આંધ્ર પ્રદેશમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 6ના મોત, 12 ઘાયલ
હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશના ઈલુરુમાં અક્કિરેડિગુડેમમાં સ્થિત કેમિકલ ફેક્ટરીમાં ગઈ રાતે આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દૂર્ઘટનમાં 6 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. ઈલુરુના એસપી રાહુલ દેવ શર્માએ ઘટનાની માહિતી આપીને જણાવ્યુ કે આગ ગઈ કાલે રાતે નાઈટ્રિક એસિડ, મોનોમિથાઈલ લીક થવાથી લાગી. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ મૃતકોના પરિવારજનોને 25 લાખ રુપિયા, ગંભીર રીતે ઘાયલોને 5 લાખ અને સામાન્ય ઘાયલ લોકોને 2 લાખ રૂપિયાનુ વળતર આપવાનુ એલાન કર્યુ છે.
તમને જણાવી દઈએ કે આ દૂર્ઘટના આંધ્ર પ્રદેશની પોરસ ફેક્ટરીમાં બની જે મનસૂર જિલ્લામાં આવેલી છે. અહીં યુનિટ નંબર 4માં ગેસ લીક થયો અને આખી બિલ્ડીંગમાં ફેલાઈ ગયો. જે વખતે આ દૂર્ઘટના બની ત્યારે લગભગ 17 મજૂરો કામ પર હતા. આગ લાગતા જ 5 મજૂરો જીવતા ભૂંજાઈ ગયા, એક મજૂરનુ હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થઈ ગયુ, જ્યારે 12 લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ અમુકની હાલત ખૂબ નાજુક છે. મૃતકોમાં 4 મજૂર બિહારના હતા જ્યારે બાકી બેની ઓળખ કૃષ્ણા કેમિસ્ટ અને ઑપરેટર કિરણ તરીકે થઈ છે. પોરસ ફેક્ટરી એક ફાર્મા ફેક્ટરી છે જ્યાં નાઈટ્રીક એસિડ, મોનો મિથાઈલ અને સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના ભરુચમાં પણ થોડા દિવસો પહેલા એક કેમિકલ ફેક્ટરીમાં આવી દૂર્ઘટના બની હતી જેમાં 6 મજૂરો જીવતા સળગી ગયા હતા. દહેજની ઓમ ઑર્ગેનિક કંપનીમાં ડિસ્ટિલેશન પ્રોસેસ ચાલી રહી હતી જેમાં રિએક્ટરમાં વિસ્ફોટ બાદ આગ લાગવાથી મજૂરોના મોત થઈ ગયા હતા. આગ એટલી ભીષણ હતી કે દૂરથી જ ધૂમાડાના ગોટા દેખાઈ રહ્યા હતા.