પીએમ મોદીની સુરક્ષામાં ચુકનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો, CJI પાસે તપાસની માંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. આ મામલે ચીફ જસ્ટિસ એનવી રમન્નાની સામે અરજી કરવામાં આવી છે. વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે તેમની અરજીમાં ચીફ જસ્ટિસને પંજાબમાં પીએમ મોદીના કાફલાને રોકવા અને બુધવારે તેમના પરત ફરવાના મામલે તપાસ કરાવવાની વિનંતી કરી છે.
વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે તેમની અરજીમાં કહ્યું છે કે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટે મનિન્દર સિંહને આ અરજીની નકલ કેન્દ્ર અને પંજાબ સરકારને પણ આપવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટ શુક્રવારે આ અંગે સુનાવણી કરે તેવી શક્યતા છે.
પંજાબમાં શુ થયું?
પીએમ નરેન્દ્ર મોદી બુધવારે હવાઈ માર્ગે ભટિંડા પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. બાદમાં વરસાદ અને નબળી વિઝિબિલિટીને કારણે તેમણે રોડ દ્વારા જવાનું નક્કી કર્યું. જ્યારે વડા પ્રધાન હુસૈનીવાલા ખાતે રાષ્ટ્રીય શહીદ સ્મારક પહોંચવા માટે રોડ દ્વારા ગયા હતા, ત્યારે તેમના કાફલાને એક ફ્લાયઓવર પર વિરોધીઓ દ્વારા અવરોધિત કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. આ પછી પીએમ મોદી ભટિંડા એરપોર્ટથી દિલ્હી પરત ફર્યા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પીએમની સુરક્ષામાં ગંભીર ખામી ગણીને પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
પંજાબ સરકારે તપાસ માટે ટીમ બનાવી
રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકવા અને સુરક્ષામાં ખામીની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય ટીમની રચના કરી છે. આ તપાસ ટીમ ત્રણ દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. જો કે, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ બુધવારે સ્પષ્ટપણે કહ્યું હતું કે આ ઘટનામાં પીએમની સુરક્ષામાં કોઈ ખામી નથી આવી.