• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લાલ બહાદુર શાસ્ત્રી : જેમના એક અવાજે લાખો ભારતીયોએ એક ટંકનું ભોજન છોડી દીધું હતું

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

11 જાન્યુઆરી, 1966ના રોજ જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીનું તાશકંદમાં નિધન થયું ત્યારે તેમના ઘરે સૌપ્રથમ પહોંચનાર શખ્સ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. આ એક દુર્લભ ઘટના હતી.

વાત છે 26 સપ્ટેમ્બર, 1965ની. ભારત-પાકિસ્તાન યુદ્ધ ખતમ થયાને હજુ ચાર જ દિવસ થયા હતા. જ્યારે વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ દિલ્હીના રામલીલા મેદાનમાં હજારો લોકો સામે બોલવાનું શરૂ કર્યું ત્યારે તેઓ કંઈક વધારે જ સારા મૂડમાં હતા.

તાળીઓના ગડગડાટ વચ્ચે શાસ્ત્રીએ એલાન કર્યું, “સદર અયુબે કહ્યું હતું કે તેઓ દિલ્હી સુધી ચાલતાં ચાલતાં પહોંચી જશે. તેઓ આટલા મોટા માણસ છે. મેં વિચાર્યું કે તેમને દિલ્હી સુધી ચાલતા આવવાની તકલીફ કેમ આપવામાં આવે. અમે જ લાહોર સુધી જઈને તેમનું સ્વાગત કરીએ.”

આ એ જ શાસ્ત્રીજી હતા જેમના પાંચ ફૂટ બે ઇંચના કદન અને અવાજની અયૂબે એક વર્ષ પહેલાં મજાક ઉડાવી હતી.

પાકિસ્તાનના તત્કાલીન ફિલ્ડમાર્શલ અયૂબ ખાં સાથે શાસ્ત્રી.

અયુબ લોકોનું આકલન તેમના આચરણના સ્થાને તેમના દેખાવને આધારે કરતા હતા.

પાકિસ્તાનમાં ભારતના પૂર્વ ઉચ્ચાયુક્ત રહેલા શંકર બાજપાઈએ (જેમનું હાલમાં મૃત્યુ થયું છે.) મને જણાવ્યું હતું, “અયુબે એવું વિચારવાનું શરૂ કરી દીધું હતું કે ભારત કમજોર છે. તેઓ નહેરુના નિધન બાદ દિલ્હી જવા માગતા હતા પરંતુ તેમણે એવું વિચારીને પોતાની દિલ્હીની યાત્રા રદ કરી દીધી હતી કે હવે તેઓ કોનાથી વાત કરશે. શાસ્ત્રીએ કહ્યું આપ ન આવશો, અમે આવી જઈશું.”

“તેઓ જૂથનિરપેક્ષ સંમેલનમાં ભાગ લેવા માટે કાહિરા ગયેલા હતા. પાછા ફરતી વખતે તેઓ અમુક કલાક કરાચીમાં રોકાયા. જ્યારે શાસ્ત્રીને હવાઈમથક મૂકવા આવેલા અયૂબે પોતાના સાથીઓને ઇશારામાં કહ્યું કે તેમની સાથે વાત કરવાનો કોઈ લાભ નથી, એ ઘટનાનો હું પ્રત્યક્ષદર્શી છું.”


જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિનું આમંત્રણ ફગાવ્યું

શાસ્ત્રીને કાહિરા જતા પહેલાં અમેરિકાના રાજદૂત ચેસ્ટર બોલ્સે તેમને મળીને અમેરિકાના રાષ્ટ્રપતિ લિંડન જૉન્સનનું અમેરિકા આવવાનું આમંત્રણ તેમને આપ્યું હતું.

પરંતુ એ પહેલાં કે શાસ્ત્રી આ અંગે કોઈ નિર્ણય લઈ શક્યા હોત, જૉન્સને પોતાનું આમંત્રણ પાછું ખેંચી લીધું.

આવું ફીલ્ડ માર્શલ અયૂબનું અમેરિકા પર દબાણના કારણે બન્યું હતું. તેમનું કહેવું હતું કે જ્યારે તેઓ ભારત સાથે નવાં સમીકરણો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેવા સમયે અમેરિકાએ વચ્ચે ન આવવું જોઈએ. વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈયર લખે છે કે શાસ્ત્રીએ આ અપમાન માટે જૉન્સનને ક્યારેય માફ ન કર્યા.

થોડા મહિના બાદ તેઓ કૅનેડા જઈ રહ્યા હતા ત્યારે જૉન્સને તેમણે વચ્ચે વૉશિંગટનમાં રોકાવવાનું આમંત્રણ આપ્યું પરંતુ શાસ્ત્રીજીએ તેનો અસ્વીકાર કર્યો.


એક અવાજ પર લાખો ભારતીયોએ ત્યાગી દીધું એક સમયનું ભોજન

લાલ બહાદુર શાસ્ત્રીના દીકરા અનિલ શાસ્ત્રી યાદ કરે છે, “1965ના યુદ્ધ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ લિંડન જૉન્સને શાસ્ત્રીને ધમકરી આપી હતી કે જો તેમણે પાકિસ્તાન સાથેનું યુદ્ધ બંધ ન કર્યું તો અમે આપને પી. એલ. 480 અંતર્ગત જે લાલ ઘઉં મોકલીએ છીએ, તે અટકાવી દઈશું.”

તે સમયે ભારત ઘઉંઉત્પાદનમાં આત્મનિર્ભર નહોતું. શાસ્ત્રીને આ વાત ઘણી લાગી આવી, કારણ કે તેઓ ઘણા સ્વાભિમાની હતા.

તેમણે દેશવાસીઓને કહ્યું કે આપણે એક અઠવાડિયા સુધી એક ટંકનું ભોજન નહીં કરીએ. આવું કરવાથી અમેરિકાથી આવનાર ઘઉંની ખોટ પુરાઈ જશે.

અનિલ શાસ્ત્રી જણાવે છે કે, “પરંતુ આ અપીલ પહેલાં તેમણે મારી મા લલિતા શાસ્ત્રીને કહ્યું કે શું આપ એવું કરી શકો કે આજે સાંજે આપણે ત્યાં ભોજન ન બને. હું કાલે દેશવાસીઓને એક ટંકનું ભોજન ન કરવાની અપીલ કરવા જઈ રહ્યો છું.”

“હું જોવા માગું છું કે મારાં બાળકો ભૂખ્યાં રહી શકે છે કે નહીં. જ્યારે તેમણે જોયું કે અમે લોકો એક ટંકના ભોજન વગર રહી શકીએ છીએ ત્યારે તેમણે દેશવાસીઓને પણ આવું કરવાનું કહ્યું.”


જ્યારે અખબારોમાં લખીને ખર્ચ ચલાવ્યો

વર્ષ 1963માં કામરાજ યોજના હેઠળ શાસ્ત્રીને નહેરુ મંત્રિમંડળમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. તે સમયે તેઓ ભારતના ગૃહમંત્રી હતા. કુલદીપ નૈયર યાદ કરે છે, “એ સાંજે હું શાસ્ત્રીના ઘરે ગયો. આખા ઘરમાં ડ્રૉઇંગ રૂમને બાદ કરતાં અંધકાર છવાયેલો હતો. શાસ્ત્રી ત્યાં એકલા બેસીને અખબાર વાચી રહ્યા હતા. મેં તેમને પૂછ્યું કે બહારની લાઇટ કેમ ચાલુ નથી?”

“હવેથી મારે ઘરનું વીજળીબિલ મારા ખિસ્સામાંથી ચૂકાવવાનું રહેશે. તેથી હું દરેક સ્થળ લાઇટ ચલાવવાનું મને પરવડે એમ નથી.”

શાસ્ત્રીજીને સાંસદના પ્રતિમાસ 500 રૂપિયાના પગારમાં ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી.

નૈયર પોતાની આત્મકથામાં લખે છે. “મેં તેમને અખબારોમાં લખવા માટે રાજી કરી લીધા હતા. મેં તેમના માટે એક સિંડિકેટ સેવા શરૂ કરી જે કારણે તેમના લેખ ધ હિંદુ, અમૃતબાઝાર પત્રિકા, હિંદુસ્તાન ટાઇમ્સ અને ટાઇમ્સ ઑપ ઇન્ડિયામાં છપાવવા લાગ્યા. દરેક અખબાર તેમને એક લેખના 500 રૂપિયા ચૂકવતું.”

“આવી રીતે તેમની વધારાની 2000 રૂપિયાની આવક થવા લાગી. મને યાદ છે કે તેમણે પહેલો લેખ જવાહરલાલ નહેરુ અને બીજો લેખ લાલા લાજપત રાય પર લખ્યો હતો.”


જુનિયર ઑફિસરોને ચા પીરસનાર શાસ્ત્રી

શાસ્ત્રી સાથે કામ કરનારા તમામ ઑફિસરોનું કહેવું છે કે તેમનો વ્યવહાર અત્યંત વિનમ્ર હતો.

તેમના અંગત સચિવ રહેલા સી. પી. શ્રીવાસ્તવ તેમની જીવનકથા 'લાલ બહાદુર શાસ્ત્રી, અ લાઇફ ઑફ ટ્રૂથ ઇન પૉલિટિક્સ’માં લખે છે, “શાસ્ત્રીની આદત હતી કે તેઓ પોતાના હાથથી પૉટથી પ્યાલીમાં અમારા માટે ચા પીરસતા હતા. તેમનું કહેવું હતું કે તે તેમની રૂમ હતી, તેથી પ્યાલીમા ચા નાખવાનો હક તેમનો હતો.”

“ક્યારેક ક્યારેક તેઓ વાતો કરતાં કરતાં ખુરશીથી ઊભા થઈ જતા અને રૂમમાં ચાલતાં ચાલતાં અમારી સાથે વાત કરતા. ક્યારેક ક્યારેક રૂમમાં વધારે પ્રકાશની જરૂર નહોતી રહેતી. શાસ્ત્રી ઘણી વાર પોતે જઈને લાઇટ બંદ કરતા. સાર્વજનિક ધનની કોઈ પણ પ્રકારે બરબાદી થાય તે તેમને મંજૂર નહોતું.”


રશિયાના વડા પ્રધાને શાસ્ત્રીને ગણાવ્યા 'સુપર કૉમ્યુનિસ્ટ’

જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી તાશકંદ સંમેલનમાં ભાગ લેવા માટે રશિયા ગયા ત્યારે તેઓ પોતાનો ઊનનો ખાદી કોટ પહેરીને ગયા.

રશિયાના વડા પ્રધાન એલેક્સી કોસિગિનને તરત જ ખબર પડી ગઈ કે આ કોટથી તાશકંદની ઠંડીનો સામનો નહીં કરી શકાય. બીજા દિવસે તેમણે શાસ્ત્રીને એવું વિચારીને એક ઓવરકોટ ભેટ કર્યો કે તેઓ તાશકંદની ઠંડીમાં તે પહેરશે.

અનિલ શાસ્ત્રી જણાવે છે કે બીજા દિવસે કોસિગિને જોયું કે શાસ્ત્રીના શરીર પર એ જ જૂનો ખાદીનો કોટ હતો. તેમણે ખચકાતાં ખચકાતાં પૂછ્યું કે શું આપને તે કોટ ન ગમ્યો?

શાસ્ત્રીએ જવાબ આપ્યો કે એ કોટ ખરેખર ઘણો ગરમ છે પરંતુ મેં તે મારા દળના એક સભ્યને અમુક દિવસ સુધી પહેરવા માટે આપી દીધો છે. કારણ કે તેઓ આ ઋતુમાં પહેરવા માટે પોતાના માટે કોટ નથી લાવ્યા.

કોસિગિને ભારતીય વડા પ્રધાન અને પાકિસ્તાની રાષ્ટ્રપતિના સન્માનમાં આયોજિત કરાયેલા એક સાંસ્કૃતિક સમારોહમાં આ ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અમે લોકો તો કૉમ્યુનિસ્ટ છીએ પરંતુ વડા પ્રધાન શાસ્ત્રી 'સુપર કૉમ્યુનિસ્ટ’ છે.


સરકારી કારનું ભાડું ભરવાનો કિસ્સો

લાલ બહાદુર શાસ્ત્રીના બીજા પુત્ર સુનીલ શાસ્ત્રી પણ તેમની સાથે જોડાયેલી એક ઘટના જણાવે છે.

તેઓ યાદ કરે છે, “જ્યારે શાસ્ત્રી વડા પ્રધાન બન્યા ત્યારે તેમને ઉપયોગ માટે એક સરકારી શેવરોલે ઇંપાલા કાર આપવામાં આવી. એક દિવસ મેં બાપુજીના અંગત સચિવને કહ્યું કે તેઓ ડ્રાઇવરને ઇંપાલા સાથે ઘરે મોકલી દે. અમે ડ્રાઇવર પાસેથી કારની ચાવી લીધી અને મિત્રો સાથે ડ્રાઇવ પર નીકળી ગયા.”

“મોડી રાત્રે જ્યારે અમે ઘરે પાછા ફર્યા ત્યારે અમે કાર ગેટ પર મૂકી દીધી અને ઘરના પાછળના ભાગથી કિચનના રસ્તા મારફતે ઘરમાં પ્રવેશ્યા. હું જઈને મારી રૂમમાં સૂઈ ગયો. બીજા દિવસે સવારે સાડા છ વાગ્યે મારી રૂમના દરવાજા પર દસ્તક થઈ. મને લાગ્યું કે કોઈ નોકર દરવાજો ખખડાવી રહ્યો છે. મેં બૂમ પાડીને કહ્યું કે હું રાત્રે મોડેથી સૂતો છું તેથી મને હેરાન ન કરો.”

“ફરી વખત દરવાજો ખખડ્યો અને મેં જોયું ત્યારે દરવાજા પર બાપુજી ઊભા હતા. તેમણે મને મેઝ સુધી આવવા માટે કહ્યું, જ્યાં બધા લોકો ચા પી રહ્યા હતા. ત્યાં માએ મને પૂછ્યું કે તું કાલે રાત્રે ક્યાં ગયો હતો અને આટલા મોડેથી કેમ ઘરે પરત ફર્યો? બાપુજીએ પૂછ્યું કે તું કેવી રીતે ગયો હતો? જ્યારે હું પાછો ફર્યો ત્યારે અમારી ફિએટ કાર તો ઝાડ નીચે ઊભી હતી.”

“મારે સત્ય જણાવવું પડ્યું કે અમે તેમની સરકારી ઇંપાલા કાર લઈને ફરવા નીકળ્યા હતા. બાપુજી આ કારનો ઉપયોગ ત્યારે જ કરતા હતા જ્યારે કોઈ વિદેશી મહેમાન દિલ્હી આવતા. ચા પીધા બાદ તેમણે મને કારના ડ્રાઇવરને બોલાવવા જણાવ્યું. તેમણે તેને પૂછ્યું કે શું આપ પોતાની કારમાં કોઈ લૉગ બુક રાખો છો? જ્યારે તેણે હામાં જવાબ આપ્યો ત્યારે તેમણે પૂછ્યું કે કાલે ઇંપાલા કાર કુલ કેટલા કિલોમિટર ચાલી છે?”

“જ્યારે ડ્રાઇવરે કહ્યું કે 14 કિલોમિટર તો તેમણે કહ્યું કે તેને અંગત ઉપયોગ તરીકે નોંધવામાં આવે અને માને કહ્યું કે પ્રતિ કિલોમિટરના હિસાબથી 14 કિલોમિટર માટે જેટલા પૈસા થતા હોય, તે તેમના અંગત સચિવને આપી દે જેથી તેને સરકારી ખાતામાં જમા કરાવી શકાય. ત્યારથી લઈને આજ સુધી મેં અને મારા ભાઈએ ક્યારેય અંગત કામ માટે સરકારી કારનો ઉપયોગ નથી કર્યો.”


બિહારના લોકોને લેવા માટે બસસ્ટૉપ પહોંચ્યા

એક વાર વડા પ્રધાન શાસ્ત્રીએ બિહારના કેટલાક લોકોને પોતાના ઘરે મળવાનો સમય ફાળવ્યો.

એ જ દિવસે અનાયાસે એક વિદેશી મહેમાનના સન્માનમાં એક સમારોહનું આયોજન કરાયું જ્યાં શાસ્ત્રીજીનું પહોંચવું અત્યંત જરૂરી હતું.

ત્યાંથી પાછા ફરવામાં તેમને મોડું થઈ ગયું. ત્યાં સુધી તેમને મળવા આવેલા લોકો નિરાશ થઈને પાછા ફરી ચૂક્યા હતા.

અનિલ શાસ્ત્રી જણાવે છે કે, “જ્યારે શાસ્ત્રીજીને ખબર પડી કે લોકો ઘણી રાહ જોયા પછી અત્યારે જ નીકળ્યા છે ત્યારે તેમણે પોતાના સચિવને પૂછ્યું કે શું તેમને ખબર છે કે તેઓ ક્યાં ગયા હશે? તેમણે જણાવ્યું કે વડા પ્રધાન આવાસની બહાર બસ સ્ટૉપથી ક્યાંક જવાની વાત કરી રહ્યા હતા.”

“શાસ્ત્રીજી તરત પોતાના આવાસથી નીકળીને બસ સ્ટૉપ પર પહોંચી ગયા. તેમના સચિવ કહેતા જ રહી ગયા કે જ્યારે લોકોને ખબર પડશે તો તેઓ શું કહેશે? શાસ્ત્રીજીએ જવાબ આપ્યો, અને તેઓ ત્યારે શું કહેશે જ્યારે તેમને ખબર પડશે કે હું લોકોને આમંત્રિત કર્યા બાદ તેમને ન મળ્યો.”

“સચિવે કહ્યું કે હું તેમને લેવા જતો રહું છું પરંતુ શાસ્ત્રીજીએ કહ્યું કે ના હું તેમને લેવા માટે જાત જઈશ અને આ ભૂલ માટે માફી માગીશ. જ્યારે તેઓ બસ સ્ટૉપ પહોંચ્યા ત્યારે તે લોકો બસની રાહ જોઈ રહ્યા હતા. શાસ્ત્રીજીએ તેમની માફી માગી અને તેમને સાથે ઘરે લઈ આવ્યા.”


પાકિસ્તાની રાષ્ટ્રપતિ અને સોવિયેતના વડા પ્રધાને આપી કાંધ

11 જાન્યુઆરી, 1966ના રોજ જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીનું તાશકંદમાં નિધન થયું ત્યારે તેમના ડાચા (ઘર) સૌપ્રથમ પહોંચનાર શખ્સ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા.

તેમણે શાસ્ત્રીના પાર્થિવ શરીરને જોઈને કહ્યું હતું, “હિયર લાઇઝ અ પર્સન હૂ કુડ હૅવ બ્રૉટ ઇંડિયા ઍન્ડ પાકિસ્તાન ટુગેધર (અહીં એક એવો માણસ આડો પડ્યો છે જે ભારત અને પાકિસ્તાનને એકસાથે લાવી શક્યો હોત.)”

જ્યારે શાસ્ત્રીના શબને દિલ્હી લાવવા માટે તાશકંદ હવાઈમથક પર લઈ જવામાં આવ્યું ત્યારે રસ્તામાં સોવિયેત, ભારતીય અને પાકિસ્તાની ધ્વજ ઝૂકેલા હતા.

જ્યારે શાસ્ત્રીના તાબૂતને વહાનમાંથી ઉતારીનને વિમાન પર મૂકવામાં આવી રહ્યું હતું ત્યારે તેમને કાંધ આપનારામાં સોવિયેત વડા પ્રધાન કોસિગિનની સાથે થોડા દિવસ પહેલાં શાસ્ત્રીની મજાક ઉડાવવાવાળા રાષ્ટ્રપતિ અયૂબ ખાં પણ હતા.

શાસ્ત્રીની જીવનકથા લખનાર સી. પી. શ્રીવાસ્તવ લખે છે, “માનવઇતિહાસમાં એવાં ઘણાં ઓછાં ઉદાહરણો છે જ્યારે એક દિવસ પહેલાં એકબીજાના પાકા દુશ્મન કહેવાતા પ્રતિસ્પર્ધી ન માત્ર એકબીજાના મિત્ર બની ગયા, બલકે બીજાના મૃત્ય પર પોતાનું દુ:ખ વ્યક્ત કરતા તેના તાબૂતને કાંધ આપી રહ્યા હતા.”

“શાસ્ત્રીના મૃત્યુ સમયે તેમના જીવનની કિતાબ એકદમ સાફ હતી. ન તેઓ પૈસા મૂકીને ગયા હતા, ના કોઈ ઘર કે જમીન.”https://youtu.be/R6rSTgtS-Os

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Lal Bahadur Shastri: In whose voice millions of Indians gave up a one time meal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X