હાઈવે પ્રતિબંધ પર મહેબુબાઃ કાશ્મીર કાશ્મીરીઓનું રસ્તા પર ચાલવા માટે કોઈની મંજૂરીની જરૂર નથી
રવિવારે જમ્મુ કાશ્મીર હાઈવે પ્રતિબંધનો પહેલો દિવસ હતો. જેના પર ઘણા રાજકીય પક્ષોની પ્રતિક્રિયા આવી છે. રાજ્યના બે પૂર્વ મુખ્યમંત્રી આ પ્રતિબંધનથી ખાસ્સા નારાજ છે. જ્યાં પીડીની પ્રમુખ અને ભાજપ સાથે ગઠબંધન સરકારની મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીઓ પ્રતિબંધ સામે સરકારને કોર્ટમાં ઢસડી જવાની ધમકી આપી તો ઉમર અબ્દુલ્લાએ આને દિમાગ વગરનો આદેશ ગણાવ્યો છે. પુલવામા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને લોકસભા ચૂંટણી સુધી જમ્મુ કાશ્મીર હાઈવેને અઠવાડિયામાં બે દિવસ સુધી સામાન્ય ટ્રાફિક માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર સરકાર મુજબ ચૂંટણીમાં સુરક્ષાબળોની સરળ મુવમેન્ટ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રેનથી અથવા રાત્રે મુસાફરી કરે સુરક્ષાબળ
મહેબુબા મુફ્તીએ કહ્યુ છે કે જો સરકારને લાગે છે કે આ પ્રકારના નિર્ણય બાદ તે રાજ્યની જનતાનો અવાજ દબાવી શકે છે તો તે ખોટુ વિચારી રહી છે. મહેબુબાએ આ આદેશના વિરોધ સાથે જ કોર્ટમાં અરજી દાખલ કરવાની ધમકી પણ આપી છે. મહેબુબાએ શ્રીનગરના પઠાણચોક પર થયેલી રેલીમાં આ વાત કહી. મુફ્તીએ એ પણ કહ્યુ છે કે કાશ્મીર, કાશ્મીરીઓનું છે અને તેમને અહીંના રસ્તા પર ચાલવા માટે કોઈની મંજૂરીની જરૂર હોય એવુ તે ક્યારેય નહિ બનવા દે. નેશનલ કૉન્ફરન્સના પ્રમુખ ફારુખ અબ્દુલ્લાએ પણ રસ્તા પર સરકારનું વિરોધ પ્રદર્શન કર્યુ. ફારુખ અબ્દુલ્લાની માંગ છે કે આ તાનાશાહી છે અને સરકાર આદેશને તરત જ પાછો લે. ફારુખનું કહેવુ છે કે જો સુરક્ષાબળોને મુસાફરી કરવી હોય તો તે ટ્રેનનો ઉપયોગ કરે અથવા પછી રાતે મુવ કરે.

સરકાર સમર્થક પણ સરકારના વિરોધમાં
વળી, સરકારના સમર્થક પીપલ્સ કૉન્ફરન્સના ચેરમેન સજ્જાદ લોન પણ આ આદેશના વિરોધમાં આવી ગયા છે. તેમણે ટ્વીટર પર લખ્યુ, ‘હાઈવે પ્રતિબંધ હવે એક માનવાધિકાર સંકટમાં બદલાઈ રહ્યુ છે. લોકોને પોતાની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે મુસાફરી કરવી પડશે અને તે નિસહાય અનુભવી રહ્યા છે.' લોને રાજ્યના રાજ્યપાલને આ આદેશ પાછો લેવાની માંગ કરી છે. ત્રણ એપ્રિલના રોજ રાજ્યપાલ સત્યપાલ મલિક તરફથી આ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આ આદેશમાં કહેવામાં આવ્યુ હતુ કે જમ્મુથી શ્રીનગર સુધી જતા હાઈવે પર દર રવિવારે અને બુધવારે સામાન્ય ટ્રાફિકને પસાર થવાની મંજૂરી આપવામાં આવશે નહિ.

270 કિલોમીટર અંતરનો છે હાઈવે
જમ્મુથી શ્રીનગર સુધી જતો હાઈવે લગભગ 270 કિલોમીટરનું અંતર કવર કરે છે. હાઈવે પર અઠવાડિયામાં બે દિવસ જમ્મુના ઉધમપુરથી કાશ્મીરના બારામુલા સુધીના રસ્તા પર સામાન્ય ટ્રાફિકને મંજૂરી આપવામાં આવશે નહિ. બારામૂલાથી શ્રીનગર, કાજીગુંડ, જવાહર ટનલ, બનિહાલ અને રામબન થઈને જમ્મુમાં ઉધમપુર સુધી જતો હાઈવે સંપૂર્ણપણે માત્ર સુરક્ષાબળોના ઉપયોગ માટે જ હશે. કોઈ પણ પ્રકારની ઈમરજન્સી સિચ્યુએશન કે કોઈ બીજા કારણોસર સ્થાનિક પ્રશાસન અને પોલિસ તરફથી એ જ વ્યવસ્થા કોઈ સિવિલિયન ગાડી માટે કરવામાં આવશે જે કર્ફ્યુ દરમિયાન કરવામાં આવે છે. આ વ્યવસ્થા 31 મે સુધી રહેશે.

90ના દશકમાં થયુ હતુ આવુ
90ના દશક દરમિયાન જ્યારે ઘાટીમાં આતંકવાદ ચરમ સીમાએ હતો તે સમયે સિવિલિયન ગાડીઓને રોકી દેવામાં આવતી હતી. ગાડીઓ ત્યાં સુધી રોકી દેવામાં આવતી જ્યાં સુધી સુરક્ષાબળો પસાર ન થઈ જતા. ત્યારબાદ જ્યારે વર્ષ 2002માં પીડીપી સરકાર આવી તો આ નિયમને હટાવી દેવામાં આવ્યો. સરકારે એ સમયે લોકોને વચન આપ્યુ હતુ કે સંઘર્ષ સામે ઝઝૂમી રહેલી જનતાને તે કંઈક રાહત આપશે. માનવામાં આવી રહ્યુ છે કે સરકાર તરફથી આવેલ આ નવા કાયદાથી ઘાટીમાં લોકોનો ગુસ્સો વધી શકે છે. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફ જવાનોને લઈને જઈ રહેલી બસને જમ્મુથી શ્રીનગર સુધી જતા હાઈવે પર જ નિશાન બનાવવામાં આવી હતી. આ હુમલામાં 40 જવાનો શહીદ થઈ ગયા હતા.
આ પણ વાંચોઃ ઘોડેસવાર થઈને શાળાએ જતી બાળકીનો વીડિયો વાયરલ, આનંદ મહિન્દ્રા બોલ્યાઃ આ મારી હીરો