
ડિવાઈન પબ્લિક સ્કૂલવેનની ટ્રેન સાથે ટક્કર, 12 બાળકોના મોત, મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યુ દુઃખ
એક દુઃખદ સમાચાર યુપીના કુશીનગરથી આવ્યા છે, જ્યાં એક મોટી દુર્ઘટના ઘટી છે. દુદહી રેલવે ક્રોસિંગ પર આજે સવારે સ્કૂલ વેનની ટ્રેન સાથે ટક્કર થઈ ગઈ. જેમાં 12 બાળકો અને એક ડ્રાઈવર સહિત 13 જણના મોત નિપજ્યા છે. ડઝનેક બાળકો ઘાયલ થયા છે જેમાં 7 બાળકોની હાલત અત્યંત ગંભીર છે.
મળતી માહિતી મુજબ, આજે સવારે ડિવાઈન પબ્લિક સ્કૂલની વેન બાળકોને લઈને જઈ રહી હતી ત્યારે વિશુનપુરાના દુદહી રેલવે ક્રોસિંગ પાસે થાવે-બઢની પેસેન્જર ટ્રેન સાથે તેની ટક્કર થઈ ગઈ. હાલમાં ઘટના સ્થળ પર સ્થાનિક લોકો સાથે વિશુનપુરાની પોલીસ બચાવકાર્યમાં જોડાઈ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જણાવાવામાં આવી રહ્યું છે કે બસમાં લગભગ 22 બાળકો હતા. દુદહી રેલેવે ક્રોસિંગ માનવરહિત ક્રોસિંગ છે જેના કારણે આ દુર્ઘટના ઘટી.
સીએમ યોગીએ વ્યક્ત કર્યુ દુઃખ
આ દુર્ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યુ છે, જેમાં તેમણે પ્રશાસનને બચાવકાર્યમાં જોડાઈ જવાનો નિર્દેશ આપ્યો છે. સીએમએ મૃતકો અને ઘાયલ બાળકોના પરિવારોને 2-2 લાખ રુપિયાની આર્થિક મદદની ઘોષણા કરી છે. વળી, ગોરખપુરના કમિશ્નરને આ દુર્ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા છે.