મહારાષ્ટ્ર: થાણેમાં ભુસ્ખલન પછી એક મકાન ધરાશાયી, 5 લોકોના મોત
સતત વરસાદને પગલે થાણેના કલાવા વિસ્તારમાં ભૂસ્ખલન સર્જાયું હતું, ઝૂંપડપટ્ટીમાં ચાર મકાનોને નુકસાન પહોંચ્યું હતું, એક જ પરિવારના પાંચ સભ્યોનાં મોત નીપજ્યાં હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ત્રણ સગીર સહિત પરિવારના પાંચ સભ્યોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય બે લોકોને બચાવવામાં આવ્યા છે.
આ ઘટના વિશે માહિતી આપતાં થાણે મહાનગરપાલિકાના પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના પ્રમુખ સંતોષ કદમે જણાવ્યું હતું કે, આ ઘટના ઘોલાઈ નગરમાં બની હતી, જેમાં એક પતિ અને પત્ની અને તેમના ત્રણ બાળકો - પાંચ લોકો માર્યા ગયા હતા. બચાવ ટીમે લાશને કાટમાળમાંથી બહાર કાઢી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, આ ઘટના બાદ બે બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. કદમે જણાવ્યું હતું કે ભૂસ્ખલનમાં એક મોટો પથ્થર એક મકાન પર પડ્યો હતો., જેમાં એક જ પરિવારના સાત સભ્યો ફસાઇ ગયા હતા. બચાવવામાં આવેલા પરિવારના બે બાળકોમાંથી એકની ઉંમર 5 વર્ષની અને બીજાની 18 વર્ષની છે.
મૃતકોની ઓળખ પ્રભુ સુદામ યાદવ (45), તેમની પત્ની વિધાવતીદેવી યાદવ (40), તેમના બાળકો રવિકિશન (12), સિમરન (10) અને સંધ્યા (3) છે. સાવચેતી રૂપે લોકોને નજીકના મકાનોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. બીજી ઘટનામાં, કસારાના શિવાજી નગર વિસ્તારમાં વરસાદને કારણે કેટલાક અસ્થાયી મકાનો ધરાશાયી થયા હતા, એમ થાણે મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. જો કે આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી નથી. આ વિસ્તારમાં રહેતા પરિવારોને નજીકની જિલ્લા પરિષદની શાળાઓમાં બેસાડવામાં આવ્યા છે.
દરમિયાન મીરા ભાયંદર મહાનગર પાલિકાના અધિકારીઓએ ભારે વરસાદને લીધે લીકેજ થતાં લોકોને ગરમ પાણી પીવા જણાવ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે ભારતીય હવામાન વિભાગે 19 થી 22 જુલાઈ દરમિયાન મુંબઇ, થાણે અને પાલઘરમાં ઓરેંજ એલર્ટ જારી કર્યુ છે, જ્યારે રત્નાગીરી, રાયગઢ અને સિંધુદુર્ગમાં આગામી ત્રણ દિવસ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.