
Modernaએ પંજાબ સરકારને વેક્સીન આપવાનો ઈનકાર કર્યો, કહ્યું- માત્ર ભારત સરકાર સાથે ડીલ કરશે
અમેરિકી દવા નિર્માતા કંપની મોડર્નાએ પંજાબ સરકારને સીધી કોવિડ વેક્સીન આપવાનો ઈનકાર કરી દીધો છે. મોડર્નાએ આના માટે કંપનીની નીતિનો હવાલો આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું કે કંપની માત્ર ભારત સરકાર સાથે જ ડીલ કરશે.
પંજાબની અમરિંદર સરકારે રાજ્યમાં સીધી કોવિડ વેક્સીન ખરીદવા માટે અમેરિકી વેક્સીન નિર્માતા કંપનીનો સંપર્ક સાધ્યો હતો. અમેરિકા સહિત આ વેક્સીન કેટલાય દેશોમાં ઉપયોગમાં લેવાઈ રહી છે.
રાજ્યમાં વેક્સીનેશન પ્રોગ્રામના નોડલ ઑફિસર વિકાસ ગર્ગે જણાવ્યું કે, પંજાબ તમામ સંભાવિત સ્રોતો પાસેથી રસી ખરીદવા માટે એક ગ્લોબલ ટેંડર જાહેર કરવાની સંભાવના શોધી રહ્યું છે, જેમાં સ્પુતનિકના નિર્માતા ગમાલેયા રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ, ફાઈજર અને જૉનસ એન્ડ જૉનસન સામેલ છે.
કંપનીએ નીતિનો હવાલો આપ્યો
એએનઆઈ મુજબ ગર્ગે કહ્યું કે અત્યાર સુધી માત્ર મોડર્નાએ જ જવાબ આપ્યો છે પરંતુ કંપનીએ રાજ્ય સરકાર સાથે ડીલ કરવાનો ઈનકાર કરી દીધો છે. અત્યાર સુધી દુનિયાભરમાં 9 કરોડ લોકોને મોડર્ના વેક્સીનની રસી લાગી ચૂકી છે.
રાજ્ય નોડેલ અધિકારીએ કહ્યું કે મોડર્ના કંપનીએ પોતાની નીતિ અંતર્ગત પંજાબ સરકારને સીધી વેક્સીન મોકલવાનો ઈનકાર કરી દીધો છે. મોડર્ના માત્ર ભારત સરકાર સાથે ડીલ કરે છે, કોઈપણ રાજ્ય કે પ્રાઈવેટ પાર્ટી સાથે ડીલ નથી કરતી.
પંજાબમાં વેક્સીનની કમીને પગલે પાછલા ત્રણ દિવસથી પહેલા અને બીજા વર્ગના લોકો માટે રસીકરણ અભિયાન રોકવું પડ્યું છે. રાજ્ય માત્ર 4.2 લાખ વેક્સીનના ડોઝ ખરીદવામાં સફળ થયું છે જેમાંથી 66000 વેક્સીન ડોઝ શનિવારે જ મળ્યા છે જેને કેન્દ્રના ફેઝ 3 (18-44) વહેંચણી અંતર્ગત આપવામાં આવ્યા છે.