કૈલાશ વિજયવર્ગીયના પુત્ર જ નહીં, આ નેતાઓએ પણ કાયદાના ધજાગરા ઉડાવ્યા
મધ્યપ્રદેશના ઈન્દોરમાં બુધવારે ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે બેટથી નગરનિગમના કેટલાક અધિકારીઓને માર મારતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો સામે આવતા જ હોબાળો મચ્યો છે. નગર નિગમના કર્મચારીઓને મારવા મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આકાશ વિજયવર્ગીયની ધરપકડ કરી. બાદમાં કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી. એટલું જ નહીં કોર્ટે તેમને 7 જુલાઈ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આકાશ વિજય વર્ગીય મધ્યપ્રદેશની ઈન્દોર 3 નંબરની બેઠક પરથી ધારાસભ્ય છે, સાથે જ ભાજપના દિગ્ગજ નેતા અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના પુત્ર છે. જો કે આ પહેલો કિસ્સો નથી જ્યારે ભાજપના કોઈ નેતાએ જાહેરમાં કાયદાના ધજાગરા કર્યા હોય.
આકાશ વિજયવર્ગીયના જામીન પર કોર્ટે સુનાવણીનો ઈનકાર કર્યો
|
આકાશ વિજયવર્ગીયે બેટથી માર્યો માર
આખી ઘટના મદ્યપ્રદેશના ઈન્દોરમાં બની, જ્યારે બુધવારે ગંજી કમ્પાઉન્ડનું જર્જરિત મકાન તોડવા માટે નગરનિગમની ટીમ પહોંચી હતી. આ જ દરિયાન ઈન્દોર 3 બેઠકના ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય ત્યાં પહોંચ્યા અને તેમણે નગર નિગમના અધિકારીઓને કહ્યું કે જો પાંચ મિનિટમાં અહીંથી જતા ન રહ્યા તો જવાબદારી તમારી હશે. જો કે નગર નિગમના કર્મચારીઓ પાછા ન હટ્યા તો આકાશ વિજયવર્ગીયએ બેટ લઈને તેમને માર માર્યો. આ વીડિયોમાં દેખાય છે કે કેવી રીતે તેઓ ક્રિકેટ બેટથી કર્મચારીઓને માર મારી રહ્યા છે. તેમનો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
|
વિદિશાના ભાજપના ધારાસભ્ય લીલા જૈનના અધિકારીઓને ધમકાવ્યા
ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયનો વીડિયો સામે આવ્યા બાદ મધ્યપ્રદેશમાંથી આવો જ બીજો એક કિસ્સો સામે આવ્યો છે. તેનો પણ વીડિયો વાઈરલ થયો છે. જેમાં વિદિશાના બસોદાથી ભાજપના ધારાસભ્ય લીલા જૈન એક અધિકારી પર નારાજ થતા તેને ધમકી આપતા દેખાઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે બુધવારે વિદિશાની જિલ્લા પંચાયત ઓફિસમાં જળ સંરક્ષણ, નશા મુક્તિ કાર્યક્રમને લઈ બસૌદાના ધારાસભ્ય લીલા જૈન પણ હાજર હતા. આ જ દરમિયાન ભાજપના ધારાસભ્યએ અધિકારીઓ પર નારાજ થતા કહ્યું કે તમે પ્રોટોકોલની વિરુદ્ધ જઈને કોંગ્રેસને નેતા અને પૂર્વ ધારાસભ્યને મુખ્ય અતિથિ બનાવ્યા. જેને લઈને નારાજગી જાહેર કરતા ભાજપના ધારાસભ્યે કહ્યું કે આ મારા અધિકારોનું હનન છે. તેમણે એક અધિકારીને ધમકી આપતા કહ્યું કે,'ચૌધરીજી તમે ગ્યાસપુરમાં નોકરી નહીં કરી શકો.'
|
ગુજરાતના ભાજપના ધારાસભ્યે મહિલાને ફટકારી હતી
3 જૂને ગુજરાતમાં પણ આવો જ કિસ્સો બન્યો હતો. અમદાવાદમાં ભાજપના ધારાસભ્યનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં ભાજપના ધારાસભ્ય મહિલા સાથે મારપીટ કરતા દેખાઈ રહ્યા હતા. વીડિયોમાં મહિલાની દર્દભરી ચીસો સંભળાતી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થયો હતો. વીડિયો ક્લિપમાં NCP મહિલા સમર્થક પર હુમલો કરનાર ભાજપના ધારાસભ્ય બલરામ થવાણી હતા. આ વીડિયોમાં ભાજપના ધારાસભ્ય જે મહિલાને માર મારતા હતા, તે અમદાવાદના નરોડા વિસ્તારમાં પાણીની તંગીનો વિરોધ કરવામાં કથિત રીતે સામેલ હતી. જો કે બાદમાં વિવાદ વકરતા ધારાસભ્યએ મહિલાની માફી માગી વિવાદ સમાપ્ત થયો હોવાનું કહ્યું હતું.

ભાજપના ધારાસભ્ય ચેમ્પિયન પર પત્રકારો સાથે અભદ્ર વર્તનનો આરોપ
ઉત્તરાખંડમાં ભાજપના ધારાસભ્ય પ્રણયસિંહ ચેમ્પિયન પર દિલ્હીના ઉત્તરાખંડ સદનમાં પત્રકારો સાથે અભદ્ર વર્તન કરવાનો આરોપ લાગ્યો હતો. 14 જૂને સામે આવેલા આ કિસ્સા બાદ ભાજપની છબી ખરડાઈ હતી. જે બાદ ભાજપે ધારાસભ્ય પર પગલાં લેવાનો નિર્ણય કર્યો. ઉત્તરાખંડના ખાનપુરના ભાજપના ધારાસભ્ય કુંવર પ્રણવસિંહ ચેમ્પિયનને પાર્ટીમાંથી 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે. ચેમ્પિયન પર લેવાયેલા આ પગલાં પત્રકારો સાથે અભદ્ર વર્તન માટે લેવામાં આવ્યા ચે. સાથે જ તેમને શૉ કૉઝ નોટિસ પણ અપાઈ છે.