મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક, શિવસેના બોલી - ભાજપ સાથે સરકાર બનાવવામાં કોઈ વાંધો નથી, પરંતુ...
મહારાષ્ટ્રમાં 24 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદથી હજુ સુધી સરકારની રચના અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી. કોઈ પણ પક્ષની સરકાર ના બનતી જોઈ રાજ્યપાલની ભલામણ પર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને મંજૂરી આપી દેવામાં આવી હતી. જો કે આ દરમિયાન ભાજપથી અલગ થયેલી શિવસેના, એનસીપી-કોંગ્રેસ સાથે સરકાર બનાવવાની કોશિશમાં લાગેલા છે. પરંતુ હજુ આ અંગે અસમંજસની સ્થિતિ બનેલી છે. વળી, રાજ્યમાં ચાલી રહેલ રાજકીય ઘમાસાણ વચ્ચે સરકાર બનાવવા અંગે શિવસેના તરફથી મોટા સમાચાર આવી રહ્યા છે.

ભાજપ 50-50 ફોર્મ્યુલા પર સંમત હોય તો સાથે જઈ શકે છે શિવસેનાઃ સૂત્ર
મહારાષ્ટ્રમા સરકાર બનાવવા અંગે શરદ પવારની પાર્ટી એનસીપી અને કોંગ્રેસ સાથે શિવસેનાની વાતચીત ચાલી રહી છે. આ દરમિયાન શિવસેનાના સૂત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે. સૂત્રોનુ કહેવુ છે કે જો ભાજપ 50-50ની ફોર્મ્યુલા પર સંમત થાય તો શિવસેનાને તેમની સાથે જવામાં ખુશી થશે. તમને જણાવી દઈએ કે આ 50-50 ફોર્મ્યુલા વિશે ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ વધી હતી અને સાથે મળીને ચૂંટણી લડવા છતાં પણ સરકારની રચના થઈ શકી નહોતી.

એનસીપી-કોંગ્રેસ સાથે સરકાર બનાવવાની દિશામાં વાતચીત પણ ચાલુ
બીજી તરફ, એનસીપી-કોંગ્રેસ વિશે શિવસેનાનુ કહેવુ છે કે સરકાર બનાવવાની દિશામાં વાતચીત ચાલુ છે અને ટૂંક સમયમાં આના પર નિર્ણય લેવામાં આવશે. સોમવારે જ્યારે મીડિયાકર્મીઓએ શિવસેના નેતા સંજય રાઉતને સરકારની રચના વિશે સવાલ કર્યા તો તેમણે કહ્યુ, ‘એનસીપી પ્રમુખ શરદ પવાર શું કહે છે એ સમજવા માટે 100 વાર જન્મ લેવા પડશે.'
આ પણ વાંચોઃ CM નારાયણસામીઃ હિટલરની બહેન જેવા છે કિરણ બેદી, લોહી ઉકળી ઉઠે છે મારુ જ્યારે..

મહારાષ્ટ્રના નથી બની શકી હજુ પણ સરકાર
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયતમાં લાગેલી શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યુ કે રાજ્યમાં સરકાર જરૂર બનશે, અમે બાળાસાહેબ માટે કંઈ પણ કરીશુ. રાઉતે મીડિયાકર્મીઓને પોતાના નિવેદનમાં આગળ કહ્યુ કે ઉદ્ધવ ઠાકરેએ બાળાસાહેબને વચન આપ્યુ હતુ કે મહારાષ્ટ્રમાં શિવસેનાના મુખ્યમંત્રી હશે. તમે બધા બહુ જલ્દી જોશો કે રાજ્યમાં અમારી પાર્ટીના જ સીએમ હશે. એનસીપી-કોંગ્રેસ સાથે સરકારની રચના વિશે વાતચીત ચાલી રહી છે અને ત્રણે પક્ષો વચ્ચે મિનિમમ કૉમન પ્રોગ્રામ (લઘુત્તમ સંયુક્ત કાર્યક્રમ) નક્કી કરવામાં આવી રહ્યો છે. વળી, આ અંગે સોનિયા ગાંધી અને શરદ પવાર વચ્ચે યોજાનાર બેઠક પર પણ નજર રહેશે.