મહારાષ્ટ્ર સરકાર પંચાયત ચૂંટણીમાં OBC અનામત માટે અધ્યાદેશ લાવશે!
મહારાષ્ટ્રમાં પંચાયત ચૂંટણીમાં ઓબીસી અનામતનો મુદ્દો ગરમાયો છે. બુધવારે મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના નેતા છગન ભુજબલે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર આ ચૂંટણીમાં ઓબીસી અનામત બહાલ કરવા માટે વટહુકમ બહાર પાડશે. તે 50% આરક્ષણની મર્યાદાને પાર નહીં કરે. આ વટહુકમ આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સરકારના નિર્ણયની તર્જ પર જારી કરવામાં આવશે. જો કે, ઘણા વિરોધ પક્ષો અનામતને લઈને સરકારના ઈરાદા પર સવાલ ઉઠાવી રહ્યા છે.
બે દિવસ પહેલા આ મામલે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. તે દરમિયાન કોર્ટે રાજ્ય સરકારને ચૂંટણી યોજવાનો નિર્દેશ આપતાં કહ્યું હતું કે, ઓબીસી અનામતના મુદ્દે રાજ્યની ચૂંટણી મોકૂફ રાખી શકાય નહીં. તદનુસાર, રાજ્ય ચૂંટણી પંચે રાજ્યમાં જિલ્લા પરિષદો અને પંચાયત સમિતિઓની પેટાચૂંટણીનું સમયપત્રક પણ જાહેર કર્યું હતું. આ નિર્ણય બાદ મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં વટહુકમ બહાર પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બીજી બાજુ ભાજપે પણ ઉદ્ધવ સરકાર સામે મોરચો ખોલ્યો છે. જે અંતર્ગત બુધવારે રાજ્યભરમાં ભાજપના કાર્યકરોએ પ્રદર્શન કર્યું હતું. ભાજપનો આરોપ છે કે રાજ્ય સરકારે ઓબીસી સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે. આ સાથે આજે અનામત વગર જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિઓની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે.