વિપક્ષનું નેતૃત્વ કરવું એ કોઈ દૈવિય અધિકાર નથી-પ્રશાંત કિશોર
નવી દિલ્હી, 2 ડિસેમ્બર : ટીએમસીના વડા મમતા બેનર્જીએ કોંગ્રેસ વિના વિપક્ષી એકતા તરફ ઈશારો કર્યા બાદ ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે હવે વિપક્ષનું નેતૃત્વ કરવા અંગે નિવેદન આપ્યું છે. પ્રશાંત કિશોરે કહ્યું કે વિપક્ષનું નેતૃત્વ લોકતાંત્રિક પ્રક્રિયા દ્વારા ચૂંટવું જોઈએ. રાહુલ ગાંધીનું નામ લીધા વિના કટાક્ષ કરતા તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસનું નેતૃત્વ એ કોઈ વ્યક્તિનો દૈવી અધિકાર નથી.
પ્રશાંત કિશોરે ટ્વિટર પર લખ્યું કે, કોંગ્રેસ જે વિચાર અને જગ્યાનું પ્રતિનિધિત્વ કરે છે તે મજબૂત વિપક્ષ માટે મહત્વપૂર્ણ છે. પરંતુ કોંગ્રેસનું નેતૃત્વ એ કોઈ વ્યક્તિનો દૈવી અધિકાર નથી. ખાસ કરીને જ્યારે પાર્ટી છેલ્લા 10 વર્ષમાં 90%થી વધુ ચૂંટણી હારી ગઈ હોય. વિપક્ષી નેતૃત્વને લોકતાંત્રિક રીતે નિર્ણય લેવા દો.
પ્રશાંત કિશોરની ટિપ્પણી પર કોંગ્રેસના નેતાઓએ તીખી પ્રતિક્રિયા આપી છે. પક્ષના પ્રવક્તા પવન ખેડાએ ટ્વિટર પર કહ્યું કે, અહીં જેની ચર્ચા કરવામાં આવી રહી છે તે ભારતીય લોકશાહીને આરએસએસથી લડવા અને બચાવવાની પોતાની ઈશ્વરીય ફરજ બજાવી રહ્યા છે. ખેડાએ કહ્યું કે, વૈચારિક પ્રતિબદ્ધતા વિના એક વ્યાવસાયિક, પક્ષો/વ્યક્તિઓને ચૂંટણી લડવા વિશે સલાહ આપવા માટે સ્વતંત્ર છે, પરંતુ તે આપણા રાજકારણનો એજન્ડા સેટ કરી શકે નહીં.
TMCના વડા મમતા બેનર્જી મુંબઈમાં NCPના વડા શરદ પવારને મળ્યાના એક દિવસ બાદ પ્રશાંત કિશોરની ટિપ્પણી આવી છે. આ દરમિયાન મમતા બેનર્જીએ 2024ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે પ્રાદેશિક પક્ષો ગઠબંધન કરે તેવી શક્યતાનો સંકેત આપ્યો હતો. જો કે તેમણે કહ્યું કે ગઠબંધન કોંગ્રેસની આગેવાની હેઠળના સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) ની તર્જ પર રહેશે નહીં. બેનર્જીએ મુંબઈમાં કહ્યું હતું કે, જો તમામ પ્રાદેશિક પક્ષો સાથે હોય તો ભાજપને હરાવવું ખૂબ જ સરળ છે. તેમણે ઉમેર્યું કે, તમે મોટાભાગે વિદેશમાં રહી શકો નહી, રાજકારણ માટે સતત પ્રયત્નોની જરૂર પડે છે.
મમતા બેનર્જી રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમને વિદેશ પ્રવાસો માટે વિપક્ષ દ્વારા વારંવાર નિશાન બનાવવામાં આવ્યા છે. બે મહિના પહેલા પ્રશાંત કિશોરની રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ સાથે વાતચીતના અહેવાલો સપાટી પર આવ્યા હતા, જે અફવા આવી હતી કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જો કે લખીમપુર ખેરી ઘટના બાદ કોંગ્રેસના નેતાઓની જાહેરમાં ટીકા બાદ બંને વચ્ચે અણબનાવના સંકેતો દેખાવા લાગ્યા હતા.