Mahatma Gandhi : ગાંધીજીના મૃત્યુના દિવસે શું થયું હતું?
શુક્રવાર, 30 જાન્યુઆરી 1948ની શરૂઆત સામાન્ય દિવસની માફક જ થઈ હતી. મહાત્મા ગાંધી રાબેતા મુજબ મળસ્કે સાડા ત્રણ વાગ્યે ઊઠી ગયા હતા.
તેમણે પ્રાર્થના કરી હતી. કૉંગ્રેસની નવી જવાબદારીના મુસદ્દા વિશે તેમણે તેમની ડેસ્ક પર બે કલાક કામ કર્યું હતું અને બીજા લોકો ઊઠે એ પહેલાં છ વાગ્યે ફરી ઊંઘી ગયા હતા.
આભા અને મનુબહેને બનાવેલું લીંબુ અને મધનું ગરમ પીણું તથા મીઠા-લીંબુનું પાણી તેઓ બે કલાક કામ કરતી વખતે પીતા રહ્યા હતા.
છ વાગ્યે ઊંઘીને ગાંધીજી આઠ વાગ્યે ફરી ઊઠ્યા હતા.
પછી અખબારો પર નજર ફેરવી હતી. ત્યારબાદ બ્રજકૃષ્ણએ તેલ વડે તેમને માલિશ કરી આપી હતી. સ્નાન કર્યા બાદ ગાંધીજીએ બકરીનું દૂધ પીધું હતું.
બાફેલાં શાકભાજી, ટામેટાં અને મૂળા ખાધાં હતાં. સંતરાનો રસ પણ પીધો હતો.
શહેરના બીજા ખૂણામાં જૂની દિલ્હી રેલવેસ્ટેશનના વેઇટિંગ રૂમમાં નાથુરામ ગોડસે, નારાયણ આપ્ટે અને વિષ્ણુ કરકરે ગાઢ નિંદ્રામાં હતા.
સરદાર પટેલને ગાંધીજી શા માટે મળ્યા હતા?
ડર્બનના જૂના સાથીદાર રુસ્તમ સોરાબજી સપરિવાર ગાંધીજીને મળવા માટે આવ્યા હતા.
એ પછી રોજની માફક ગાંધીજી દિલ્હીના મુસલમાન નેતાઓને મળ્યા હતા અને તેમને કહ્યું હતું કે "તમારી સંમતિ વિના હું વર્ધા નહીં જઈ શકું."
ગાંધીજીના વિશ્વાસુ સાથી સુધીર ઘોષ અને તેમના સચિવ પ્યારેલાલે જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ વચ્ચેના મતભેદ વિશે 'લંડન ટાઈમ્સ'માં છપાયેલા એક લેખ વિશે ગાંધીજીનો અભિપ્રાય માગ્યો હતો.
ગાંધીજીએ તેમને જણાવ્યું હતું કે તેઓ આ મામલે સરદાર પટેલ સાથે વાત કરશે અને પછી નેહરુ સાથે વાત કરશે.
ગાંધીજીને મળવા માટે સરદાર પટેલ બપોરે ચાર વાગ્યે અને નેહરુ સાંજે સાત વાગ્યે આવવાના હતા.
મગફળી ખાવાની ગોડસેની ઇચ્છા
બીજી તરફ બિરલા હાઉસ તરફ જવા રવાના થતાં પહેલાં નાથુરામ ગોડસેએ મગફળી ખાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
આપ્ટે તેમના માટે મગફળી શોધવા નીકળ્યા હતા, પણ થોડીવાર પછી પરત આવીને કહ્યું હતું, "દિલ્હીમાં મગફળી ક્યાંય મળતી નથી. કાજુ-બદામથી કામ ચાલી જશે?"
ગોડસેને માત્ર મગફળી જ ખાવી હતી. તેથી આપ્ટે ફરી બહાર નીકળ્યા હતા અને મોટા પડીકામાં મગફળી લઈને પાછા આવ્યા હતા.
ગોડસે મગફળી પર તૂટી પડ્યા હતા ત્યારે આપ્ટેએ કહ્યું હતું કે હવે જવાનો સમય થઈ ગયો છે.
સરદાર પટેલ તેમનાં પુત્રી મણીબહેન સાથે ગાંધીજીને મળવા ચાર વાગ્યે પહોંચ્યા હતા અને પ્રાર્થનાના સમયે એટલે કે સાંજના પાંચ વાગ્યા સુધી ગાંધીજી સાથે મંત્રણા કરતા રહ્યા હતા.
ગોડસે અને તેમના સાથીઓ દિલ્હી રેલવેસ્ટેશનથી ભાડાની ઘોડાગાડીમાં કનોટ પ્લેસ આવ્યા હતા અને ત્યાંથી ભાડાની બીજી ઘોડાગાડીમાં બિરલા હાઉસથી થોડે દૂર પહોંચ્યા હતા.
સરદાર પટેલ સાથેની વાતચીત દરમિયાન ગાંધીજી ચરખો ચલાવતા રહ્યા હતા.
આભાબહેને સાંજના ભોજન માટે પીરસેલાં બકરીનું દૂધ, કાચાં ગાજર, બાફેલી શાકભાજી અને ત્રણ સંતરાનો આહાર ગાંધીજીએ લીધો હતો.
ગાંધીજીને પ્રાર્થનાસભામાં મોડા પહોંચવાનું જરા પણ પસંદ નહોતું એ આભાબહેન જાણતાં હતાં.
તેમને ચિંતા હતી, પણ સરદાર પટેલને અટકાવવાની હિંમત તેઓ કરી શક્યાં નહોતાં. આખરે તો સરદાર લોહપુરુષ હતા.
મોડું થઈ રહ્યું છે એ વાત ગાંધીજીને યાદ કરાવવાની હિંમત પણ આભાબહેન કરી ન શક્યાં.
સભાસ્થળે જતી વખતે મજાક
તેમણે ગાંધીજીની ખિસ્સા ઘડિયાળ ઉઠાવી હતી અને તેને ધીમેથી હલાવીને મોડું થતું હોવાનું ગાંધીજીને યાદ કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
આખરે મણીબહેને હસ્તક્ષેપ કર્યો હતો. ગાંધીજી પ્રાર્થનાસભામાં જવા માટે ઊભા થયા ત્યારે સાંજના પાંચ વાગીને દસ મિનિટ થઈ હતી.
ગાંધીજી તરત ચપ્પલ પહેરી, ડાબો હાથ મનુબહેનના અને જમણો હાથ આભાબહેનના ખભા પર મૂકીને પ્રાર્થનાસભા માટે ચાલવા લાગ્યા હતા. રસ્તામાં તેમણે આભાબહેન સાથે મજાક પણ કરી હતી.
ગાજરનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું, "આજે તે મને વણઝારાઓનું ખાવાનું આપ્યું હતું."
તેના જવાબમાં આભાબહેને કહ્યું હતું, "પણ બા તો ગાજરને ઘોડાનો ખોરાક કહેતાં હતાં."
ગાંધીજીએ કહ્યું હતું, "મારી દરિયાદિલી જોઈ લે કે જેની કોઈ પરવા નથી કરતું તેનો આનંદ પણ હું લઈ રહ્યો છું."
આભાબહેને હસવાની સાથે ફરિયાદના સ્વરમાં કહ્યું હતું, "આજે તમારી ઘડિયાળ વિચારતી હશે કે તેની અવગણના કરવામાં આવી રહી છે."
ગાંધીજીએ કહ્યું હતું, "હું મારી ઘડિયાળ સામે શા માટે જોઉં. તારા કારણે મને દસ મિનિટ મોડું થયું."
ગાંધીજીએ ગંભીરતા સાથે ઉમેર્યું, "નર્સની ફરજ છે કે એ પોતાનું કામ કોઈ પણ ભોગે કરે, પછી ત્યાં ઈશ્વર પણ હાજર કેમ ન હોય. પ્રાર્થનાસભામાં એક મિનિટનું પણ મોડું થાય એ મને પસંદ નથી."
આવી વાતો કરતાં-કરતાં ગાંધીજી પ્રાર્થનાસ્થળે પહોંચ્યા હતા. બન્ને બાલિકાઓના ખભા પરથી હાથ હઠાવી ગાંધીજીએ નમસ્કાર વડે લોકોના અભિવાદનનો પ્રત્યુત્તર આપ્યો હતો.
https://www.youtube.com/watch?v=hmBQ-BzL6mY
ગોડસેએ મનુબહેનને ધક્કો માર્યો
નથુરામ ગોડસે તેમની ડાબી તરફ ઝૂક્યા ત્યારે મનુબહેનને એવું લાગ્યું હતું કે તેઓ ગાંધીજીના ચરણને સ્પર્શવાના પ્રયાસ કરી રહ્યા છે.
આભાબહેને ચિડાઈને કહ્યું હતું કે ગાંધીજીને મોડું થયું છે ત્યારે તેમના માર્ગમાં વધુ અંતરાય સર્જવા ન જોઈએ, પણ નાથુરામે મનુબહેનને ધક્કો માર્યો હતો. તેથી તેમના હાથમાંથી માળા અને પુસ્તક પડી ગયાં હતાં.
નીચે પડેલાં પુસ્તકો તથા માળાને ઉઠાવવા માટે મનુબહેન ઝૂક્યાં ત્યારે ગોડસેએ પિસ્તોલ કાઢી હતી અને એક પછી એક ત્રણ ગોળી ગાંધીજીની છાતી તથા પેટમાં ઉતારી દીધી હતી.
ગાંધીજીના મોંમાંથી "રામ...રા...મ" શબ્દો સરી પડ્યા હતા અને તેમનું પ્રાણહીન શરીર નીચે પડવા લાગ્યું હતું.
પડી રહેલા ગાંધીજીના મસ્તકને આભાબહેને પોતાના હાથનો સહારો આપ્યો હતો.
માઉન્ટબેટન ગાંધીજીને ઓળખી ન શક્યા
ગાંધીજીની હત્યાની કેટલીક મિનિટોમાં જ વાઇસરોય લૉર્ડ માઉન્ટબેટન બિરલા હાઉસ પહોંચ્યા હતા.
કોઈએ ગાંધીજીના સ્ટીલની ફ્રેમના ચશ્મા ઉતારી નાખ્યાં હતાં. મીણબત્તીની રોશનીમાં ગાંધીજીના નિષ્પ્રાણ, ચશ્મા વિનાના શરીરને જોઈને માઉન્ટબેટન પહેલાં તો તેમને ઓળખી શક્યા ન હતા.
ગાંધીજીના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો હતો ત્યારે મનુબહેને તેમનો ચહેરો સરદાર પટેલના ખોળામાં છુપાવી દીધો હતો અને સતત રડતાં રહ્યાં હતાં.
થોડીવાર પછી મનુબહેને ચહેરો ઉઠાવ્યો ત્યારે તેમને લાગ્યું હતું કે સરદાર પટેલ અચાનક વયોવૃદ્ધ થઈ ગયા છે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=knwuLO2bJQ8
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો