‘કૃષ્ણના જન્મસ્થળ’ પરની મસ્જિદ દૂર કરવા માટેની અરજી મથુરા કોર્ટે સ્વીકારી
ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશના મથુરાની એક સ્થાનિક કોર્ટે શ્રીકૃષ્ણના મંદિર પાસે આવેલી મસ્જિદ દૂર કરવા માટેની અરજી સ્વીકારી છે.
નોંધનીય છે કે દિવાની અદાલત દ્વારા અગાઉ આ અરજી નકારી દેવાઈ હતી. જે નિર્ણય વિરુદ્ધની અરજીમાં મથુરા કોર્ટે આ અરજી સ્વીકારી લીધી છે.
નોંધનીય છે કે આ કેસ 26 સપ્ટેમ્બરે પ્રકાશમાં આવ્યો હતો. જ્યારે શ્રદ્ધાળુઓના એક ગ્રૂપ દ્વારા દિવાની અદાલતમાં ઈદગાહ મસ્જિદ હઠાવવા માટે અરજી કરાઈ હતી.
આ ગ્રૂપનો દાવો હતો કે 17મી સદીમાં મુઘલ બાદશાહ ઔરંગઝેબના ફરમાનથી તે સ્થળે આવેલ મંદિરના ભાગને તોડી પાડીને આ મસ્જિદ બાંધવામાં આવી હતી.
આ અરજીમાં અરજદારોએ દાવો કર્યો હતો કે સંબંધિત તમામ 13.37 એકરની જમીન હિંદુ શ્રદ્ધાળુઓ માટે પવિત્ર જગ્યા છે.
અરજીમાં કહેવાયું હતું કે 17મી સદીમાં ઔરંગઝેબે હિંદુઓનાં ઘણાં પવિત્ર સ્થળોને તોડવાનો હુકમ આપ્યો હતો. જેમાં આ જમીન પર બંધાયેલ મંદિર એટલે કે શ્રીકૃષ્ણના જન્મસ્થળ કટરા કેશવ દેવનો પણ સમાવેશ થયો હતો.
અરજીમાં આગળ દાવો કરાયો હતો કે વર્ષ 1969-70માં આ મંદિરનો એક ભાગ તોડી પાડીને ઈદગાહ મસ્જિદ બાંધવામાં આવી હતી.
- માત્ર બે વર્ષની એ ગુજરાતી બાળકી, જેણે પોતાના ભાઈને નવું જીવન આપ્યું
- એ સોમા ગાંડા પટેલ જેમની અવગણના કૉંગ્રેસ કે ભાજપને પોસાય એમ નથી
ગુજરાત સરકારે સરકારી નોકરીની 'નકલી’ જાહેરાતો અંગે યુવાનોને ચેતવ્યા
ન્યૂઝ 18ના એક અહેવાલ અનુસાર શુક્રવારે ગુજરાત સરકાર દ્વારા સરકારી વિભાગોમાં નોકરી માટેની નકલી જાહેરાતથી નોકરીવાંચ્છુઓને સાવધાન રહેવાનું જણાવવામાં આવ્યું છે.
અહેવાલ અનુસાર જુદા-જુદા સરકારી વિભાગોમાં 2,520 જગ્યાઓ માટે 'ગુજરાત ઍમ્પ્લૉયમૅન્ટ સર્વિંસ’ના નામે ગુરુવારે વિવિધ છાપાંમાં નોકરી અંગે જાહેરાત કરાઈ હતી.
આ જાહેરાતમાં અરજદારોએ અરજી કરવા માટે 300 રૂપિયા ચૂકવવાનું જણાવાયું હતું. સાથે જ કોરોનાની પરિસ્થિતિને જોતાં ઘરેથી જ કામ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારે એક પ્રેસ રિલીઝ જાહેર કરી આ જાહેરાત નકલી હોવાનું જણાવ્યું છે.
સરકારી પ્રેસ રિલીઝ અનુસાર, “આ જાહેરાત દ્વારા નોકરીવાંચ્છુઓ સાથે છેતરપિંડી કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો હતો."
"જુદાં-જુદાં છાપાંમાં સરકારી વિભાગોમાં સીધી ભરતી અંગેની બનાવટી જાહેરાત પ્રસિદ્ધ કરાઈ છે, નોકરીવાંચ્છુઓ આવી બનાવટી જાહેરાતને કારણે છેતરપિંડીનો શિકાર ન બને.”
ગુજરાતમાં સુપરકમ્પ્યૂટિંગ ફૅસિલિટી બનાવાશે
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાતમાં 26 પરમ શાવક હાઈ-પર્ફૉર્મન્સ કમ્પ્યૂટરો (HPC), જે સામાન્ય ભાષામાં સુપરકમ્પ્યૂટર તરીકે પણ જાણીતાં છે, મેળવ્યાં બાદ રાજ્યમાં કેન્દ્રીય સુપરકમ્પ્યૂટિંગ ફૅસિલિટી ઊભી કરાશે.
પુણે સ્થિત C-DAC દ્વારા આયોજિત પરમ શાવક માટેના ચાર દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામને અંતે આ નિર્ણય લેવાયો છે.
અહેવાલ અનુસાર ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ & ટેક્નૉલૉજી (ગુજકોસ્ટ)ના સભ્ય અને સચિવ ડૉ. નરોત્તમ સાહુએ આ મામલે કહ્યું હતું કે, “હાઈ-પર્ફૉર્મન્સ કમ્પ્યૂટિંગની મદદથી મોલિક્યુલર બાયોલૉજીથી માંડીને ક્વૉન્ટમ ફિઝિક્સ જેવાં અનેક ક્ષેત્રોમાં ચાલી રહેલાં સંશોધનો માટે હાઈ-પર્ફૉર્મન્સ કમ્પ્યૂટિંગ વ્યવસ્થા લાભકારી નીવડશે.”
તેમણે આગળ વાત કરતાં કહ્યું કે, “બીજા તબક્કામાં ગુજકોસ્ટ દ્વારા વધુ કમ્પ્યૂટૅશનલ પાવર અને સ્પીડવાળી કેન્દ્રીય સુપરકમ્પ્યૂટિંગ ફૅસિલિટી વિકસાવવાનું આયોજન છે.”
- સુશાંતસિંહ કેસના એ 15 ફોનનું રહસ્ય ગુજરાતની ફૉરેન્સિક લૅબ કઈ રીતે ઉકેલશે?
- મોરબી બેઠક પર મેરજા ભાજપને તારશે કે ડુબાડશે?
ગુજરાતમાં શનિવારથી સિનેમાઘરો ખૂલે તેવી સંભાવના
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ડોટ કૉમના અહેવાલ અનુસાર આખરે રાજ્યમાં સિનેમાઘરોના માલિકો જૂની ફિલ્મો ચલાવવાને લઈને ડિસ્ટ્રિબ્યુટરો સાથે કરાર કરવામાં સફળ રહ્યા છે. જે કારણે રાજ્યમાં શનિવારથી સિનેમાઘરો ખૂલવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
નોંધનીય છે કે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના મહામારીને કારણે લદાયેલા લૉકડાઉન બાદથી સિનેમાઘરો અને મલ્ટિપ્લેક્સો બંધ છે.
ગુજરાત સરકાર દ્વારા 1 ઑક્ટોબરના રોજ નૉટિફિકેશન જારી કરી રાજ્યમાં 15 ઑક્ટોબરથી કન્ટેનમૅન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં 50 ટકા ક્ષમતા સાથે સિનેમાઘરો શરૂ કરવાની પરવાનગી અપાઈ હતી.
સાથે જ સિનેમાઘરોમાં દર્શકોએ લેવાનાં સાવચેતીનાં પગલાં પણ જારી કરાયાં હતાં.
ગુજરાત મલ્ટીપ્લેક્સ ઑનર ઍસોસિયેશનના સભ્ય નીરજ આહુજાએ સમાચાર એજન્સી PTIને બુધવારે જણાવ્યું હતું કે “ગુજરાતમાં જૂની ફિલ્મો ફરી ચલાવવાને લઈને શરતો નક્કી થઈ શકી નહોતી. અમે મોટા ભાગે શનિવારથી જૂની ફિલ્મો ચલાવીશું.”
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો