
શિવસેનાના 16 બાગી ધારાસભ્યોને જશે ડેપ્યુટી સ્પીકરની નોટિસ! સભ્યપદ પણ થઈ શકે છે રદ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં આવેલા રાજકીય સંકટનુ હાલમાં કોઈ સમાધાન આવતુ નથી દેખાઈ રહ્યુ. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય ભાજપ સાથે ગઠબંધનની માંગ કરી ચૂક્યા છે. વળી, ઉદ્ધવ ઠાકરે વધુ એક વાર સ્પષ્ટ કહી ચૂક્યા છે કે તે કોઈ પણ સ્થિતિમાં ભાજપ સાથે ફરીથી નહિ જાય. આ બધા વચ્ચે સમાચાર છે કે મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલ 16 બળવાખોર ધારાસભ્યોને નોટિસ મોકલી શકે છે અથવા તેમનુ સભ્યપદ પણ રદ કરવામાં આવી શકે છે. વાસ્તવમાં, 16 ધારાસભ્યો પર કાર્યવાહીની માંગ શિવસેના તરફથી કરવામાં આવી હતી. આ અંગે એક અરજી ડેપ્યુટી સ્પીકર પાસે પહોંચી હતી જેના પર હવે ડેપ્યુટી સ્પીકર હરકતમાં આવ્યા છે.
શિવસેનાની વિનંતી પર ડેપ્યુટી સ્પીકર એક્શનમાં આવ્યા
ન્યૂઝ એજન્સી એએનઆઈના સમાચાર મુજબ શિવસેના દ્વારા ડેપ્યુટી સ્પીકર પાસે દાખલ કરવામાં આવેલી અરજી પર પણ સોમવારે (27 જૂન) સુનાવણી થઈ શકે છે. આ અરજીમાં શિવસેનાએ બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. આ અરજીને લઈને કહેવામાં આવી રહ્યુ છે કે આજે ડેપ્યુટી સ્પીકર 16 બળવાખોર ધારાસભ્યોને નોટિસ મોકલી શકે છે. શિવસેનાની અરજીને ધ્યાનમાં લઈને ડેપ્યુટી સ્પીકરે આ અંગે એડવોકેટ જનરલ પાસેથી સલાહ પણ માંગી હોવાના અહેવાલ છે. ડેપ્યુટી સ્પીકરે એડવોકેટ જનરલને કોલ મોકલ્યો છે.
'જો સભ્યપદ રદ થશે, તો ફ્લોર ટેસ્ટમાં હાજરી આપી શકશે નહીં'
તમને જણાવી દઈએ કે શુક્રવારે રાત્રે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની માંગને લઈને વિધાનસભા સચિવાલયમાં એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણી સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં અરવિંદ સાવંત, અનિલ દેસાઈ પણ હાજર હતા. અનિલ દેસાઈએ જણાવ્યુ હતુ કે બળવાખોરોનુ સભ્યપદ રદ કરવા અંગે કાયદાકીય પાસાઓ પર ચર્ચા થઈ રહી છે. આવી સ્થિતિમાં તમામ ધારાસભ્યોને નોટિસ મોકલવામાં આવશે. અમે ડેપ્યુટી સ્પીકરને પત્ર લખીને તમામ બળવાખોર ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાની માંગ કરી છે. આવી સ્થિતિમાં જો તેમની સદસ્યતા રદ કરવામાં આવે તો તેઓ ફ્લોર ટેસ્ટમાં મતદાન કરી શકશે નહિ.
બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહીની માંગ કરતી શિવસેનાની અરજી પર પણ એકનાથ શિંદેની પ્રતિક્રિયા આવી છે. તેમનુ કહેવુ છે કે ઉદ્ધવ ઠાકરે વતી આવી અરજી દાખલ કરી શકાય નહિ કારણ કે તેમની પાસે ધારાસભ્યોનુ સમર્થન નથી તો આવી સ્થિતિમાં જાહેર કરવામાં આવેલી નોટિસ અથવા વ્હિપને ગેરકાયદે જાહેર કરી શકાય છે.