ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદીને ક્લીન મુદ્દે કપિલ સિબ્બલે સવાલ ઉઠાવ્યા!
નવી દિલ્હી : ગુજરાત રમખાણોની તપાસ કરી રહેલી SITના રિપોર્ટમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચિટને પડકારતી ઝાકિયા જાફરીની અરજીની સુનાવણી દરમિયાન ઝાકિયાના વકીલ કપિલ સિબ્બલે કાર્યકર્તા તિસ્તા સેતલવાડનો બચાવ કર્યો હતો. તિસ્તા પર SIT અને ગુજરાત સરકાર દ્વારા લોકોની ભાવનાઓને ભડકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કપિલ સિબ્બલે કહ્યું કે તિસ્તાનો આધાર આ કેસમાં સહ-અરજીકર્તા છે. એસઆઈટી અને ગુજરાત સરકારે તિસ્તા સેતલવાડને એ વાત માટે જવાબદાર ગણી છે કે તે આ વિવાદને સળગતો રાખવા માંગતી હતી. તેના માટે તેને આ બધું જ કર્યું.
સિબ્બલે કહ્યું કે, તિસ્તાની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે તિસ્તાએ આ મામલામાં તેની આખી કારકિર્દી બરબાદ કરી દીધી છે. સિબ્બલે કહ્યું કે એસઆઈટીએ તેના રિપોર્ટમાં ક્યાંય પણ એવા સવાલોના જવાબ આપ્યા નથી જે પુરાવા વિશે હતા, જે સમગ્ર રિપોર્ટમાં વિરોધાભાસ ઉભો કરે છે. તે માત્ર એટલું જ કહેતા રહ્યા કે તિસ્તા સતત નફરત અને વિવાદોની કઢાઈને ઉકળતી રાખવા માટે કામ કરી રહી છે.
જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિ કુમારની બેંચ સમક્ષ આ મામલાની સુનાવણી ચાલી રહી છે. આ કેસ 28 ફેબ્રુઆરી 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં થયેલા રમખાણો સાથે સંબંધિત છે. અહીં એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં કોંગ્રેસના સાંસદ એહસાન જાફરી સહિત 68 લોકો માર્યા ગયા હતા. SITએ રમખાણોની તપાસ કરી હતી. તપાસ બાદ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપવામાં આવી હતી.
અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક શહેરો અને નગરોમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. તેના બે દિવસ પહેલા ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના કોચમાં આગ લાગી હતી, જેના કારણે 59 લોકો જીવતા સળગી ગયા હતા. આ લોકો અયોધ્યાથી કારસેવા કરીને પરત ફરી રહ્યા હતા. રમખાણોના 10 વર્ષ બાદ SITએ 2012માં તપાસ રિપોર્ટ દાખલ કર્યો હતો. રિપોર્ટમાં નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને ક્લીનચીટ આપવામાં આવી હતી. અરજીમાં આ અહેવાલને પડકારવામાં આવ્યો છે અને રમખાણોમાં મોટા ષડયંત્રની તપાસની માંગ કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં ગોધરાકાંટ બાદ મોટી સંખ્યામાં રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોમાં ગુજરાતના કેટલાક શહેરોમાં મુસ્લિમ વિરોધી હિંસામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. અમદાવાદના મુસ્લિમ વિસ્તારોમાં પણ આ હિંસાએ અનેક લોકોના જીવ લીધા હતા. આ હિંસા માટે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર છડયંત્રના પણ આરોપ લાગ્યા હતા.