કારગિલ શહીદ કેપ્ટન વિજયંત થાપરના પિતા જણાવે છે દિલની વેદના
વનઇન્ડિયા એક્સક્લુઝિવ માટે દ્રાસથી ઋચા વાજપેયી
દ્રાસ, 26 જુલાઇ : કારગિલ યુદ્ધ દરમિયાન કેટલાક હીરો એવા પણ છે જેમનો ઉલ્લેખ ઘણો ઓછો થયો છે. શહીદ કેપ્ટન વિજયંત થાપર પણ તેમાંથી જ એક છે. તેમના પિતા રિટાયર્ડ કર્નલ વી એન થાપર સ્વયં ભારતીય સેનામાં 37 વર્ષ સુધી પોતાની સેવા આપી ચૂક્યા છે. આજે કારગિલ વિજય દિવસે તેમની સાથે મુલાકાત દરમિયાન થયેલી વાતચીતમાં જાણવા મળ્યું કે તેઓ દર વર્ષે કારગિલ આવે છે અને એ પોઇન્ટ સુધી જાય છે જ્યાં તેમના દીકરો શહીદ થયો હતો.
આ કારણે મને એવી ઇચ્છા થઇ કે તેઓ આર્મીમાં કામ કરી ચૂક્યા છે. કારગિલ યુદ્ધને પણ 15 વર્ષનો ગાળો વીતી ગયો છે તો જાણું કે ભારતીય સેના અને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાકિસ્તાન વિશે તેમનું શું માનવું છે.
ગર્વ અને અફસોસ એક સાથે
કર્નલ થાપરે પોતાના દીકરાનું નામ વિજયંત ટેંકના નામ પરથી રાખ્યું હતું. જેને વર્ષ 1971ની લડાઇમાં ભારતે પ્રાપ્ત કરી હતી. વનઇન્ડિયા સાથેની વાતચીતમાં કર્નલ થાપરે જણાવ્યું કે 'અફસોસ તો થાય જ કારણ કે મારો દીકરો શહીદ થયો ત્યારે માત્ર 22 વર્ષનો હતો. પણ આ સાથે ગર્વનો અહેસાસ પણ થાય છે, કારણ કે તેણે પોતાનો જીવ દેશના નામે કુર્બાન કર્યો છે. મને એ વાતનો ગર્વ છે કે હું શહીદ કેપ્ટન વિજયંત થાપરનો પિતા છું.'
ભારતીય સેનાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નબળું છે
કર્નલ થાપર પાસેથી અમે એ જાણવાનો પ્રયત્ન પણ કર્યો કે કારગિલ યુદ્ધના 15 વર્ષ બાદ ભારતીય સેનાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઇ ફેરફાર આવ્યો છે? તેમના જવાબમાં નિરાશા સ્પષ્ટ જોઇ શકાતી હતી. તેમણે જણાવ્યું કે આજે પણ ભારતીય સેનાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલકુલ એવું જ છે જેવું 15 વર્ષ પહેલા હતું. સેનામાં એક મોટા પરિવર્તનની જરૂર છે. તેમાં દરેખ ઇન્ફ્રન્ટ્રી, આર્ટિલરી માટે નવી ટેકનોલોજી જોઇએ. આજે પણ આપણે 30 વર્ષ જુની બંદૂકો ઉપયોગમાં લઇ રહ્યા છીએ. આજે પણ આપણે 30 વર્ષ પહેલાની બોફોર્સ ગન ઉપયોગમાં લઇ રહ્યા છીએ. ટેક્નોલોજી વચ્ચે જે ગેપ છે તેને ભરવામાં ઘણો સમય લાગશે.
પાકિસ્તાન બદલાયું નથી અને બદલાશે નહીં
કર્નલ થાપરે જણાવ્યું કે પાકિસ્તાન ક્યારેય બદલાઇ શકે તેમ નથી. કારણ કે ત્યાં અનેક પાવર સેન્ટર્સ છે. તે પહેલાની જેમ જ દેશમાં ઘૂસણખોરી અને આતંકી ઘટનાઓને અંજામ આપતું રહેશે જેમ છેલ્લા ઘણા વર્ષોથી કરતું આવ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે વર્તમાન સરકાર શહીદ કેપ્ટન સૌરભ કાલિયા અને તેમના જેવા તમામ વોર ક્રાઇમના મુદ્દે ઇન્સાફ અપાવવાનો પ્રયાસ કરશે.