સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કાયદો લાગુ થતા લાખો લોકો બેરોજગાર થશે
મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ પર મોદી સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાની યોજના બનાવી હતી અને આખા દેશમાં તેને લાગુ કરવાની વાત કહી હતી. જો કે મોદી સરકારે હાલ તેના પર કડકાઈથી નિર્ણય લેવાને બદલે માત્ર જાગૃતતા અભિયાન ચલાવવાનું નક્કી કર્યુ છે. જેથી 2022 સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશને ખતમ કરી શકાય. આ સ્વચ્છ ભારતના ટ્વિટર હેંડલ દ્વારા સરકારે આ અંગે માહિતી આપી હતી.
મોદી સરકાર માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બેન લગાવવું શક્ય ન્હોતુ? એવું જરાય નથી. સરકારે આ યોજનાને એટલે લાગુ નહિં કરી કારણ કે તેને લાગુ કરવાથી લાખો લોકો બેરોજગાર થઈ જાત અને દેશમાં છવાયેલ આર્થિક સંક્ટ વધત.

લાખો લોકોની રોજગારી છીનવાઈ જાત
દેશ પહેલેથી મંદીની અસરમાં છે. ઓટો સેક્ટર હોય કે લધુ ઉદ્યોગ સહિત તમામ ક્ષેત્રોમાં મંદી છવાયેલી છે. કેન્દ્ર સરકાર ભલે આ મંદીના સંકટને નકારી રહી હોય પણ સરકાર પણ વાસ્તવિકતા જાણે છે. આવા સમયે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બેન લગાવી દેવાય તો લાખો લોકો બેરોજગાર બની જાય, તેમની રોજી-રોટી છીનવાઈ જાય. આંકડા અનુસાર સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બેન લાગે તો આશરે 10 હજાર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર યુનિટ્સ બંધ થઈ જાય. તેનાથી આ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં કામ કરતા ઓછામાં ઓછા 3-4 લાખ લોકોએ નોકરી ગુમાવવી પડે. દેશમાં આશરે 50 હજાર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ પ્લાન છે, જેમાંથી 90 ટકા એમએસએમઈ છે. જો સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગે તો તેની મોટી અસર એફએમસીજી, ઓટો અને ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્ડસ્ટ્રીઝ પર પડે. આજ કારણે મોદી સરકારે હાલ પ્રતિબંધ લગાવવાનું ટાળી જાગૃતતા અભિયાન ફેલાવવાનો નિર્ણય કર્યો છે.

આ છે સિંગલ યુઝ પ્લાસ્ટિક
સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે એ પ્લાસ્ટિક કે જેનો આપણે માત્ર એક વખત ઉપયોગ કરી ફેંકી દઈએ છીએ. જેમાં ડિસ્પોઝેબલ ગ્લાસ, પ્લેટ અને ચમચી, પાણીની બોટલ આવે છે. ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિક એ પણ છે જેનો ઉપયોગ પેકેજિંગમાં થાય છે. દુકાનમાંથી ખરીદાતું રિફાઈન્ડ ઓઈલ કે જે પ્લાસ્ટિક પાઉચ કે પ્લાસ્ટિકની બોટલમાં મળે છે તે ,શેમ્પુની બોટલ, દવાની બોટલ આ તમામ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે. મેગીનું પેકેટ, ચાનું પેકેટ, નમકીન પેકેટ, બિસ્કીટ, ચિપ્સ સહિતની અનેક રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરાય છે. કેટલાક લોકો પાણીની બોટલ એક કે બે વાર ઉપયોગમાં લે છે. જો કે ડિસ્પોઝેબલ તો દરેક લોકો ફેંકી જ દે છે. ત્યારે જરા વિચારો શું સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બેન લગાવી શકાય છે? અને જો બેન લાગી જાય તો આ વસ્તુઓ શેમાં મળશે?

આ સિંગલ યુઝ પ્લાસ્ટિક નહિં
સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઈ કેટલાક લોકો અસમંજસમાં પણ છે. પર્યાવરણ વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે જો કેરીબેગ 50 માઈક્રોનથી ઓછુ છે તો તે સિંગલ યુઝ પ્લાસ્ટિક કહેવાય. જો કે 50 માઈક્રોનથી વધુના કેરીબેગ લોકો ફેંકતા નથી. લોકો તેનો બેગ તરીકે ઉપયોગ કરે છે. એટલે કે તે સિંગલ યુઝ નથી. આ રીતે કોલ્ડ ડ્રિંકની બોટલો, ખાસ કરીને મોટી બોટલો લોકો ફેંકતા નથી, તેને ધોઈને ફરી ઉપયોગમાં લે છે. રિફાઈન્ડ ઓઈલના 3-5 લીટરના ડબ્બા, 1 કિલોના ડબ્બામાં પૈક થયેલ પ્રોડક્ટ જેમકે ચા વગેરેના ડબ્બા લોકો ફેંકતા નથી, પણ તેને ફરી ઉપયોગમાં લે છે. આ તમામ સિંગલ યુઝ પ્લાસ્ટિક નથી.

પ્લાસ્ટિકનો વિકલ્પ શું હોઈ શકે?
સરકારના આ નિર્ણય સામે પ્રશ્ન એ આવે કે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ બંધ થવાની સ્થિતિમાં તેનો વિકલ્પ શું હોઈ શકે. કેટલાક રાજ્યોએ પહેલા પણ આ દિશામાં પ્રયત્નો કર્યા છે, જો કે તેના પરિણામ ઉત્સાહજનક રહ્યા નથી. તેનું એક મોટુ કારણ કોર્પોરેટ દ્વારા પ્લાસ્ટિક પાઉચમાં સતત પેકિંગ ચાલુ રહેવું પણ છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત બનવામાં સૌથી મોટી અડચણ શેમ્પૂ, તેલ તથા રોજીંદા જીવનની વસ્તુઓનું પેકિંગ છે. અલગ અલગ રાજ્યોમાં સરકારોએ સમયે સમયે પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવા માટે પગલાં લીધા, જો કે આ અડચણને કારણે લીધેલા પગલાંનો યોગ્ય લાભ મળતો નથી. સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારતનું નિર્માણ કરવું છે તો સરકારે કડક પગલાં લેવા પડશે.

પહેલેથી જે નિયમો છે તે કડક કરાશે
મોદી સરકારની યોજના હતી કે ગાંધી જયંતી પર આખા દેશમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવી દેવાય. જોકે આ યોજનાના ભયાનક પરિણામો હોઈ શકે છે, જેનો સરકારને પહેલેથી ખ્યાલ આવી જતા હાલ આ યોજનાને આગળ વધારવામાં આવી નહિં. પ્રધાનમંત્રીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લાથી સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ અભિયાન ચલાવવાના સંકેત આપ્યા હતા. તેમણે લોકોને ઓછામાં ઓછો ઉપયોગ થાય તેવું જણાવ્યુ હતુ. તેમાં પૉલીથીન બેગનો ઉપયોગ જરાય ન કરવા કહ્યુ હતુ. તેના બદલે પેપર અને કાપડના પેકેટનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. હાલ સરકાર તેના ઉપયોગ પર પ્રતિબંધને બદલે જાગૃતતા અભિયાન ફેલાવશે. સાથે જ રાજ્યોને પણ આ અંગે કાર્યવાહી કરવાનું કહેશે. પર્યાવરણ વિભાગના અધિકારી ચંદ્ર કિશોર મિશ્રાએ મિડિયાને જણાવ્યુ કે હવે સરકાર પ્લાસ્ટિકને લઈ પહેલેથી જે નિયમો છે તેને કડકાઈથી લાગુ કરશે અને રાજ્યોમાં પણ પ્લાસ્ટિકને જમા કરવા, મેન્યુફેક્ચરિંગ અને સિંગલ યુઝ પ્લાસ્ટકથી બનેલી વસ્તુઓ જેવી કે પૉલીથીન બેગ અને સ્ટાઈરોફોન વગેરે પર કડક કાર્યવાહી કરશે.
આર્ટિકલ 370 હટ્યા બાદ દેશ કરતા વિદેશી ટૂરિસ્ટ કાશ્મીરમાં વધારે આવી રહ્યા છે