લાઉડસ્પીકર વિવાદઃ AAPએ કહ્યુ લોકોની આસ્થા સાથે રમી રહ્યુ છે ભાજપ, જણાવી પોતાની રણનીતિ
નવી દિલ્લીઃ આમ આદમી પાર્ટીએ મંગળવારે કહ્યુ છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં ધાર્મિક સ્થળો પરથી લાઉડ સ્પીકર હટાવવાની કોઈ પણ કોશિશનો એ વિરોધ કરશે. પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી પર લોકોની આસ્થા સાથે રમવાનો પણ આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ કહ્યુ છે કે આખા દેશમાં ધાર્મિક કાર્યક્રમોમાં લાઉડસ્પીકર વગાડાય છે. તેમણે રામલીલા, હનુમાન ચાલીસા અને સુંદર કાંડના પાઠોનુ પણ ઉદાહરણ આપ્યુ. વાસ્તવમાં, પ્રદેશ ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ધાર્મિક સ્થળો અને બીજી જગ્યાએથી લાઉડસ્પીકર હટાવવા માટે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક પત્ર લખ્યો છે જેના પર આમ આદમી પાર્ટીએ પ્રતિક્રિયા આપી છે.

લાઉડસ્પીકર હટાવવાનો વિરોધ કરશે એએપી - આતિશી
આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ મંગળવારે પત્રકારો તરફથી એ પૂછવા પર કે શું તેમની પાર્ટી દિલ્લીમાં ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકર હટાવવાની કોશિશનો વિરોધ કરશે, તો તેમણે કહ્યુ કે, 'અમે ચોક્કસપણે આનો વિરોધ કરીશુ.' તેમણે કહ્યુ, 'રામલીલા હોય કે સુંદર કાંડનો પાઠ, આની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. હું પૂછવા માંગુ છુ કે લોકોની ધાર્મિક ભાવનાઓ સાથે તેમને શું વાંધો છે.' દિલ્લી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તા તરફથી રાજધાનીના ધર્મ સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવાની માંગ પર હુમલો કરીને આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યુ કે, 'હવે તમે અમને કહેશો કે અમે જાગરણનુ આયોજન નહિ કરીએ, કે અમે સુંદરકાંડના પાઠ નહી કરી શકીએ, કે હનુમાન ચાલીસા નહી વાંચી શકીએ.'

દિલ્લી ભાજપ અધ્યક્ષે લખ્યો છે સીએમ કેજરીવાલને પત્ર
વાસ્તવમાં, દિલ્લી ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ સોમવારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખીને ધાર્મિક અને બીજા સ્થળો પરથી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અને બીજા રાજ્યો તરફથી આ અંગે કરવામાં આવેલી કાર્યવાહી મુજબ લાઉડસ્પીકર હટાવવાની માંગ કરી છે. આદેશ ગુપ્તા પહેલા ભાજપ સાંસદ પરવેશ સાહિબ વર્માએ પણ આ પ્રકારનો અનુરોધ લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ અને દિલ્લીના ત્રણે નગર નિગમોના કમિશનરોને પણ કર્યો છે.

AAPએ ભાજપ પર લગાવ્યો ગુંડાગિરીનો આરોપ
દિલ્લીની સત્તાધારી પાર્ટીના નેતાએ આદેશ ગુપ્તા પર આ બાબતે રાજનીતિ કરવાનો આરોપ લગાવીને કહ્યુ કે ધર્મ સ્થળો અને બીજી જગ્યાઓ પર લાઉડસ્પીકરના ઉપયોગ સાથે જોડાયેલ સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવાની જવાબદારી હવે દિલ્લી પોલિસની છે તો તેમણે મુખ્યમંત્રીને પત્ર કેમ લખ્યો. તેમણે કહ્યુ કે દિલ્લી પોલિસ તો કેન્દ્રની ભાજપ સરકાર હેઠળ છે. તેમણે આરોપ લગાવ્યો કે, 'મને લાગે છે કે આદેશ ગુપ્તાએ હવે પોતાનુ મન બનાવી લીધુ છે કે તે આ શહેરના લોકોની આસ્થા સાથે રમશે અને તેમની સાથે ગુંડાગિરી કરશે.' રામલીલા આખા દેશમાં દશેરા વખતે આયોજિત કરવામાં આવે છે જેમાં ભગવાન રામના જીવન સાથે જોડાયેલી કથાનુ મંચન થાય છે. હનુમાન ચાલીસાના પાઠ બજરંગબલીની પ્રાર્થના રૂપે કરવામાં આવે છે. વળી, સુંદર કાંડ પવિત્ર મહાકાવ્ય રામાયણનો એક ભાગ છે જેમાં ભગવાન હનુમાનજી સાથે જોડાયેલી રોમાંચક ઘટનાઓનુ વિવરણ છે જેમાં તેમની અદ્ભૂત શક્તિ અને પ્રભુ રામ પ્રત્યે તેમના સમર્પણનો ભાવ પ્રગટ કરવામાં આવ્યો છે.