અભિનેત્રીની છેડતીના કેસમાં મલયાલમ સુપરસ્ટાર દિલીપની અટકાયત
સોમવારે સાંજે મલયાલમ સુપરસ્ટાર દિલીપની ધરપકડ કરવામાં આવી હતી અને મંગળવારે સવારે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. દિલીપ પર એક મલયાલમ અભિનેત્રીનું અપહરણ કરાવી તેની શારીરિક છેડતી કરાવવાનો આરોપ છે. આ આરોપો અંગે 48 વર્ષીય અભિનેતા દિલીપનું કહેવું છે કે, હું નિર્દોષ છું, મને ફસાવવામાં આવી રહ્યો છે. પરંતુ હું મારી નિર્દોષતા સાબિત કરીશ.
આ સમાચાર બાદ બે મલાયલમ આર્ટિસ્ટ ફિલ્મ એસોસિએશનમાંથી પણ દિલીપની હકાલપટ્ટી કરવામાં આવી છે. નોંધનીય છે કે, 17 ફેબ્રૂઆરીના રોજ કોચીના રસ્તે એક લોકપ્રિય મલયામ અભિનેત્રીનું ચાર વ્યક્તિઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. તેમણે ચાલુ ગાડીએ અભિનેત્રીની છેડતી કરી હતી અને મોબાઇલમાં તેની તસવીરો પણ લીધી હતી. ત્યાર બાદ અભિનેત્રીને તેના મિત્રના ઘર આગળ ઉતારી દેવામાં આવી હતી. અભિનેત્રીએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરતાં ગણતારીના દિવસોમાં ગાડીના ડ્રાઇવર અને અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
એક અભિનેત્રી હોવા છતાં તેની સાથે તેની જ ગાડીમાં થયેલ છેડતીની આ ઘટનાને પગલે ઘણો હોબાળો થયો હતો. આ સમગ્ર ઘટનામાં અભિનેત્રીનો ડ્રાઇવર મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું હતું અને આ ડ્રાઇવર થકી જ અભિનેતા દિલીપની આ કેસમાં સંડોવણી હોવાની વાત બહાર આવી હતી. શરૂઆતમાં તો દિલીપે આ ડ્રાઇવરને ઓળખતો હોવાની વાત નકારી કાઢી હતી, પરંતુ પોલીસને તપાસમાં શૂટિંગના સ્થળે લેવામાં આવેલ કેટલીક તસવીરો મળી હતી, જેમાં દિલીપ અને અભિનેત્રીનો ડ્રાઇવર સાથે જોવા મળ્યા હતા. પોલીસ અનુસાર, અભિનેતા દિલીપને એ અભિનેત્રી સાથે વ્યક્તિગત દુશ્મનાવટ હતી અને આથી તેણે આવું પગલું ભર્યું હોય એવું બની શકે.