પ્રદૂષણને રોકવા માટે NCRમાં લોકડાઉન લગાવવામાં આવે, SCમાં દિલ્હી સરકાર!
નવી દિલ્હી, 15 નવેમ્બર : દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવતા કહ્યું કે તમે આ પ્રદૂષણ માટે મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર ઠેરવી રહ્યા છો. આવા પાંગળા બહાના ન આપો. જો તમે આવું બહાનું આપશો તો અમને તમારી કમાણીનું ઓડિટ કરીને લોકપ્રિયતાના નારાઓ પાછળ ખર્ચવાની ફરજ પાડવા મજબુર થવુ પડશે. બીજી તરફ દિલ્હી સરકારે દલીલમાં કહ્યું કે તે વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉન માટે તૈયાર છે. દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટને સૂચન કર્યું કે જો પડોશી રાજ્યોના NCR પ્રદેશોમાં પણ લોકડાઉન લાગે તો આ પ્રયાસ સાર્થક થશે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે દિલ્હી અને ઉત્તરીય રાજ્યોમાં હાલમાં પરાળી સળગાવવી એ પ્રદૂષણનું મુખ્ય કારણ નથી, તેનો પ્રદૂષણમાં માત્ર 10 ટકા હિસ્સો છે. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં વધતા પ્રદૂષણ માટે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ પડોશી રાજ્યોમાં પરાળી સળગાવવાનો આરોપ લગાવી રહ્યા છે. દિલ્હી સરકારનું કહેવું છે કે પરાળીના કારણે દિલ્હીમાં દર વર્ષે પ્રદૂષણ વધે છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ મુદ્દે કામ કરવા મંગળવારે (16 નવેમ્બર) ઇમરજન્સી બેઠક બોલાવવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ બેઠકમાં બાંધકામ, બિનજરૂરી પરિવહન, પાવર પ્લાન્ટ બંધ કરવા અને ઘરેથી કામ કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી 17 નવેમ્બર પર મુલતવી રાખી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને એનસીઆર ક્ષેત્રના રાજ્યોને આ દરમિયાન કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવાનું વિચારવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા મંગળવારે યોજાનારી ઈમરજન્સી બેઠકમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણાના મુખ્ય સચિવોને પણ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાય આજે દિલ્હી મેટ્રો અને ડીટીસી (દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન)ના અધિકારીઓ સાથે બેઠક કરશે. પ્રદૂષણની કટોકટીને ધ્યાનમાં રાખીને પબ્લિક ટ્રાન્સપોર્ટને મજબૂત કરવા અને મેટ્રો અને ડીટીસીની ટ્રીપોની સંખ્યા વધારવા પર ચર્ચા કરવામાં આવશે.