'તૈયાર રહો, તમે મરશો', રાહુલ ભટ્ટની હત્યા બાદ આતંકીઓની કાશ્મીરી પંડિતોને ધમકી
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો હાલમાં ડરેલા છે. બડગામ જિલ્લાના ચદૂરામાં કાર્યાલયની અંદર ગુરુવારે સરકારી કર્મચારી રાહુલ ભટ્ટની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી ત્યારબાદથી કાશ્મીરી પંડિત પોતાની સુરક્ષાને લઈને ચિંતિત જોવા મળી રહ્યા છે. આ દરમિયાન આતંકવાદી સંગઠન લશ્કર-એ-ઈસ્લામે રવિવારે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં હવાલ ટ્રાંઝિટ આવાસમાં રહેતા કાશ્મીરી પંડિતોને ખુલ્લેઆમ ધમકી આપી છે.
'ઘાટી છોડો અથવા મરવા માટે તૈયાર રહો'
લશ્કર-એ-ઈસ્લામના આતંકીઓએ એક પોસ્ટર જાહેર કરીને કાશ્મીરી પંડિતોને ધમકાવ્યા છે કે તેઓ ઘાટી છોડી દે અથવા પછી મરવા માટે તૈયાર રહે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ ટ્રાંઝિટ આવાસમાં રહેતા મોટાભાગના કાશ્મીરી પંડિત સરકારી સેવામાં છે.
પોસ્ટમાં લખ્યુ - તૈયાર રહો, તમે મરશો
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ હવાલ ટ્રાંઝિટ હાઉસિંગના અધ્યક્ષના પોસ્ટરમાં ધમકી આપવામાં આવી હતી કે, 'તમામ પ્રવાસીઓ અને આરએસએસ એજન્ટો કાશ્મીર છોડી દો અથવા મરવા માટે તૈયાર રહો. આવા કાશ્મીર પંડિતો કે જેઓ કાશ્મીર અને બીજું ઈઝરાયલ ઈચ્છે છે અને કાશ્મીરીઓ મુસ્લિમોને મારવા ઈચ્છે છે તેમના માટે અહીં કોઈ સ્થાન નથી. તમારી સુરક્ષા બમણી અથવા ત્રણ ગણી કરી લો તેમછતાં ટાર્ગેટ કિલિંગ માટે તૈયાર રહો, તમે મરશો.'
રાહુલ ભટ્ટની હત્યા બાદ પ્રદર્શન ચાલુ
તમને જણાવી દઈએ કે રાહુલ ભટ્ટની હત્યા બાદ કેન્દ્રશાસિત પ્રદેશમાં રહેતા કાશ્મીરી પંડિતો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની માંગ કરી રહ્યા છે. આ પહેલા જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યુ હતુ કે ઘાટીમાં કાશ્મીરી પંડિત સમુદાયના સરકારી કર્મચારીઓના રહેણાંક વિસ્તારોમાં સુરક્ષા કડક કરવામાં આવશે.
ઉપરાજ્યપાલને કરી સુરક્ષાની માંગ
સરકારી કર્મચારી રાહુલ ભટ્ટની હત્યા બાદ કાશ્મીરી પંડિતોએ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને પત્ર લખીને તેમની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કાશ્મીરી પંડિત સમુદાયના સરકારી કર્મચારીઓએ કાશ્મીર ઘાટીથી સલામત સ્થળે ખસેડવાની અપીલ કરી હતી. પોતાના પત્રમાં તેમણે કહ્યુ કે તે સુરક્ષિત નથી અનુભવતા. ઓલ પીએમ પેકેજ એમ્પ્લોઇઝ ફોરમે 14 મેના રોજ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને લખેલા પત્રમાં જણાવ્યુ હતુ કે, 'અમે પીએમ પેકેજ કર્મચારીઓ અને નોન-પીએમ પેકેજ કર્મચારીઓ તમને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને અમને કાશ્મીરમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢો અને અમને બચાવો.' જો તમે જાતે કંઈપણ કરવા સક્ષમ નથી તો અમે તમને સામૂહિક રાજીનામુ આપવા તૈયાર છીએ.