
Jobs Fair 2023 : 71 હજાર લોકોને મળશે નોકરી, PM મોદી આપશે જોઇનિંગ લેટર
Jobs Fair 2023 : દેશમાં લોકોને રોજગાર આપવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહે છે. સરકારે 10 લાખ બેરોજગારોને નોકરી આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સરકાર પોતાના આ સંકલ્પને પૂર્ણ કરવા માટે વડાપ્રધાન મોદી સતત કાર્યરત રહીને ચીવટભરી નજર રાખી રહ્યા છે. આ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 71000 લોકોને જોઇનિંગ લેટર આપશે.
20 જાન્યુઆરીના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વડાપ્રધાન મોદી 71000 યુવાનો સાથે જોડાશે, જેમને નિમણૂક પત્ર આપવામાં આવનાર છે. મોદી સરકારના રોજગાર મેળા કાર્યક્રમનો એક ભાગ છે, જેમાં કેન્દ્ર સરકારે વિવિધ સંસ્થાઓમાં સરકારી નોકરીઓમાં 10 લાખ ખાલી જગ્યાઓ ભરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
વર્ષ 2023નો આ પ્રથમ રોજગાર મેળો છે. આ અંગે PMO દ્વારા કહેવામાં આવ્યું છે કે, રોજગાર મેળો રોજગાર નિર્માણને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવા માટેની વડાપ્રધાન મોદીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે. આ સાથે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે,
રોજગાર મેળો વધુ રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે. આ સાથે યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત સરકારના તમામ મંત્રાલયો અને વિભાગોને આ દિશામાં કામ કરવાનો નિર્દેશ આપ્યો હતો. રોજગાર મેળા અંતર્ગત ભારત સરકારના 38 મંત્રાલયો અને વિભાગોમાં સમગ્ર દેશમાંથી પસંદ કરેલા યુવાનોની નિમણૂક કરવામાં આવશે. નવા ભરતી થયેલા કર્મચારીઓને ભારત સરકારના વિવિધ સ્તરે વિભાગમાં નિમણૂક આપવામાં આવશે.
સરકારી નોકરી શોધી રહેલા બેરોજગાર યુવાનો માટે આ એક સુવર્ણ તક છે. ભરતી રક્ષા મંત્રાલય, રેલવે મંત્રાલય, ગૃહ મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય, પોસ્ટ વિભાગ, સીબીઆઈ, કસ્ટમ્સ, બેંકિંગ અને વિવિધ સુરક્ષા દળોમાં કરવામાં આવશે. વડાપ્રધાન મોદી જોબ સ્કીમમાં અલગ-અલગ મંત્રાલયોના મંત્રીઓ શામેલ થશે.
જુનિયર એન્જિનિયર, ટેકનિશિયન, ઈન્સ્પેક્ટર, લોકો પાઈલટ, કોન્સ્ટેબલ, સબ ઈન્સ્પેક્ટર, સ્ટેનોગ્રાફર, ગ્રામીણ ડાક સેવક, જુનિયર એકાઉન્ટન્ટ, ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર, નર્સ, શિક્ષક, ડૉક્ટર, PA, સામાજિક સુરક્ષા અધિકારી ભારત સરકાર હેઠળ ભરતી થયેલા યુવાનોને રોજગાર મેળો, એમટીએસ જેવી વિવિધ પોસ્ટ પર તૈનાતી આપવામાં આવશે.