
રામ રહીમની પેરોલ અરજી પર કુમાર વિશ્વાસનો કટાક્ષ, ‘ખેતી નહિ કરે તો...'
બળાત્કાર અને હત્યાના કેસમાં સજા કાપી રહેલ ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમે પેરોલની અરજી આપી છે જેમાં તેણે ખેતીવાડી કરવાનો હવાલો આપ્યો છે. રામ રહીની મુક્તિ માટે હરિયાણા સરકારે પણ તેના 'સારા આચરણ'નો હવાલો આપ્યો છે. જ્યારે જેલ પ્રશાસને પણ રામ રહીમના પક્ષમાં પોતાનો રિપોર્ટ આપ્યો છે. વળી, રામ રહીમના પેરોલ મામલે વિવાદ વધી રહ્યો છે. કવિ ડૉ. કુમાર વિશ્વાસે રામ રહીમના પેરોલના બહાને નેતાઓ પર કટાક્ષ કર્યો છે.
આ પણ વાંચોઃ ઈરાકમાં ભગવાન રામ અને હનુમાનના 4200 વર્ષ જૂના ભીંતચિત્રો મળવાનો દાવો

રામ રહીમની અરજી પર કુમાર વિશ્વાસે કર્યો કટાક્ષ
કુમાર વિશ્વાસે ટ્વીટ કરીને કટાક્ષ કર્યો, ‘હત્યા-બળાત્કારના આરોપમાં ન્યાયાલય દ્વારા સિદ્ધ ગુનેગાર રામ-રહીમ ‘ખેતી' કરવા માટે સરકારી અનુમતિ મેળવીને જેલમાંથી બહાર આવવા ઈચ્છે છે. સાચી વાત છે, ચાર મહિના પછી ચૂંટણી છે તે ‘ખેતી' નહિ કરે તો નેતાઓ પાક કેવી રીતે કાપશે?' ગુરમીત રામ રહીમ અત્યાર સુધી જેલમાં 23 મહિનાની સજા કાપી ચૂક્યો છે. જેલ પ્રશાસને તેની પેરોલની અરજીને સિરસાના ડેપ્યુટી કમિશ્નર પાસે મોકલી દીધી છે.

હરિયાણા સરકારે પણ કરી છે મુક્તિની ભલામણ
થોડા દિવસો અગાઉ રામ રહીમના પેરોલ વિશે હરિયાણાના જેલ મંત્રી કૃષ્ણ પંવારે કહ્યુ હતુ કે રામ રહીમનું આચરણ સારુ રહ્યુ છે અને તેવો રિપોર્ટ એસપી જેલે આપ્યો છે. જેલ અધિકારીઓએ પોતાના રિપોર્ટમાં કહ્યુ કે રામ રહીમનું આચરણ સારુ રહ્યુ છે અને જેલમાં તેનો કોઈ સાથે વિવાદ થયો નથી. બે વર્ષ પહેલા પંચકુલા કોર્ટે રામ રહીમને બળાત્કાર કેસમાં સજા સંભળાવી હતી.
|
બળાત્કાર અને હત્યા કેસમાં સજા કાપી રહ્યો છે રામ રહીમ
બળાત્કારના દોષી હોવા ઉપરાંત રામ રહીમ પર એક પત્રકાર રામ ચંદર છત્રપતિની હત્યાનો આરોપ પણ લાગ્યો હતો. આ કેસમાં પણ અદાલતે રામ રહીમને દોષી ગણાવ્યો હતો. સીબીઆઈની વિશેષ અદાલતે રામ રહીમ સહિત ત્રણ આરોપીઓને આજીવન જેલની સજા સંભળાવી હતી. વળી, રામ રહીમની મુક્તિને હરિયાણામાં થનારી વિધાનસભા ચૂંટણી સાથે પણ જોડીને જોવાઈ રહ્યુ છે કારણકે રામ રહીમના અનુયાયી મોટી સંખ્યામાં છે. હવે રામ રહીના પેરોલ મામલે રાજકારણ ગરમાયુ છે.