કેરળઃ પુલ તૂટી પડતાં 1નું મૃત્યુ, 57 ઘાયલ
સોમવારે કેરળના કોલ્લમમાં નદી પર બનેલ એક લોખંડનો પુલ તૂટી પડતાં દુર્ઘટના સર્જાઇ હતી. પુલ તૂટી પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને આ સિવાય 57થી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્થ હોવાના સમાચાર છે. રાહત અને બચાવ કાર્યની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ ઘટના કોલ્લમના છવારામાં બની હતી. કહેવાઇ રહ્યું છે કે, આ પુલ ઘણો જૂનો હતો અને તે જર્જરિત થઇ ગયો હતો.
સોમવારે જ્યારે પુલ તૂટી પડવાની ઘટના બની ત્યારે મોટી સંખ્યામાં લોકો આ પુલ પર હાજર હતા. પૂલ તૂટતાં જ લોકોએ બૂમાબૂમ કરતાં લોકો મદદ માટે દોડી આવ્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમણે સ્થાનિક લોકોને મદદથી ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પુલની હાલત કથળી ગઇ હોવાને કારણે જ આની પર કોઇ પણ પ્રકારના વાહનોની અવર-જવર બંધ હતી. જો કે, પગપાળા ચાલીને જવા માટે લોકો મોટી સંખ્યામાં આ પુલનો ઉપયોગ કરતા હતા.