
કાશ્મીર: શ્રી નગરમાં CRPF પાર્ટી ઉપર ગ્રેનેડ હુમલો, 3 લોકો ઘાયલ
કાશ્મીર ખીણમાં ભારતીય સૈન્યના હાથથી મળેલી હારને કારણે આતંકવાદી સંગઠનો ગુસ્સે છે. આવી સ્થિતિમાં તેઓ હવે ગુપ્ત રીતે સુરક્ષા દળો અને સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં શનિવારે સાંજે આતંકવાદીઓએ સીઆરપીએફ પાર્ટીને નિશાન બનાવતા ગ્રેનેડનો હુમલો કર્યો હતો. જેમાં સૈનિકો બચી ગયા હતા પરંતુ 3 નાગરિકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા બાદ આતંકવાદીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ સીઆરપીએફની એક ટીમ શ્રીનગરના બર્બર શાહ વિસ્તારમાં નિયમિત પેટ્રોલીંગ પર હતી. આ દરમિયાન ઓચિંતો હુમલો કરનારા આતંકવાદીઓએ તેઓ પર ગ્રેનેડ ફેંકી દીધો હતો. ખીણની પરિસ્થિતિ જોતા જવાન હંમેશા સજાગ રહે છે, આવી સ્થિતિમાં તેઓ બચી ગયા, પરંતુ ત્યાં હાજર ત્રણ નાગરિકો ઘાયલ થયા. જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે જ સમયે, આ ઘટનાને અંજામ આપીને આતંકીઓ નાસી ગયા હતા. જેના કારણે સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સાથે તમામ નાકા પાર્ટીઓને પણ એલર્ટ કરી દેવાઇ છે.
5 ઓગસ્ટ 2019 ના રોજ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દેવામાં આવી હતી. આ સાથે સેનાએ પણ ઘણા મહત્વપૂર્ણ ઓપરેશન્સ ચલાવીને આતંકવાદને નબળુ બનાવ્યુ હતુ. તાજેતરમાં પીએમ મોદીએ ખીણના નેતાઓ સાથે બેઠક કરી હતી. જેમાં અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય છેલ્લા બે વર્ષોમાં ખીણમાં પહેલા કરતાં વધુ શાંતિ છે, જેને પાકિસ્તાન અને આતંકવાદી સંગઠનો દ્વારા પસંદ કરવામાં આવી રહી નથી. આવી સ્થિતિમાં તેમની તરફથી સતત હુમલો કરવામાં આવી રહ્યો છે.