૉક્સી વૉરનો એક નવો અધ્યાય માની રહ્યા છે.

પાછલાં અમુક વર્ષોમાં પાકિસ્તાનની જમીન પરથી જમ્મુ-કાશ્મીર અને પંજાબની સીમાઓ પર ડ્રોનનો ઉપયોગ હથિયાર, વિસ્ફોટક અને ડ્રગ્સની હેરફેર માટ થતો રહ્યો છે. પરંતુ એક ઍરબેઝ પર ડ્રોન વડે હુમલાથી એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ડ્રોનના ઉપયોગની ક્ષમતાઓ વધારાઈ છે.


ભારત-પાકિસ્તાન સીમાએ ઊડતાં ડ્રોન

પાછલાં અમુક વર્ષમાં વારંવાર ભારત-પાકિસ્તાનની સરહદે ડ્રોન ઉડાણ ભરતાં જોવા મળ્યાં છે. સીમા સુરક્ષા દળ (BSF)ના એક અધિકારીએ બીબીસીને નામ ન છાપવાની શરતે જણાવ્યું કે જ્યારે પણ સુરક્ષા દળ કોઈ ડ્રોન કે ડ્રોન જેવાં ઉપકરણોને જુએ છે ત્યારે તમામ સંબંધિત સુરક્ષા એજન્સીઓને એ વિશે જાણકારી આપવામાં આવે છે.

આ સુરક્ષા એજન્સી એકમેક સાથેના સંકલનથી એ વાતની જાણકારી મેળવે છે કે જોવા મળેલાં ઉપકરણ શું ખરેખર ડ્રોન હતાં કે કેમ? અને જો તે ડ્રોન હતાં તો તે કયા પ્રકારનાં ડ્રોન હતાં?

પાછલા વર્ષે જૂન માસમાં BSFએ સરહદ પાર પાકિસ્તાનથી આવી રહેલા એક ડ્રોનનો કઠુઆમાં ખુરદો બોલાવી દીધો હતો.

જમીન પર પાડ્યા બાદ આ ડ્રોન પરથી એક સેમી-ઑટોમૅટિક કાર્બાઇન, વિસ્ફોટક અને ગ્રેનેડ મળી આવ્યાં હતાં. આ ડ્રોનનું વજન લગભગ 18 કિલોગ્રામ હતું અને તે પાંચ-છ કિલોગ્રામ વજન લઈને ઉડાણ ભરી રહ્યું હતું. સુરક્ષા એજન્સીઓ અનુસાર આ ડ્રોનના મોટા ભાગના પાર્ટ ચીનમાં બનેલા હતા.

પાછલા વર્ષે સપ્ટેમ્બર માસમાં લોકસભામાં ડ્રોન હુમલાના ખતરા પર પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રાલયે કહ્યું કે, "દેશમાં ડ્રોન વડે હુમલાના ખતરાનો સામનો કરવા માટે આવશ્યક દિશાનિર્દેશ જારી કરાયાં છે."

પાછલા વર્ષે માર્ચમાં આ જ વિષય પર પુછાયેલ અન્ય એક પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું કે, "મહત્ત્વપૂર્ણ સુરક્ષા ઠેકાણાં પર ડ્રોન વડે હુમલાઓને રોકવા માટે એક સ્ટાન્ડર્ડ પ્રક્રિયા (SOP) જારી કરી છે."


શું ભારત આવા હુમલાઓ સામે ઝઝૂમવા તૈયાર છે?

જે પ્રકારે સતત ભારત-પાકિસ્તાનની સીમાએ ડ્રોન જોવા મળી રહ્યાં છે તેના પરથી એ અંદાજ લગાવવો મુશ્કેલ નહોતો કે એ દિવસ દૂર નથી જ્યારે ડ્રોનને એક હથિયારની જેમ ઉપયોગમાં લેવાશે.

જમ્મુ હુમલા બાદ એવી ચર્ચા થઈ રહી છે કે શું ભારત આ પ્રકારના હુમલાઓનો સામનો કરવા માટે તૈયાર છે કે કેમ?

અજય સાહની દિલ્હીસ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ કૉન્ફ્લિક્ટ મૅનેજમૅન્ટ અને સાઉથ એશિયા ટેરરિઝ્મ પોર્ટલના કાર્યકારી નિદેશક છે.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, "ભારતીય સુરક્ષા પ્રતિક્રિયા સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે તે કેવળ એક પ્રતિક્રિયા માત્ર છે. અને સુરક્ષા ક્ષેત્રની જરૂરિયાતો પ્રત્યેનું વલણ નોકરશાહી વડે સંચાલિત છે જે ઉચ્ચ સ્તરની ટેકનૉલૉજી વિશેના ઓછા જાણકાર હોય છે."

તેઓ કહે છે કે, "2016-17 બાદથી આતંકવાદીઓએ ઘણી જગ્યાએ હથિયારવાળાં ડ્રોનનો ઉપયોગ કર્યો છે. ઇસ્લામિક સ્ટેટે સીરિયામાં તેનો ઉપયોગ શરૂ કર્યો. તેઓ વિસ્ફોટકોથી લદાયેલાં ડ્રોન વડે હુમલો કરતા હતા. આ ડ્રોન જેનો આવા હુમલાઓ માટે ઉપયોગ કરાઈ રહ્યો છે તે કોઈ ખાસ ડ્રોન નથી. તે વ્યવસાયિક રીતે ઉપલબ્ધ ડ્રોન છે અને તમે માત્ર તેના પર અમુક વિસ્ફોટકો લાદી દો છો અને તેમને લક્ષ્ય સુધી પહોચાડી દો છો."


ડ્રોન વડે થતા હુમલા હોઈ શકે છે ઘાતક

જાણકારોનું માનવું છે કે ડ્રોન વડે થતા હુમલા ઘાતક સાબિત થઈ શકે છે

સાહનીનું માનવું છે કે ભલે ડ્રોન ઉપયોગ માટે યોગ્ય ઉપકરણ ન હોય પરંતુ તેમ છતાં તે એક અત્યંત ખતરનાક ઉપકરણ છે જેનો ખૂબ જ ચોકસાઈ અને વિનાશકારી શક્તિ સાથે અમેરિકાની સેના ઉપયોગ કરી રહી છે.

સાહની કહે છે કે, "સૌથી મોટો ખતરો સરહદ પારથી ડ્રોન હુમલાનો છે. પાકિસ્તાન પાછલાં અમુક વર્ષોથી નિયમિતપણે હથિયારો અને અન્ય પ્રતિબંધિત સામગ્રીના હસ્તાતંરણ માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે. દર મહિને ડ્રોનની બે-ત્રણ ઘટનાઓ વિશે ખબર પડે છે. ઘણી વખત તેને જમીન પર પાડી નિષ્ક્રિય બનાવી દેવાય છે. તેઓ એવાં ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે જે દસ કિલોગ્રામ કે તેથી વધુ પેલોડ લઈ જવામાં સક્ષમ છે. હવે જો તમારા પાસે દસ કિલોગ્રામ સૈન્ય ગ્રેડના વિસ્ફોટક વડે કોઈ લક્ષ્ય પર વિસ્ફોટ કરવાની ક્ષમતા હોય તો તે ઘણું વિનાશકારી હોઈ શકે છે."

સાહની કહે છે કે આ જ કારણે ભારતમાં ડ્રોનના ખતરાને લઈને પહેલાંથી ઘણી વધુ જાગરૂકતા અને તૈયારી હોવી જોઈતી હતી.

તેઓ કહે છે કે, "હવે સમસ્યા એ છે કે યુદ્ધનિતીવિષયક તૈયારી ભારતમાં સેનાનો વિષય નથી. તેમની પાસે પોતાની જાતને હથિયાર આપવાની કે પ્રતિક્રિયા કરવાની શક્તિ નથી. યુદ્ધનીતિ સાથે સંબંધિત તમામ શક્તિઓ રાજકીય કારોબારી અને સિવિલ નોકરીશાહીમાં સમાયેલી છે. સેના આ ખતરા અને તેનો સામનો કરવા માટે જરૂરી તૈયારી કરવાની વાત કરી શકે છે પરંતુ જો નાગરિક નોકરશાહી જવાબ ન દે તો તેનું કોઈ પરિણામ આવશે નહીં. અને આપણે જાણીએ છીએ કે ભારતમાં સિવિલ નોકરશાહીની શી હાલત છે."

સાહની એવું પણ માને છે કે સુરક્ષાના ક્ષેત્રમાં રાજકીય કારોબારી મોટા ભાગે આવા નિર્ણયો લે છે અને એવો માર્ગ અપનાવે છે જેનાથી ચૂંટણી સમયે આકર્ષણ સર્જાય.

"તેઓ હકીકતમાં એ સશક્તીકરણ અંગે ચિંતિત નથી. આમ નિર્ણય લેવાની આ પ્રકૃતિના કારણે આપણે હંમેશાં પાછળ જ રહીશું."

સાહની પ્રમાણે હાલ ડ્રોન વડે હુમલો થયો છે. કાલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબૉટિક્સનો ઉપયોગ થશે અને આપણને આશ્ચર્ય થશે કે આપણે હંમેશાં ઘટના બાદ તે વિશે જાણકારી મેળવવાની વાત કરીશું.

"શું આપને એવું લાગે છે કે નિકટ ભવિષ્યમાં રોબૉટિક્સ એક મોટો ખતરો પેદા નહીં કરે? ભવિષ્યમાં બૉમ્બ ધડાકા માટે રોબૉટિક ઉપકરણોનો ઉપયોગ શરૂ થઈ શકે છે. શું આપણી પાસે આનાથી બચવા માટે કોઈ પ્રકારની તૈયારી છે ખરી?"

સાહની કહે છે કે તેમને વિશ્વાસ છે કે સુરક્ષા દળોમાં આ તમામ વિષયો પર વાત થઈ રહી છે.

તેઓ કહે છે કે, "પરંતુ તેમની વાત સાંભળી કોણ રહ્યું છે? તેઓ પોતાની જ વાત સાંભળી રહ્યા છે અને તેઓ આના વિશે ઘણું બધું નથી કરી શકતા. સુરક્ષા દળ મૃત્યુ પામનારા અને ઈજા પામનારાની સંખ્યા ઓછી રાખવા માટે ઘણા પ્રકારના રક્ષાત્મક પ્રોટોકૉલ વિકસિત કરી શકે છે પરંતુ જ્યારે આ પ્રકારના ખતરા સામે પોતાની જાતને તૈયાર કરવાની વાત આવે છે તો ફરીથી નિર્ણય લેવાની શક્તિ રાજકીય કારોબારી અને નોકરશાહીના હાથમાં હોય છે."


નવા ખતરા, નવાં પગલાં ઉઠાવવાનાં રહેશે

ભારતીય સેનાના સેવાનિવૃત્ત મેજર જનરલ એસ. બી. અસ્થાના ડ્રોન હુમલાઓને "આતંકવાદનું એક નવું પરિમાણ" ગણાવે છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, "ઘણી વખત ડ્રોન વડે હુમલા થઈ ચુક્યા છે. ભલે પછી તે અઝરબૈજાન-આર્મેનિયા વચ્ચેનો સંઘર્ષ હોય કે હમાસ અને ઇઝરાયલ વચ્ચેનું ઘર્ષણ. ડ્રોનનો ઘણી વાર ઉપયોગ થઈ ચુક્યો છે. પહેલાં પણ પાકિસ્તાને કેટલાંક હથિયારો અને નશીલા પદાર્થોની હેરફેર માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. વર્તમાન સમયમાં જે થયું છે તે એ છે કે ડ્રોનના ઉપયોગમાં ઘણી ચોકસાઈ આવી ગઈ છે અને તે જ ચિંતાનો વિષય પણ છે. આ ચોકસાઈનો અર્થ એ છે કે આની પાછળ અમુક પ્રૉફેશનલ લોકોનો હાથ છે."

અસ્થાના કહે છે કે એક ડ્રોન પર વિસ્ફોટક લગાવવો અને પછી એ સુનિશ્ચિત કરવું કે તે યોગ્ય સમયે વિસ્ફોટ કરે તેની પાછળ કોઈ પ્રૉફેશનલ વ્યક્તિનો હાથ છે.

તેઓ કહે છે કે ડ્રોન સાથે મુશ્કેલી એ છે કે વિસ્ફોટ બાદ ડ્રોન લગભગ નષ્ટ થઈ જાય છે. તેથી તેને ફરીથી ટ્રૅસ કરવું મુશ્કેલ હોય છે.

અસ્થાના કહે છે કે ઘણાં વ્યવસાયાત્મકપણે ઉપલબ્ધ ડ્રોન રડારની પકડમાં નથી આવતાં અને ઘણાં ડ્રોનની માહિતી મેળવવા માટે લાઇન-ઑફ-વિઝન સર્વેલન્સ સિસ્ટિમ કારગત નથી.

અસ્થાના કહે છે કે, "આ એક ખતરા સ્વરૂપે વિકસિત થઈ રહેલું વલણ હોઈ આપણે આ અનુસાર ટેકનૉલૉજી વિકસિત કરવાની આવશ્યકતા છે. આપણી પાસે અમુક સિસ્ટિમ છે. તમામ હવાઈમથકો હવાઈ રક્ષા હથિયારોથી કવર્ડ છે. જો કોઈ ડ્રોન ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે તો તેને ઍન્ટિ-ઍરક્રાફ્ટ ગન વડે નષ્ટ કરી શકાય છે. આ માટે તમારે મિસાઇલ કે જટિલ રડારની જરૂરિયાત નથી."

અસ્થાના અનુસાર ડ્રોન અત્યંત ગતિથી ચાલતી હોય તેવી વસ્તુ નથી. તેઓ કહે છે કે જે ડ્રોન જમ્મુ હુમલામાં ઉપયોગમાં લેવાયાં છે તે ખૂબ જ મંદ ગતિએ ચાલનારાં ડ્રોન હતાં.

"જો આપ ઓછી ઊંચાઈએ સારું ઑબ્ઝર્વેશન કરો છો તો કદાચ આવાં ડ્રોનને ટાર્ગેટ બનાવી શકાય છે."


શું છે સમાધાન?

ભારત ઘણાં વર્ષોથી પાકિસ્તાનની સીમા પર સ્માર્ટ ફૅન્સિંગ કરવાની વાત કરી રહ્યું છે. અસ્થાના કહે છે ક ડ્રોનના ઉપયોગ વડે સ્માર્ટ ફૅન્સિંગ વધુ આધુનિક બનાવી શકાય છે.

તેઓ કહે છે કે, "ડ્રોન ઓછી ઊંચાઈએ ઊડી રહ્યાં છે તેથી તે વિશે ખબર પડવું મુશ્કેલ છે. પરંતુ જો આપણાં ડ્રોન સામાન્ય ડ્રોન કરતાં ઊંચી ઉડાણ ભરી રહ્યાં છે તો તે નીચલા સ્તરે ઊડી રહેલાં ડ્રોન અંગે જાણકારી મેળવી શકે છે."

તેઓ કહે છે કે, "દરેક તકનીકી પ્રગતિનું એક તકનીકી કાઉન્ટર હોય છે. આમ આવી વસ્તુઓ ઉપલબ્ધ છે. પ્રશ્ન એ છે કે આપણે કેટલી હદ સુધી તેને તહેનાત કરીએ છીએ અને આ કામ કેટલું અસરકારક હશે."

સાહનીનું માનું છે કે ભારતમાં સામાન્યપણે પ્રતીકાત્મક પ્રતિક્રિયા અપનાવવામાં આવે છે.

તેઓ કહે છે કે, "આપણે કંઈક એવું કરવું જોઈએ જે વધુ અસરકારક હોય અને જેનાથી કોઈ ડ્રોન હવામાં જતાં જ તે વિશે ખબર પડી જાય અને પ્રતિક્રિયા આપી શકાય."

ઇઝરાયલની મિસાઇલ રોકતી તકનીક આયરન શીલ્ડનું ઉદાહરણ આપતાં સાહની જણાવે છે કે તેઓ હજારો મિસાઇલોને બેઅસર કરવાનું સુનિશ્ચિત કરે છે. જોકે મિસાઇલો તેમ છતાં નથી રોકી શકાતી.

"તેથી ખતરાવાળાં ક્ષેત્રોમાં વ્યાપક પ્રતિક્રિયા આપવા માટે આ પ્રકારના દૃષ્ટિકોણની આવશ્યકતા છે જેથી ખતરો ઓછામાં ઓછો કરી શકાય. અને તે ઘણું યોજનાબદ્ધ રીતે કરવાની આવશ્યકતા છે. દુર્ભાગ્યે આવી કોઈ યોજના નથી. નોકરશાહીના નિર્ણય લેવાની પ્રક્રિયા અત્યંત અક્ષમ અને અસંવેદનશીલ છે."

અસ્થાના કહે છે કે નાગરિક ક્ષેત્રમાં ડ્રોનની સરળતાથી ઉપલબ્ધતા આતંકવાદીઓને એક હથિયારના સ્વરૂપે સુધારો અને ઉપયોગ કરવાની તક પણ છે. તેમના અનુસાર એક સામાન્ય ડ્રોનને હથિયાર બનાવવા માટે તૈયાર કરી શકાય છે અને ભારતે તેના પર ધ્યાન આપવાની જરૂરિયાત છે.

તેઓ કહે છે કે, "આ એક વૅક-અપ કૉલ છે કે આવી તકનીક મોજૂદ છે અને તેનો ઉપયોગ કરવો ખતરનાક સાબિત થઈ શકે છે. જમ્મુમાં તો માત્ર તે છત સાથે ટકરાયું હતું પરંતુ તે કોઈ યુદ્ધવિમાન સાથે પણ અથડાઈ શક્યું હોત. અને ત્યારે મોટું નુકસાન થયું હોત."https://youtu.be/sLsviiSe40s

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Jammu drone attack: How ready is India against this new technology of war?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X