બાબરી ધ્વંસ પર ચુકાદો આવ્યા બાદ એલકે અડવાણીએ રામ જન્મભૂમિ આંદોલન પર શું કહ્યુ
નવી દિલ્લીઃ ભારતીય જનતા પાર્ટીના વૃદ્ધ નેતા અને પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ 1992ના બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં સ્પેશિયલ કોર્ટના ચુકાદાનુ દિલથી સ્વાગત કર્યુ છે. તેમણે કહ્યુ કે લખનઉની સીબીઆઈ સ્પેશિયલ કોર્ટનો ચુકાદો રામજન્મભૂમિ આંદોલન માટે તેમની વ્યક્તિગત અને ભાજપની આસ્થા અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અયોધ્યામાં 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદ પાડી દેવામાં આવી હતી અને એ દિવસે દાખલ થયેલી બે એફઆઈઆરમાં પહેલુ મોટુ નામ લાલકૃષ્ણ અડવાણીનુ હતુ.
ભાજપના વરિષ્ઠ નેતા અને પાર્ટીના માર્ગદર્શક મંડળના સભ્ય લાલકૃષ્ણ અડવાણીએ અયોધ્યાની બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં આજે આવેલા સીબીઆઈના વિશેષ અદાલતના ચુકાદા પર અત્યાધિક ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ છે, 'બાબરી વિધ્વંસ કેસમાં સ્પેશિયલ કોર્ટના ચુકાદાનુ પૂરા હ્રદયથી સ્વાગત કરુ છુ. આ ચુકાદો મારા વ્યક્તિગત અને ભાજપની રામ જન્મભૂમિ આંદોલન પ્રત્યે આસ્થા અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે.'
ઉલ્લેખનીય છે કે સ્પેશિયલ કોર્ટના જજ સુરેન્દ્રકુમાર યાદવે આજે સંભળાવેલ 28 વર્ષ જૂના આ કેસમાં અડવાણી સહિત બધા 32 જીવિત આરોપીઓને મુક્ત કરી દીધા છે. અડવાણી સહિત બાકી વરિષ્ઠ નેતાઓ પર મસ્જિદ વિધ્વંસ દરમિયાન લગભગ 200 મીટર દૂર રામકથા પાર્ક સ્થિત મંચથી ભડકાઉ ભાષણ આપવાનો આરોપ હતો. બાદમાં તેમના ઉપરાંત બાકી નેતાઓ પર સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર ગુનાહિત ષડયંત્રની પણ કલમ લગાવવામાં આવી હતી. પરંતુ છેવટે સીબીઆઈની વિશેષ અદાલતે ચુકાદો આપ્યો કે મસ્જિદ પાડવાની ઘટના પૂર્વનિયોજિત નહોતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં એલકે અડવાણીને એક વાર રાયબરેલી કોર્ટેપણ પૂરતા પુરાવાના અભાવે મુક્ત કરી દીધા હતા. પરંતુ 2005માં ઈલાહાબાદ હાઈકોર્ટે રાયબરેલી કોર્ટના ચુકાદાને પલટી દીધો હતો અને આદેશ આપ્યો હતો કે અડવાણી અને અન્ય સામે કેસ ચાલતા રહેશે.
આરોપ મુક્ત થયા બાદ મુરલી મનોહર જોશીએ કહ્યુ - કોઈ ષડયંત્રનો હિસ્સો નહોતી અમારી રેલીઓ