For Quick Alerts
For Daily Alerts
આસારામની તુલના ગુરુનાનક સાથેઃ ભડક્યા શીખ
નવી દિલ્હી, 26 ઑગસ્ટઃ સગીરા સાથે બળાત્કારના આરોપમાં ફસાયેલા આસારામ બાપુની મુશ્કેલીઓ સતત વધી રહી છે. રવિવારે ઇન્દોરમાં આસારામ બાપુના આશ્રમની બહાર તેમના પોસ્ટર પર કાળી શાહી લગાવવામાં આવી અને તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, બીજી તરફ જોધપુર પોલીસે તેમને નોટિસ જારી કરતા ચાર દિવસની અંદર તેમને હાજર થવાના નિર્દેશ આપ્યા છે.
આસારામના પ્રવક્તા નીલમે આસારામની તુલના ગુરુનાનક દેવજી સાથે કરી દીધી હતી. ત્યારબાદ શીખ સમુદાયના લોકોનો ગુસ્સો ભડકી ગયો અને ગુસ્સે ભરાયેલા લોકોએ આસારામના પોસ્ટર પર કાળી શાહી લગાવી દીધી હતી. ઇંન્દોરમાં આસારામમાં આશ્રમ બહાર જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. બીજી તરફ જોધપુર પોલીસ દ્વારા નોટીસ જારી કરવામાં આવી અને આશ્રમના વોર્ડન અને બાળકોની પૂછપરછ કરી હતી. પીડિત સગીરાના ભાઇનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે.
બીજી તરફ વિવાદોમાં આવેલા આસારામ બાપુએ ઇન્દોરમાં મીડિયા પર જોરદાર પ્રહારો કર્યા હતા, આસારામે કહ્યું કે, મીડિયાના કારણે અનેક વાતો ખોટી રીતે સમાજની સામે આવે છે. આસારામે પોતાના પર લગાવવામાં આવેલા આરોપોને પાયા વિહોણા ગણાવતા કહ્યું કે, પીડિત સગીરા મારી પૌત્રી સમાન છે. મારા જેવા વ્યક્તિ પર આરોપ લાગી શકે છે તો સમાજના એવા ઘણા લોકો હશે કે જેમની વિરુદ્ધ ખોટા કેસ ચાલતા હશે.