રાહુલ ગાંધી-સંજય રાઉત વચ્ચે લાંબી મુલાકાત, કોંગ્રેસ વિના વિપક્ષનો મોરચો શક્ય નથી-સંજય રાઉત
નવી દિલ્હી, 07 ડિસેમ્બર : રાજ્યસભાના સાંસદ અને શિવસેનાના નેતા સંજય રાઉતે મંગળવારે દિલ્હીમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી અને સંજય રાઉત વચ્ચે મુલાકાત લાંબી ચાલી હતી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું કે રાહુલ ગાંધી સાથે રાજનીતિ પર લાંબી ચર્ચા થઈ. વિપક્ષને કેવી રીતે એકજુટ રાખી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને જો વિપક્ષનો એક મોરચો બને તો તે કોંગ્રેસ વિના શક્ય નથી.
સંજય રાઉતે મીટિંગ બાદ મીડિયાને કહ્યું કે, રાહુલ ગાંધી સાથે લાંબી વાતચીત થઈ છે, જે વાતચીત થઈ છે તે રાજકીય છે. બધુ બરાબર છે પરંતુ જે પણ ચર્ચા થશે તે પહેલા પક્ષના વડા ઉદ્ધવ ઠાકરેજીને જણાવાશે. તે પછી જ મીડિયાને કંઈક કહી શકાશે, શિવસેનાનું માનવું છે કે એકજૂટ વિપક્ષ હોવો જોઈએ તે જરૂરી છે. કોંગ્રેસ વગર બીજેપી સામે કોઈ ગઠબંધન ચાલી શકે નહીં.
તેમણે કહ્યું કે જો આવું ગઠબંધન થશે તો કોંગ્રેસ સાથે પણ ગઠબંધન થશે. તેનાથી ભાજપને જ ફાયદો થશે. સંજય રાઉતે કહ્યું કે અમે રાહુલ ગાંધી સાથે લાંબી વાતચીત કરી, જે વાતચીત થઈ છે તેનો સંદેશ છે કે બધુ બરાબર છે. સૌથી પહેલા હું મારા પક્ષના વડાને કહીશ કે મેં રાહુલ ગાંધી સાથે શું વાત કરી છે. હું ઉદ્ધવજીને કહીશ, હું આદિત્યજીને કહીશ. પછી હું તમને કહીશ.
સંજય રાઉતે કહ્યું કે આવનારી ચૂંટણી અંગે પણ ચર્ચા થઈ છે. વાત રાષ્ટ્રીય રાજનીતિની થઈ રહી છે. શરદ પવારજી જેવા વરિષ્ઠ નેતાઓ ટીએમસી અને કોંગ્રેસને સાથે લાવવા માટે પૂરતા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી સાથેની મુલાકાત દરમિયાન મમતા બેનર્જીએ વિપક્ષ પર શું કહ્યું તેની પણ ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી મુંબઈ આવવાના છે. આનો નિર્ણય એક કાર્યક્રમમાં (27-28 ડિસેમ્બરે) કરવામાં આવી રહ્યો છે. તે દરમિયાન જો ઉદ્ધવ ઠાકરે કામ પર પાછા ફરે છે તો મુલાકાત થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે મમતા બેનર્જી આજકાલ કોંગ્રેસ વિરૂદ્ધ ઉગ્ર નિવેદનો કરી રહ્યાં છે. જેને લઈને રાજનીતિ ગરમાઈ છે.