
ભારતની 'સ્વર કોકિલા' લતા મંગેશકરનુ નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
મુંબઈઃ ભારતની સ્વર કોકિલા લતા મંગેશકરનુ નિધન થઈ ગયુ છે. તેઓ 92 વર્ષના હતા. શનિવારે બપોરે તેમને ફરીથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા જ્યાં તમની હાલત ગંભીર હોવાનુ જણાવવામાં આવ્યુ હતુ. લતા દીદીના પેડર રોડ પર આવેલા ઘર પ્રભુ કુંજ અને બ્રીચ કેન્ડી હોસ્પિટલ બંને જગ્યાએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. શનિવાર રાતથી જ બ્રીચ કેન્ડી હોસ્પિટલની બહાર મીડિયા પહોંચી ગયુ છે.
ભારતના સૂર સામ્રાજ્ઞી લતા મંગશકર કોરોના સામે આજે હારી ગયા છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તમને જણાવી દઈએ કે 8 જાન્યુઆરીએ તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો અને પછી તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતા દીદીને કોરોનાની સાથે ન્યૂમોનિયા પણ હતો. તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. ડૉ. પ્રતીત સમધાનીની દેખરેખમાં ડૉક્ટર્સની ટીમ તેમની સારવાર કરી રહ્યા હતા.
સ્વર કોકિલા, દીદી તથા તાઈ જેવા હુલામણા નામોથી લતા મંગશકર લોકપ્રિય હતા. લતા દીદીના નિધનથી દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. લોકો તેમના સાજા થવાની દુઆ કરી રહ્યા હતા પરંતુ આજે તેમના નિધનના સમાચારથી દેશના કરોડો લોકો શોકમગ્ન થઈ ગયા છે. 92 વર્ષીય લતાજીએ 36 ભાષામાં 50 હજારથી વધુ ગીતો ગાયા હતા. એક હજારથી વધુ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો હતો. છેલ્લી વાર તેમણે 2015માં આવેલી ફિલ્મ 'ડોન્નો વાય'માં ગાયુ હતુ.