
અગ્નિપથ યોજનાઃ 'ભારત બંધ'ને લઈને પોલિસ ફોર્સ તૈનાત, રેલવે અધિકારી હાઈ એલર્ટ પર
નવી દિલ્લીઃ અગ્નિપથ યોજના સામે સોમવારે ઘણા સંગઠનોએ 'ભારત બંધ'નુ આહ્વાન કર્યુ છે. બે દિવસ પહેલા બિહારમાં બોલાવેલા બંધ દરમિયાન થયેલી હિંસક ઘટનાઓને જોતા દેશની સુરક્ષા એજન્સીઓ અને રાજ્યોની પોલિસ સંપૂર્ણપણે સજ્જ છે. ભારત બંધના એલાન સાથે જ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓઓ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ જાહેર કરી દીધુ છે કે બંધ દરમિયાન હિંસક ઘટનાઓ થઈ શકે છે. આ એલર્ટ બાદ બધા રાજ્યોમાં સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે.

પંજાબમાં કોચિંગ સેન્ટરોની બહાર પોલિસ ફોર્સ તૈનાત
રાજધાની દિલ્હી, યુપી, બિહાર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારત બંધની વધુ અસર જોવા મળે તેવી અપેક્ષા છે. આ રાજ્યોની પોલીસે બંધને લઈને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે. પંજાબમાં તમામ મુખ્ય સૈન્ય કોચિંગ સંસ્થાઓની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. વળી, ભારત બંધને લઈને હરિયાણામાં ઘણો ચુસ્ત પોલિસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પલવલને અડીને આવેલા ફરીદાબાદમાં વિવિધ પોલીસ ચોકીઓ પર કડક કાયદો અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ઝારખંડમાં સ્કૂલો રહેેશે બંધ
પંજાબ અને હરિયાણા ઉપરાંત ઝારખંડમાં સરકારે સોમવારે તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે બંધ દરમિયાન બિહારમાં જે રીતે હિંસા થઈ તે જોતા ભારત બંધને ધ્યાનમાં રાખીને સોમવારે ઝારખંડમાં તમામ શાળાઓને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના સચિવ રાજેશ શર્માએ કહ્યું કે સાવચેતીના ભાગરૂપે અમે આ નિર્ણય લીધો છે.

નોઈડામાં કલમ 144 લાગુ
અગ્નિપથ યોજના વિરુદ્ધ બોલાવવામાં આવેલા ભારત બંધના કારણે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. નોઈડા પોલીસનુ કહેવુ છે કે કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાના કોઈપણ પ્રયાસ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શુક્રવારે ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસ વે પર વિરોધ પ્રદર્શનના સંબંધમાં 200થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેરળ પોલીસે પણ ભારત બંધને લઈને તૈયારીઓ મજબૂત કરી છે. કેરળ પોલીસે કહ્યુ છે કે તેમના તમામ જવાન 20 જૂને ફરજ પર રહેશે. કોઈને રજા આપવામાં આવી નથી. આ દરમિયાન જો કોઈ કોઈપણ પ્રકારની હિંસા ફેલાવવાનો પ્રયાસ કરશે તો તેની ધરપકડ કરવામાં આવશે. છત્તીસગઢ સરકારે પણ આવો જ આદેશ આપ્યો છે.

તોફાનીઓ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા સૂચના
જ્યારે પોલીસકર્મીઓને કહેવામાં આવ્યુ છે કે તોફાનીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવે, તેમની સામે કડક કલમો હેઠળ કેસ નોંધવામાં આવે. પોલીસને મોબાઈલ ફોન, સીસીટીવી કેમેરા અને વિડિયો રેકોર્ડિંગ દ્વારા તોફાનીઓ વિરુદ્ધ ડિજિટલ પુરાવા એકત્રિત કરવા માટે કહેવામાં આવ્યુ છે. વીડિયો પુરાવાના આધારે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ અધિકારીઓને સુરક્ષા કીટ પહેરવા અને જો પરિસ્થિતિ નિયંત્રણ બહાર જાય તો નેતૃત્વ માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

ઘણી ટ્રેનો રદ, ઘણાનો સમય બદલાયો
બીજી તરફ જો રેલવેની વાત કરીએ તો સાત ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ટ્રેનો બિહાર, પશ્ચિમ બંગાળના અલગ-અલગ શહેરોની છે, અગ્નિપથ ભરતી યોજના સામે ચાલી રહેલા વિરોધને કારણે આ ટ્રેનોને રદ કરવામાં આવી છે. આ સિવાય પશ્ચિમ બંગાળ અને બિહારની 10 અન્ય ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બે ટ્રેનોના રૂટ પણ બદલવામાં આવ્યા છે. બિહારના મુખ્ય સચિવ અમીર સુભાનીએ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેણે દરેક પાસેથી તેમના ફીડબેક લીધા અને સૂચના આપી કે સુરક્ષા કડક રાખવામાં આવે.